Saturday, May 17, 2025
Google search engine
HomeNewsMumbaiમુંબઈનો ગેંગસ્ટર સુરેશ પૂજારી મહારાષ્ટ્ર-ATSની કસ્ટડીમાં

મુંબઈનો ગેંગસ્ટર સુરેશ પૂજારી મહારાષ્ટ્ર-ATSની કસ્ટડીમાં

મુંબઈઃ ભાગેડૂ ખૂંખાર ગેંગસ્ટર સુરેશ પૂજારીને ફિલિપીન્સની પોલીસે પકડ્યાના બે મહિના બાદ તેણે પૂજારીને ભારતને હવાલે કરી દીધો છે. મુંબઈમાં પૂજારી સામે બે ડઝન જેટલા ગંભીર ગુનાઓ માટે કેસ નોંધવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દિલીપ વલસે-પાટીલે કહ્યું છે કે મહારાષ્ટ્ર પોલીસની આ મોટી સફળતા છે. પૂજારી સામે હવે બે ડઝન જેટલા કેસોમાં કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. ફિલિપીન્સના સત્તાવાળાઓએ દિલ્હી એરપોર્ટ પર પૂજારીની સોંપણી ભારતના ઈન્ટેલિજન્સ બ્યૂરો અને સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્ટેલિજન્સના અધિકારીઓની ટીમને કરી દીધી હતી. સીબીઆઈના અધિકારીઓએ બાદમાં ત્યાં જ હાજર મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચની ટીમને હવાલે કરી દીધો હતો. આજે એને થાણે શહેરની કોર્ટમાં હાજર કરાયો હતો. કોર્ટે પૂજારીને 25 ડિસેમ્બર સુધી મહારાષ્ટ્ર એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ)ની કસ્ટડીમાં મોકલી આપ્યો છે. મુંબઈ અને થાણે, બંને શહેરની પોલીસે પૂજારી વિરુદ્ધ 2017માં રેડ કોર્નર નોટિસ ઈસ્યૂ કરી હતી. ગયા ઓક્ટોબરમાં, ફિલિપીન્સના પાટનગર મનીલાની પોલીસે સુરેશ પૂજારીને પકડ્યો હતો. ત્યારબાદ ભારત સરકારને જાણ કરી હતી અને પૂજારીના પ્રત્યર્પણની પ્રક્રિયા શરૂ કરી હતી. આખરે ગઈ કાલે મોડી રાતે એને નવી દિલ્હી લાવવામાં આવ્યો હતો.

સુરેશ પૂજારી બીજા કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારીનો સગો છે. રવિને 2020ના ફેબ્રુઆરીમાં આફ્રિકાના સેનેગલ દેશમાંથી પકડી લાવવામાં આવ્યો હતો. હાલ એ કસ્ટડીમાં છે અને કર્ણાટક, ગુજરાત, મહારાષ્ટ્રની પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ એની સામેના કેસોમાં તપાસ કરી રહ્યા છે. વિસ્તારોની વહેંચણીના મામલે બંને પૂજારી વચ્ચે દુશ્મની થઈ હતી. બંનેએ 2000ના દાયકાની શરૂઆતમાં પોતપોતાની રીતે માફિયાગીરી શરૂ કરી હતી. તેઓ મુંબઈ, નવી મુંબઈ અને થાણેના ભાગોમાં ગૂંડા-મવાલી-માફિયા પ્રવૃત્તિઓ કરતા હતા. સુરેશ પૂજારી મુંબઈના ઘાટકોપરના અસલ્ફા વિસ્તારમાં રહેતો હતો. એ 15 વર્ષ સુધી પોલીસોથી છટકતો રહ્યો હતો. સુરેશ સામે ખંડણી, હત્યાની ધમકી, હત્યા વગેરે જેવા 10 મોટા ગુનાઓમાં કેસ ચાલે છે. બે નેતા – ઓમી કાલાની (ઉલ્હાસનગર) અને જિતેન્દ્ર આવ્હાડ (થાણે)એ સુરેશ પૂજારી સામે ફરિયાદો નોંધાવી હતી.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular