ઈન્ફ્રાસ્ટ્રકચર માટે ભંડોળ ફાળવાયું,પરંતુ પ્રોજેકટસ છે ખરાં?
નયન પરીખ (મેનેજમેન્ટ કન્સલટન્ટ)
ભારતના નાણામંત્રીએ ૨૦૨૩નું બજેટ રજૂ કર્યું છે તેમાં સમાજના જુદા જુદા વર્ગોને કંઈક મળે તે માટે પ્રયત્ન કર્યા છે. વળી દેશની ચૂંટણી પહેલાનું આ આખા વર્ષનું બજેટ હોવાના કારણે કોઈ પણ મતદાર વર્ગ છૂટી ન જાય તે માટે પ્રયત્ન કર્યા છે. એક બાજુ વિકાસની જરૂરિયાત અને બીજી બાજુ મોંઘવારીમાં પીસાતો ગરીબ વર્ગ – આ બન્ને માટે બજેટમાં જોગવાઈ કરવાનો પ્રયાસ કરાયો છે. વિકાસ અને રોજગારને વેગ આપવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર પર રૂપિયા ૧૦ લાખ કરોડ ખર્ચવાની જોગવાઈ છે. પણ આ મોટી રકમ બરાબર ખર્ચાય તેના માટે તૈયાર ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ છે ખરા? કોઈ બીજા ખર્ચ કરતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ આયોજન, આગોતરી તૈયારી અને ડિઝાઇન માંગી લે છે. એટલે જ વર્ષના અંતે આપણે ખરેખર આટલા રૂપિયા એવા પ્રોજેક્ટમાં ખર્ચી શકીશું કે જેથી દેશના વિકાસને વેગ મળે? આપણે આશા રાખીએ કે આ બાબતમાં કામ અને આયોજન થઈ ગયું છે.
કરોડપતિઓને રાહત કેટલી વાજબી?
આ ઉપરાંત ઈન્કમ ટેક્સમાં નાનાથી માંડીને દરેક વ્યક્તિને કઇંક ફાયદો થયો છે પણ છેલ્લા થોડા વર્ષોમાં મોંઘવારીના કારણે રૂપિયો કેટલો ઘસાયો છે તે આપણને સૌને ખબર છે. ઘણા વર્ષો બાદ આવકવેરાનો સ્લેબ અને રેટને બદલવામાં આવ્યા છે અને ઘણા વર્ષો સુધી હવે એ ના પણ બદલાય, ત્યારે હાલ જે રાહત આપી છે તે પુરતી લાગે છે? વળી ઊંચી આવકમાં ટેક્ષ ઘટાડવામાં આવ્યો છે તેની ખરેખર જરૂરિયાત હતી ખરી? કરોડો રૂપિયા કમાતા ધનાઢ્ય વ્યકિતને રાહત આપવાની જરૂર હતી કે કેમ તે વિચાર માંગી લે છે. આ ઉપરાંત ખેડૂતો માટે નાના ઉદ્યોગો અને સિનિયર સિટીઝન માટે જે રાહત આપવામાં આવી છે અને કો ઓપરેટીવ સેક્ટરને કંપનીઓની જેમ ૧૫%ના સ્લેબમાં લાવવાથી કો-ઓપરેટીવ સેક્ટરને ચોક્કસ વેગ મળશે અને ગુજરાત તેમજ વેસ્ટર્ન ભારતના રાજ્યોને આ રાહતથી ચોક્કસ મદદ થશે.