Friday, August 8, 2025
Google search engine
HomeNewsMumbaiસ્વરકાર નિનુ મઝુમદાર, વિનાયક વોરાની સ્મૃતિવંદનાનો કાર્યક્રમ

સ્વરકાર નિનુ મઝુમદાર, વિનાયક વોરાની સ્મૃતિવંદનાનો કાર્યક્રમ

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના ઉપક્રમે બે સ્વરકાર નિનુ મઝુમદાર અને વિનાયક વોરાની સ્મૃતિવંદનાનો એક કાર્યક્રમ ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરીના સહયોગમાં યોજાઈ ગયો. કેટલાંક સ્વરાંકન છ સાત દાયકા અગાઉનાં સંગીતનો પરિચય કરાવતાં હોય છે. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ ભવન્સ કલ્ચરલ સેન્ટર,અંધેરીના સહયોગમાં બે ધુરંધર સ્વરકારના યોગદાનને તાજેતરમાં સ્મૃતિ અંજલિ આપી. આ બંને સ્વરકાર એટલે નિનુ મઝુમદાર અને પંડિત વિનાયક વોરા!

નિનુ મઝુમદાર 1915માં જન્મ્યા. એમનું બાળપણ વડોદરા નાનીમા સાથે વીત્યું જ્યાં ઉસ્તાદ ફૈયાઝ ખાન પાસે એમણે શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી. 16 વર્ષની ઉંમરે તેઓ મુંબઈ આવી પરિવાર સાથે જોડાયા. એમના પિતા નગેન્દ્ર મઝુમદાર સાઈલન્ટ ફિલ્મોના દિગ્દર્શક હતા. નિનુભાઈએ ગુજરાતી ગીતો લખ્યાં, સ્વરબદ્ધ કર્યાં, ગાયાં પણ ખરા અને સાથે સાથે 20 હિન્દી ફિલ્મોમાં એમણે સંગીત આપ્યું. તેઓ 1931 માં મુંબઈ આવ્યા અને રવીન્દ્ર સંગીતનો અભ્યાસ કર્યો. થોડો વખત તેઓ ઉત્તર પ્રદેશમાં હતા. ત્યાં ફોક મ્યુઝિકના વિવિધ સ્વરૂપો જેવા કે ચૈતી, હોરી, ઠુમરી, દાદરા વગેરેમાં પણ એમને રસ પડ્યો. 1954 માં તેઓ ઓલ ઇન્ડિયા રેડિયોમાં જોડાયા અને ગુજરાતી સુગમ સંગીતના નવાં ગાયકોને પ્લેટફોર્મ આપ્યું. 1942 થી 1967 વચ્ચે 20 હિન્દી ફિલ્મોમાં સંગીત આપ્યું સાથે સાથે 32 જેટલાં ગીતો પણ ગાયા. ત્રણ ગુજરાતી ફિલ્મોમાં પણ એમણે સંગીત આપ્યું હતું. એમના પુત્ર જાણીતા સંગીતકાર તથા ગાયક ઉદય મઝુમદારે કહ્યું હતું કે નિનુભાઈએ એમનાં સંતાનોને (ગાયિકા રાજુલબહેન, લેખિકા તથા નારી ઉત્કર્ષ માટે આજીવન કાર્યરત સોનલ શુક્લ, નાટક તથા ફિલ્મ કલાકાર મીનળ પટેલ તથા ઉદય મઝુમદાર) પોતાના રસના ક્ષેત્રમાં આગળ વધવાનું વાતાવરણ તૈયાર કરી આપ્યું હતું. પોતાના વિચારો તેઓ ક્યારેય સંતાનો પર લાદતા નહિ. નિનુ મઝુમદાર વાગ્ગેયકાર હતા. શબ્દ, સ્વર અને સૂર ત્રણે એમને વરેલાં હતાં એટલે સંગીતકાર અવિનાશ વ્યાસ એમને ‘ બિલીપત્ર ‘ કહેતા એ ઉલ્લેખ સંચાલક કવિ સંજય પંડ્યાએ કર્યો.

1929 માં જન્મેલા સ્વરકાર વિનાયક વોરાને સંગીત વારસામાં મળ્યું. એમના પિતા આચાર્ય નાનાલાલ વોરા સંસ્કૃતના વિદ્વાન હોવા ઉપરાંત સંગીતજ્ઞ હતા. રાજકોટથી ગ્રેજ્યુએટ થયા બાદ તેઓ મુંબઈ આવીને પંડિત યશવંતરાય પુરોહિત પાસે શાસ્ત્રીય ગાન શીખ્યા. વીણા જેવું એક વાદ્ય તેમણે બનાવ્યું હતું જેને ‘તાર શહેનાઇ’તરીકે એમણે ઓળખાવ્યું હતું. દેશ વિદેશમાં પંડિત જસરાજ, પંડિત રવિશંકર , યહૂદી મેન્યુહીન જેવા સાથે સંગીતના ઘણા કાર્યક્રમ એમણે કર્યા. અનેક ફિલ્મો તથા સિરિયલમાં સંગીત આપી ચૂકેલા એમના પુત્ર ઉત્તંક વોરાએ પણ એમના પિતાશ્રી પાસે નાની ઉંમરથી સંગીતની તાલીમ લીધી એની વાત કરી. 14 વર્ષની ઉંમરે તેઓ પિતાને બદલે સંગીતના વર્ગ લઈ લેતા . શરૂમાં હું શાસ્ત્રીય અને સુગમ બંને શીખતો પણ પિતાશ્રીએ બેમાંથી એક પર ફોકસ કરવાનું કહ્યું. એમ ઉત્તંક વોરાએ જણાવ્યું હતું. વિનાયક વોરા, ઉત્તંક વોરા અને હવે ઉર્વાક વોરા એમ ત્રણ પેઢી સંગીતક્ષેત્રે આવી એનો એમણે ઉલ્લેખ કર્યો હતો. નાનાલાલ વોરાથી ગણીએ તો ચાર પેઢી થાય! ઉત્તંકભાઈએ એમના ભાઈ સ્વ.નીરજ વોરાને પણ યાદ કર્યા જેમણે નાટક અને ફિલ્મોમાં પોતાનું યોગદાન આપ્યું હતું. પંડિત વિનાયક વોરાના શિષ્ય યોગેશ્વર ધોળકિયા, સ્વરકાર તથા ગાયક સુરેશ જોષી, સંગીતકાર રજત ધોળકિયા તથા નેહા યાજ્ઞિકે પણ પોતાની સ્મરણમંજૂષામાંથી કેટલાંક સંસ્મરણો રજૂ કર્યાં હતાં. ઉદય મઝુમદાર, ઝરણા વ્યાસ તથા મનીષા ડૉક્ટરે નિનુ મઝુમદાર તથા વિનાયક વોરાનાં સ્વરાંકનની ઉત્તમ રજૂઆત કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધાં હતાં.

સમગ્ર કાર્યક્રમની પરિકલ્પના, સંકલન અને સંચાલન સંજય પંડ્યાના હતા અને એમણે શ્રોતાઓને રજૂઆત દ્વારા બાંધી રાખ્યાં હતા. એમણે પણ પોતાના પિતાશ્રી વિઠ્ઠલ પંડ્યાના પુસ્તક ‘સપનાના સોદાગર’માં નીનુભાઈના પિતાશ્રી નગેન્દ્ર મઝુમદારની મૂંગી ફિલ્મો વિશે ઉલ્લેખ છે એની વાત કરી હતી. ‘ગોપીનાથ ‘ ફિલ્મમાં રાજકપુર પર ફિલ્માવેલા નિનુભાઈના એક ગીતની ધૂનનો ઉપયોગ રાજકપૂરે “સત્યમ શિવમ સુંદરમ” ફિલ્મમાં કર્યો હતો એની વાત કરી હતી. ઉદયભાઈએ એમાં ઉમેરો કર્યો હતો કે ઉઠાંતરી થયેલા એ ગીતને ફિલ્મફેર એવોર્ડ માટે નોમિનેશન મળ્યું હતું અને જ્યુરીમાં હતા નિનુભાઈ! નિનુભાઈએ મોટું હૃદય રાખી એ ગીતને ફિલ્મફેર એવોર્ડ આપ્યો હતો.

અકાદમીના આ કાર્યક્રમમાં વાદ્યસંગતમાં પ્રતીક શાહ (કી બોર્ડ), ભૂમિન પંડ્યા (તબલાં), હેમાંગ મહેતા (સાઈડ રીધમ) તથા રામભાઇ (ઢોલ) હતા. સંકલનમાં વિજયદત્ત વ્યાસે જહેમત ઉઠાવી હતી. દોઢસો ઉપરાંત શ્રોતાઓ માટે આ સાંજ યાદગાર હતી.

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular