Tuesday, July 15, 2025
Google search engine
HomeNewsMumbaiમહારાષ્ટ્રમાં કોરોનાકાળમાં 39,287 લોકોને નોકરી અપાવાઈઃ નવાબ મલિક

મહારાષ્ટ્રમાં કોરોનાકાળમાં 39,287 લોકોને નોકરી અપાવાઈઃ નવાબ મલિક

મુંબઈઃ મહારાષ્ટ્રના કૌશલ્ય વિકાસ, રોજગાર ખાતાના કેબિનેટ પ્રધાન નવાબ મલિકે જણાવ્યું છે કે રાજ્ય સરકારે કોરોના સંકટના સમયગાળા દરમિયાન હજારો લોકોને નોકરી અપાવી છે.

મલિકે કહ્યું કે એકલા ગયા જુલાઈ મહિનામાં જ રાજ્ય સરકારે ઓનલાઈન રોજગાર મેળા અને મહાસ્વયં વેબપોર્ટલ  (https://rojgar.mahaswayam.gov.in)  મારફત 21,572 જણને નોકરી ઉપલબ્ધ કરાવી છે.

 કોરોના વાઈરસ મહાબીમારીના ફેલાવા અને તેને કારણે ગયા માર્ચ મહિનામાં લોકડાઉન લાગુ કરાયા બાદ દેશભરમાં અનેક વેપાર-ઉદ્યોગ ઠપ થઈ ગયા હતા. ટ્રેન સેવા અને વાહનવ્યવહાર પણ બંધ કરી દેવાયા હતા. એને પરિણામે રોજગારની મોટી સમસ્યા ઊભી થઈ હતી.

મહારાષ્ટ્રના પ્રધાન નવાબ મલિક

મહારાષ્ટ્રના કૌશલ્ય વિકાસ, રોજગાર અને ઉદ્યોજકતા વિભાગે લોકડાઉનના સમયગાળામાં ઓનલાઈન રોજગાર મેળાનું આયોજન કર્યું હતું. તે મેળા અને મહાસ્વયં વેબપોર્ટલ મારફત ગયા એકલા જુલાઈ મહિનામાં જ 21,572 જણને નોકરી ઉપલબ્ધ કરાવાઈ હતી.

એપ્રિલથી જૂનના ત્રણ મહિનાના સમયગાળામાં 17,715 બેરોજગારોને રોજગાર આપવામાં આવ્યો હતો. લોકડાઉનના સમયગાળામાં કુલ 39,287 બેરોજગારોને નોકરી મળી છે.

ઓગસ્ટ મહિનામાં પણ એ કામ ચાલુ જ રખાયું છે. રાજ્યભરમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓનલાઈન રોજગાર મેળાની જિલ્લાવાર મોટી ઝુંબેશ શરૂ કરાઈ છે.

રાજ્યના કૌશલ્ય વિકાસ મંત્રાલયે ગયા જુલાઈમાં રાજ્યભરમાં યોજેલા મેળામાં 204 ઉદ્યોજકોએ ભાગ લીધો હતો. એમાં 21,572 ખાલી જગ્યા ભરવામાં આવી હતી. એ માટે ઉમેદવારોની ઓનલાઈન મુલાકાત લેવામાં આવી હતી. તમામ નોકરીવાંચ્છુ ઉમેદવારોને નોકરી મળે એ માટેના પ્રયાસો ચાલુ છે, એમ નવાબ મલિકે વધુમાં કહ્યું છે, જેઓ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના મુંબઈ એકમના પ્રમુખ છે અને ચેંબૂર ઉપનગરના અણુશક્તિ નગર વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાઈ આવ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular