રાજકારણને નહીં પણ અર્થકારણને કેન્દ્રમાં રાખતું ‘પાથ બ્રેકિંગ ‘અંદાજપત્ર
જિતેન્દ્ર સંઘવી (અર્થશાસ્ત્રી)
પ્રજાના બધા જ વર્ગોની નાની મોટી અપેક્ષાઓ સંતોષવાના પ્રયાસ જેવું અને છતા જેને ‘પોપ્યુલીસ્ટ’ નહીં પણ છેલ્લા કેટલાક વરસોના શ્રેષ્ઠ અંદાજપત્રોમાનું એક કહી શકાય એવું અંદાજપત્ર નાણાપ્રધાને રજૂ કર્યું છે. આ અંદાજપત્રમાં મોદી સરકારનું મધ્યમ અને લાંબા ગાળાનું વીઝન તો છે જ. ઉપરાંત તે ઇન્કલુઝીવ ગ્રોથનું શ્રેષ્ઠ ઉદાહરણ પણ છે. આ અંદાજપત્ર ઇન્ડિયા @ 100 માટેના રોડમેપ જેવું છે એવી મતલબના નાણાપ્રધાનના વિધાનનો તેમના વિરોધીઓ પણ વિરોધ કરી શકે તેમ નથી.
ગરીબો માટે મફત અનાજની સ્કીમની મુદતનો વધારો, નોકરિયાત અને મધ્યમ વર્ગ માટે આવકવેરાની મુકિતની લીમીટનો વધારો, માઇક્રો, નાના અને મધ્યમ ઉદ્યોગો માટેની ક્રેડિટ ગેરંટી સ્કીમના કોર્પસમા વધારો, ખેડૂતો માટેના ધિરાણની રકમમા વધારાની જોગવાઇ, સ્વાસ્થ્ય અને શિક્ષણનો વ્યાપ વધે એ માટેની સ્કીમો, ગરીબો માટેના આવાસની યોજના માટે મોટી ફાળવણી, માળખાકીય સવલતો માટેના મૂડીરોકાણમાં જંગી વધારો, બીઝનેસ કરવા માટે જરૂરી પ્રોસીઝરની સફળતા, વરિષ્ટ નાગરિકો માટેની સ્પેશ્યલ સેવિંગ સ્કીમ એ આ અંદાજપત્રની ઉડીને આંખે વળગે તેવી જોગવાઈઓ છે.
દસ લાખ કરોડ રૂપિયાના અધધ મૂડી રોકાણની જોગવાઇ અને તેમ છતા ફીસ્કલ ડેફિસિટમા ઘટાડો (જીડીપીના 5.9 ટકા) થઇ શકે એ આપણી ફીસ્કલ મેનેજમેન્ટનો શ્રેષ્ઠ પુરાવો છે.
સમગ્ર વિશ્વ જયારે સ્લોડાઉનથી પીડાતું હોય (અમેરિકા અને ચીન સહિત) કે મંદીને આરે ઉભું હોય ત્યારે બીજા દેશો પર અનેક બાબતે અવલંબિત ભારત માટે ચાલુ વરસે સાત ટકાના આર્થિક વિકાસનો દર અને ફીસ્કલ ૨૪ માટે ૫.૨ ટકાનો અંદાજિત આર્થિક વિકાસનો દર (વિશ્વના મુખ્ય દેશોમાં સૌથી ઝડપી વિકાસનો દર) ભારત માટે ગૌરવ લેવા જેવી વાત છે.
છેલ્લા ચાર વરસમાં મૂડીરોકાણ બમણુ થયું
મૂડીરોકાણ (કેપેકસ) વધારીને આપણી માળખાકીય સવલતો વધારવાનો અને આધુનિક બનાવવાનો મોટો પડકાર નાણાપ્રધાન સામે હતો. આ ખર્ચ થાય તો જ આપણે નવી રોજગારીનું સર્જન કરી શકીએ અને તે દ્વારા વપરાશ ખર્ચ (માંગ)નો વધારો .
અંદાજપત્રમાં ફીસ્કલ ૨૪ માટેનું મૂડી ખર્ચ ૧૦ લાખ કરોડ રૂપિયા (૩૩ ટકા વધારો)નું કરાયું છે. જે જીડીપીના ૩.૩ ટકા જેટલું છે (ચાર વરસ પહેલા તે ૧.૭ ટકાનું હતું).
મૂડી ખર્ચ માટે રાજયોને અપાનાર ૫૦ વરસ માટેની વ્યાજ મુકત લોન સાથે આ ખર્ચ ૧૩.૭ લાખ કરોડ (જીડીપીના ૪.૫ ટકા)નું થશે.
અને છતા ફીસ્કલ ડેફિસિટમાં ઘટાડો
ફીસ્કલ ડેફિસીટ એક એવો મેક્રો –ઇકોનોમિક પેરામીટર છે જે વિરોધ પક્ષ માટે સરકારના વિરોધનું હથિયાર બને છે. એટલે કોઇ પણ નાણા પ્રધાન તે અંકુશમાં છે એમ દેખાડવાનો પ્રયાસ કરે જ; પણ મૂડી રોકાણ (કેપીટલ ખર્ચ) ઘટાડીને.
આ વરસે સતત બીજા વરસે મૂડી રોકાણમાં ધરખમ વધારો કર્યા પછી પણ ફીસ્કલ ડેફિસિટ ઘટાડીને ૫.૯ ટકા (ચાલુ વરસે જીડીપીના ૬.૪ ટકા) કરાઇ છે. ફિસ્કલ ૨૬ સુધીમા (હવે પછીના બે વરસમા) તે ૪.૫ ટકા જેટલી નીચી લાવવાના ફીસ્કલ રીસ્પોન્સીબીલીટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એકટના લક્ષયાંકને નાણાપ્રધાન વળગી રહ્યા છે.
ભૂતકાળમાં નાણાપ્રધાનો એફઆરબીએમ એકટના લક્ષયાંકને પોતાની જરૂરિયાત મુજબ બદલતા રહીને તેના ધજાગરા ઉડાવતા રહ્યા છે એ યાદ અપાવવાની ભાગ્યે જ જરૂર હોય.
માઇક્રો અને નાના ઉદ્યોગો અંદાજપત્રના દાયરામાં છે
માઇક્રો અને નાના ઉદ્યોગોની ક્રેડિટ ગેરંટી સ્કીમ માટે 9000 કરોડ રૂપિયાનું ફંડ ઉભુ કરાશે જે થકી આ ઉદ્યોગોને ફીસ્કલ ૨૪મા બે લાખ કરોડ રૂપિયાનું ધીરાણ કરી શકાશે. સામાન્ય રીતે વ્યાજના દર વધી રહ્યા છે ત્યારે આ ધીરાણ પરના વ્યાજના દર ઘટાડવાની જાહેરાત કરાઇ છે.
સરકાર માટે ફાઇનાન્સીઅલ ઇન્કલુઝન (વધુને વધુ લોકોને ક્રેડિટ મળે, તેમના બેંક એકાઉન્ટ હોય) પ્રાથમિકતા છે. ઇન્કલુઝીવ ગ્રોથ (વિકાસનો ફાયદો બધાને મળે) અને સંગઠીત ક્ષેત્રનો વ્યાપ ( ઇપીએફઓની મેમ્બરશીપમા મોટો વધારો) પણ સરકારનો અગ્રક્રમ છે.
સ ટીવી અને મોબાઇલ પરના સ્પેરપાર્ટ પરની કસ્ટમ ડયુટી ઘટાડીને આપણા ઉત્પાદન ક્ષેત્રને અને સ્ટાર્ટ અપ્સને પ્રોત્સાહન મળે તેવી જોહરાતો પણ કરાઇ છે.
ફીસ્કલ ડીસીપ્લીન થકી કિંમતો ઘટે અને તે દ્વારા ભાવ વધારો અટકાવી શકાય
આપણો ભાવ વધારાનો દર ઘટતો જાય છે અને હવે પછી પણ ઘટતો રહેવાની અપેક્ષા છે. એટલે આવતે અઠવાડિયે જાહેર થનાર મોનેટરી પોલિસીમા વ્યાજના દરના ૨૫ બેસીસ પોઇન્ટના વધારા પછી રિઝર્વ બેંકને પોલિસીના દર વધારવાની જરૂર ન પણ પડે. આજે કેન્દ્ર સરકાર વરસે ૧૧ લાખ કરોડ રૂપિયા તેણે લીધેલ લોનના વ્યાજ પેટે ચૂકવે છે (અંદાજપત્રના કુલ ખર્ચના ૨૫ ટકા કે અંદાજ પત્રના કુલ રેરેવન્યુના લગભગ ૩૩ ટકા).
એટલે ખર્ચની ગુણવત્તા વધારાય તો જ ઓછા ખર્ચે વધારે ઉત્પાદન કરી શકીએ. ખર્ચની ઉત્પાદકતા વધે એટલે જે ફંડ ફાજલ પડે તે દ્વારા પ્રજાના છેવાડાના વર્ગ માટેની વેલ્ફેર સ્કીમો (મફત અનાજ, આયુષમાન ભારત)નો અમલ કરી શકીએ. બીજા શબ્દોમાં ફીસ્કલ ડીસીપ્લીન જ આપણે માટે ફીસ્કલ સ્ટીમ્યુલસ સાબિત થાય તો નવાઇ નહીં.
આ ફીસ્કલ ડીસીપ્લીન એટલે અર્થતંત્રમા કિંમતોનો ઘટાડો.
ચીજવસ્તુઓ કે સેવાના ભાવો વધે તેનો ડંખ ઉપભોકતા વર્ગને લાગે જ. આજે જરૂર છે ઉત્પાદન અને સેવાઓની કાર્યક્ષમતા વધારીને તેની કિંમત ઘટાડવાની. અર્થતંત્રમા કિંમતો ઘટે તો ભાવો આપોઆપ ઘટે. લો- કોસ્ટ ઇકોનોમીના નિર્માણ માટે આ રામબાણ ઇલાજ સાબિત થઇ શકે.અને તો જ ચીનના સ્લોડાઉન કે રીકવરીની આડ અસરમાંથી આપણે બચી શકીએ.
માળખાકીય સવલતોનો વધારો આપણી લોજીસ્ટીક કોસ્ટ અને ટ્રાન્ઝેકશન કોસ્ટ ઘટાડી શકે. જેને કારણે આપણી હરિફ શકિત વધે તો આપણી નિકાસો પણ વધે. જે આ અનિશ્ચિત સમયની તાતી જરૂર છે. વૈશ્વિક અર્થતંત્ર સ્લોડાઉનનો સામનો કરી રહ્યું હોય એટલે આપણી નિકાસો માટેની માંગ પણ ઘટી છે. આપણી હરિફશકિત દ્વારા નિકાસો વધારીને આપણી કરન્ટ એકાઉન્ટ ડેફિસીટ પણ કંટ્રોલ કરી શકાય.
અનિવાર્ય રેવન્યુ ખર્ચ (સરકારી કર્મચારીઓના પગાર/ભથ્થા, પેન્શન , નબળા વર્ગ માટેની સબસીડી (ફૂડ અને ફર્ટિલાઇઝર)નો ખર્ચ કર્યા પછી પણ માળખાકીય સવલતો માટેનો મૂડી ખર્ચ વધારી શકાય (અને તે પણ ફીસ્કલ ડીસીપ્લીનનો ભોગ લીધા સિવાય) એ બાબતે આ અંદાજપત્રે એક નવો ચીલો ચાતર્યો છે.
કરવેરા અને ડ્યુટીના ઘટાડાને કારણે આવતા વરસે સરકારની આવક ઘટશે.તો પછી ફીસ્કલ ડેફિસીટ કેવી રીતે કંટ્રોલ કરવાનો પ્લાન છે એ જાણવા માટે ફાઇન પ્રિન્ટની રાહ જોવી રહી.
રાજકારણ નહીં પણ અર્થકારણને કેન્દ્રમાં રાખીને બનાવાયેલું આ ‘પાથ બ્રેકિંગ’ અંદાજપત્ર સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં યાદગાર બની રહેશે.’ કુડોઝ ટુ મોદી સરકાર 2.0′ !