Saturday, May 17, 2025
Google search engine
HomeNewsMumbaiમુંબઈની પડોશના રાયગડ જિલ્લામાં લોકડાઉન 24 જુલાઈ સુધી લંબાવાયું

મુંબઈની પડોશના રાયગડ જિલ્લામાં લોકડાઉન 24 જુલાઈ સુધી લંબાવાયું

મુંબઈઃ પડોશના રાયગડ જિલ્લાના પનવેલ શહેરમાં કોરોના વાઈરસના કેસો ખૂબ વધી જતાં લોકડાઉનની મુદતને લંબાવવામાં આવી છે. 3 જુલાઈથી 10 દિવસ માટે લાગુ કરાયેલા 10-દિવસના સંપૂર્ણ લોકડાઉનની મુદત આજે મધરાતે પૂરી થવાની હતી, પરંતુ સત્તાવાળાઓએ આ મુદતને વધુ 10 દિવસ માટે – 24 જુલાઈ સુધી લંબાવી દીધી છે.

પનવેલના મ્યુનિસિપલ કમિશનર સુધાકર દેશમુખે આ જાહેરાત કરી છે.

ગઈ બીજી જુલાઈએ પનવેલ મહાપાલિકાએ શહેરમાં 3 જુલાઈથી 13 જુલાઈની મધરાત સુધી સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી હતી. માત્ર દૂધની ડેરીઓ અને દૂધ પહોંચાડનારાઓ, દવાની દુકાનો, લોટ-આટાની ચક્કીઓને જ ચાલુ રાખવાની પરવાનગી આપવામાં આવી છે. બાકીની તમામ દુકાનો અને ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સને ચીજવસ્તુઓની હોમ ડિલીવરી કરવા જણાવ્યું છે.

પનવેલ મહાપાલિકામાં પનવેલ શહેર, ન્યૂ પનવેલ, કામોઠે, કળંબોલી, ખારઘર અને તળોજા વિસ્તારો આવે છે.

12 જુલાઈ સુધીમાં પનવેલમાં કોરોનાના 3,834 કેસો નોંધાયા હતા, જેમાંના 2,315 દર્દીઓ સાજા થયા છે, 1,423 દર્દી હજી સારવાર હેઠળ છે અને 96 જણના મરણ નિપજ્યા છે.

રાયગડ જિલ્લામાં 24 જુલાઈ સુધી લોકડાઉન

પનવેલ શહેર-તાલુકાનો સમાવેશ રાયગડ જિલ્લામાં છે.

રાયગડ જિલ્લામાં કોરોના વાઈરસના કેસો વધી જતાં 15 જુલાઈથી 24 જુલાઈની મધરાત સુધી સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવશે એવી મહારાષ્ટ્રના પાલક પ્રધાન અદિતી તટકરેએ જાહેરાત કરી છે.

આ લોકડાઉનમાં ખેતીવાડીને લગતા કામો અને કેન્દ્ર સરકારે મંજૂરી આપેલી કંપનીઓને કામ કરવાની છૂટ રહેશે.

તટકરેએ આજે જિલ્લા કાર્યાલયમાં યોજેલી બેઠકમાં લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં જિલ્લા કલેક્ટર નિધી ચૌધરી, પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ ડો. અનિલ પારસકર, તમામ વિધાનસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ પત્રકાર પરિષદમાં તટકરેએ લોકડાઉનના નિર્ણયની જાહેરાત કરી હતી.

રાયગડમાં 12 જુલાઈ સુધીમાં કોરોનાના 7,763 કેસ નોંધાયા હતા. એમાંથી 212 જણે જાન ગુમાવ્યા છે.

મહારાષ્ટ્રમાં ક્યાં-ક્યાં લોકડાઉન લંબાવાયું છે?

પુણે, પિંપરી-ચિંચવડ શહેરોમાં – 14 જુલાઈની મધરાતથી 23 જુલાઈ સુધી

થાણે અને ભિવંડી શહેરોમાં – 19 જુલાઈ સુધી

નવી મુંબઈમાં – 19 જુલાઈ સુધી

નાંદેડમાં – 17 જુલાઈ સુધી

સોલાપુરમાં – 16 જુલાઈથી 26 જુલાઈ સુધી સંપૂર્ણ લોકડાઉન

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular