Friday, May 16, 2025
Google search engine
HomeNewsMumbaiમહારાષ્ટ્રના ગવર્નરે ખર્ચો ઘટાડવા લીધા સાદાઈના અનેક પગલાં

મહારાષ્ટ્રના ગવર્નરે ખર્ચો ઘટાડવા લીધા સાદાઈના અનેક પગલાં

મુંબઈઃ જીવલેણ એવા કોરોના વાઈરસ રોગચાળાનો શિકાર બનેલા લોકોને રાહત મળે એવા પગલાં લેવામાં સરકારને વધારે નાણાકીય સાધનો ઉપલબ્ધ કરવા રાજભવનમાંનો ખર્ચો ઘટાડવા મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ સાદાઈ માટે અનેક પગલાં લીધા છે.

ગવર્નર કોશિયારીએ રાજભવનમાં ખર્ચ ઘટાડવા માટે ચાલુ નાણાકીય વર્ષમાં લીધેલા અમુક પગલાં આ મુજબ છેઃ

કોઈ પણ નવું નિર્માણ કાર્ય હાથ ધરવું નહીં.

રાજભવનમાં કોઈ પણ નવું મોટું બાંધકામ કે સમારકામ હાથ ધરવું નહીં. માત્ર હાલ જે કામો ચાલતા હોય એને ચાલુ રાખવા અને પૂરા કરવા.

આ વર્ષે 15 ઓગસ્ટના રોજ નિર્ધારિત આઝાદી દિવસ સમારોહ, જે પુણેના રાજભવનમાં યોજવાનું નક્કી કરાયું હતું તે હવે રદ કરાશે.

નવા આદેશ ન મળે ત્યાં સુધી રાજભવનમાં નવી કોઈ પણ વ્યક્તિને નોકરીએ રાખવી નહીં.

રાજભવન માટે નવી કારની ખરીદીનો પ્રસ્તાવ મુલતવી રાખી દેવાયો છે.

મોંઘેરા મહાનુભાવોને ભેટસોગાદો-સ્મૃતિચિન્હો આપવાની પ્રથાને વધુ આદેશ ન મળે ત્યાં સુધી બંધ રાખવી.

મહાનુભાવ મુલાકાતીઓને પુષ્પગુચ્છ વડે આવકારવાની પ્રથા બંધ રહેશે. રાજભવનમાં ગેસ્ટ હાઉસ રૂમ્સને ફૂલદાનીઓથી સજાવાશે નહીં.

વાઈસ-ચાન્સેલરો તથા બીજા અનેક અધિકારીઓ સાથેની બેઠકો અને વાર્તાલાપ વિડિયો કોન્ફરન્સ મારફત જ યોજવી, જેથી પ્રવાસને લગતો કોઈ ખર્ચ ન થાય.

સાદાઈના આ પગલાંને કારણે ચાલુ નાણાકીય વર્ષમાં રાજભવનના બજેટમાં 10-15 ટકા જેટલો ખર્ચ બચાવી શકાશે.

રાજ્યપાલે એમનો એક મહિનાનો પગાર લેવાનું જતું કરી દીધું છે એટલું જ નહીં, પોતાના પગારનો 30 ટકા હિસ્સો એક વર્ષ માટે કોરોના વાઈરસ વિરુદ્ધના જંગ માટે રચાયેલા પીએમ કેર્સ ફંડમાં દાનમાં આપવાની જાહેરાત કરી છે.

રાજ્યપાલ કોશિયારીનું માનવું છે કે પોતે લીધેલા આ સાદાઈના પગલાં ભલે નાના હશે, પરંતુ એનાથી પર્યાપ્ત રકમના નાણાં બચાવી શકાશે જેનો ઉપયોગ કોરોના વાઈરસ-લોકડાઉનને કારણે લોકોની મુશ્કેલીઓને ઘટાડવા માટેના કાર્યોમાં વાપરી શકાશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular