Tuesday, August 12, 2025
Google search engine
HomeNewsMumbaiમુંબઈમાં આ વર્ષે જાહેરસ્થળોએ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ

મુંબઈમાં આ વર્ષે જાહેરસ્થળોએ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ

મુંબઈઃ દિવાળી તહેવાર આડે હવે માત્ર જૂજ દિવસો બાકી રહ્યા છે ત્યારે એ માટેની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. આ વર્ષે કોરોના વાઈરસ રોગચાળો ફેલાતાં કટોકટી ઊભી થઈ છે અને એને કારણે સરકારે અનેક નિયંત્રણો નાખ્યા છે તેથી આ વખતે દિવાળીની ઉજવણી અલગ પ્રકારની રહેશે. બીજી બાજુ, મહારાષ્ટ્ર સરકારે ઉજવણીના સંદર્ભમાં માર્ગદર્શિકા જાહેર કરી છે.

રાજ્ય સરકારના ગૃહ વિભાગના જણાવ્યાનુસાર, મંદિરોને હજી ફરી ખોલવામાં આવ્યા નથી અને લોકોને પોતપોતાના ઘરોમાં જ પૂજા કરવાની સલાહ આપવામાં આવી છે. નાગરિકોને એવી પણ સલાહ આપવામાં આવી છે કે એમણે આ વખતે દિવાળીની ઉજવણી સાદાઈથી કરવી અને જાહેર સ્થળોએ ભેગા થવું નહીં. જે લોકો એમના ઘરની બહાર નીકળે એમણે મોઢા પર માસ્ક પહેરવો પડશે અને સેનિટાઈઝર્સનો પણ ઉપયોગ કરવાનો રહેશે.

સરકારે અપીલ કરી છે કે ફટાકડા ફોડવા નહીં, કારણ કે એનાથી પર્યાવરણને હાનિ પહોંચશે અને હવા પ્રદૂષિત થશે.

સરકારે લોકોને એમ પણ કહ્યું છે કે આ રોશનીનો તહેવાર હોવાથી તેમણે પર્યાવરણના રક્ષણ માટે ફટાકડા ફોડવાને બદલે માટીના દીવડા પેટાવવા.

કોરોના વાઈરસ બીમારીને ધ્યાનમાં રાખીને કોઈ પણ જાહેર કાર્યક્રમો યોજવા દેવામાં નહીં આવે. સરકારે લોકોને વિનંતી કરી છે કે તેમણે ઓનલાઈન કાર્યક્રમોમાં ભાગ લેવો.

સરકારે વધુમાં લોકોને કહ્યું છે કે દિવાળીના સાંસ્કૃતિક કાર્યક્રમોને બદલે રક્તદાન અને સ્વચ્છતા જેવી ઝુંબેશ યોજવી.

બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)એ જાહેરાત કરી છે કે આ વખતે દિવાળી ઉજવણી દરમિયાન જાહેર સ્થળોએ તમામ પ્રકારના ફટાકડા ફોડવા પર પ્રતિબંધ રહેશે. જે કોઈ આ માર્ગદર્શિકાઓનો ભંગ કરશે એમને દંડ ફટકારવામાં આવશે જે વિશેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે, એમ મુંબઈના અતિરિક્ત મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાનીએ કહ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular