Friday, May 16, 2025
Google search engine
HomeNewsMumbaiમુંબઈ, નાગપુર, પુણેને લોકડાઉનમાં રાહત આપવી શક્ય નથીઃ ઠાકરે

મુંબઈ, નાગપુર, પુણેને લોકડાઉનમાં રાહત આપવી શક્ય નથીઃ ઠાકરે

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કોરોના વાઈરસ સંબંધિત લોકડાઉન પરિસ્થિતિ અંગે આજે જનતા સાથે ફેસબુક માધ્યમ દ્વારા ફરી લાઈવ સંવાદ કર્યો હતો. એમાં તેમણે સ્પષ્ટ જણાવ્યું કે મુંબઈ, નાગપુર અને પુણે શહેરો વાઈરસના ફેલાવાના જોખમને કારણે રેડ ઝોનમાં હોવાથી આ શહેરોમાં લોકડાઉનની સ્થિતિમાં કોઈ ઢીલ આપવામાં નહીં આવે.

ઠાકરે લોકડાઉનને કારણે રાજ્યના અર્થતંત્ર પર પડેલી અને હજી વધુ પડનારી અસર વિશે પણ બોલ્યા હતા.

ઠાકરેએ કહ્યું કે, 3 મે પછી આપણે શું કરીશું? અર્થતંત્ર, નોકરીઓમાં કાપના મુદ્દે ઘણા સવાલો પૂછાઈ રહ્યા છે. હું આ વાતોને નકારતો નથી, આ બધી ચિંતા ખરેખર સતાવે જ છે. મહારાષ્ટ્ર રાજ્યને કોરોના વાઈરસ બીમારીની તીવ્રતાને ધ્યાનમાં રાખીને રેડ, ઓરેન્જ અને ગ્રીન – એમ ત્રણ ઝોનમાં વહેંચી દેવામાં આવ્યું છે. રેડ ઝોનમાં મુંબઈ મેટ્રોપોલિટન રીજન, પુણે અને નાગપુર છે. આ ત્રણ શહેરોમાં કોઈ પણ પ્રકારની આર્થિક પ્રવૃત્તિ શરૂ કરવી હાલ શક્ય નથી.

‘પરંતુ, ખેતીવાડી તથા ખેતરોમાંથી કૃષિ પેદાશોના ટ્રાન્સપોર્ટેશન પર કોઈ નિયંત્રણ નહીં રહે. ખેતીવાડી તથા તેને સંબંધિત પ્રવૃત્તિઓ પર કોઈ પ્રતિબંધ કે નિયંત્રણ નહીં રહે. અમે ધીમે ધીમે નિયંત્રણો ઉઠાવી રહ્યા છીએ, પરંતુ જો આપણે મોટી સંખ્યામાં ભેગા થઈશું અને શિસ્ત નહીં રાખીએ તો આપણે ફરીથી નિયંત્રણો લાગુ કરવા પડશે. ગ્રીન ઝોનમાં, અમે પ્રતિબંધ ધીમે ધીમે સંપૂર્ણપણે ઉઠાવી લઈશું,’ એમ મુખ્ય પ્રધાન ઠાકરેએ કહ્યું.

ઠાકરેએ એમ પણ કહ્યું કે જ્યાં કોરોનાનાં દર્દીઓ વધારે નોંધાયા છે એવા વિસ્તારોમાંની પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ રાજ્ય સરકાર 3 મે પછી અમુક છૂટછાટો આપશે. પરંતુ લોકોએ સજાગ રહેવું પડશે અને સહયોગ આપતા રહેવો પડશે, નહીં તો આપણે આટલા દિવસોમાં જે કંઈ સારું હાંસલ કર્યું છે એ ગુમાવી દઈશું. તેથી આપણે ધીરજ અને સાવચેતી રાખીને આગળ વધવાનું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular