Tuesday, September 9, 2025
Google search engine
HomeNewsMumbaiમહારાષ્ટ્ર સરકારને પૈસા આપવાની સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટને મનાઈ ફરમાવવાનો હાઈકોર્ટનો ઈનકાર

મહારાષ્ટ્ર સરકારને પૈસા આપવાની સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટને મનાઈ ફરમાવવાનો હાઈકોર્ટનો ઈનકાર

મુંબઈઃ દેશભરમાં હાલ કોરોના વાઈરસનો પ્રકોપ ચાલુ છે. છેલ્લા ચાર મહિનાથી કોરોના બીમારીના સંકટનો સામનો કરવામાં સૌ કોઈને ત્રાસ પડી રહ્યો છે. એ માટે મદદરૂપ થવા માટે અનેક સેવાભાવી સંસ્થાઓ (NGOs) અને મંદિર સંસ્થાઓ ગરીબોને મફત અથવા ઓછા પૈસામાં જમાડવાની સેવા બજાવે છે.

કોરોના સામે લડવા માટે તેમજ ગરીબ લોકોને શિવ ભોજન યોજના અંતર્ગત સબ્સિડીવાળું ભોજન કરાવવા માટે મધ્ય મુંબઈના પ્રભાદેવીસ્થિત સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ટ્રસ્ટ તરફથી મહારાષ્ટ્ર સરકારને પૈસાનું દાન કરવામાં આવે છે. આની સામે મુંબઈ હાઈકોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો, પણ સિદ્ધિવિનાયક ટ્રસ્ટને દાન આપતું રોકવાનો હાઈકોર્ટે આજે ઈનકાર કરી દીધો છે.

લીલા રંગા નામક એડવોકેટ અરજદારે પોતાની પીટિશનમાં જણાવ્યું હતું કે ટ્રસ્ટનું કામકાજ સંભાળનાર શ્રી સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ (પ્રભાદેવી) ફંડ ટ્રાન્સફર કરે એ ગેરકાયદેસર છે. લીલા રંગાના વકીલ પ્રદીપ સંચેતીએ દલીલ કરી હતી કે કોરોના સામેની લડાઈ અને શિવ ભોજન યોજના માટે પાંચ-પાંચ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.

સંચેતીએ એમ પણ કહ્યું કે કાયદાની કલમ અનુસાર ટ્રસ્ટના પૈસાનો ઉપયોગ મંદિરમાં નવા કામકાજ માટે અને પ્રશાસન માટે કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓ માટે વિશ્રામગૃહ, ટ્રસ્ટની સંપત્તિની શૈક્ષણિક સંસ્થા, શાળા, હોસ્પિટલ કે દવાખાનાની દેખભાળ કરવા માટે ટ્રસ્ટના પૈસાનો ઉપયોગ કરવાની પરવાનગી છે. પરંતુ, કાયદો ટ્રસ્ટનો પૈસો સરકારને ટ્રાન્સફર કરવાની પરવાનગી આપતો નથી.

ચીફ જસ્ટિસ દીપંકર દત્તા અને ન્યાયમૂર્તિ રેવતી મોહિતે-ડેરેની વિભાગીય બેન્ચે જોકે કહ્યું કે હાલને તબક્કે કોર્ટ કોઈ મનાઈહૂકમ આપવા ઈચ્છતી નથી.

કોર્ટે અરજદારને કહ્યું કે પ્રાથમિક રીતે અમે એ બાબતે સંતુષ્ટ છીએ કે તમારી દલીલમાં વજૂદ છે, તે છતાં હાલને તબક્કે અમે કોઈ પણ વચગાળાનો મનાઈહૂકમ આપવા ઈચ્છતા નથી. પરંતુ, કોઈ પણ પગલું (ફંડ ટ્રાન્સફર કરવાની રીત) કોર્ટના આખરી ઓર્ડરને આધીન રહેશે. પીટિશન પરની આખરી સુનાવણી વખતે જો કોર્ટ એવા નિષ્કર્ષ પર આવશે કે ફંડ ટ્રાન્સફર કરવામાં કોઈ ગેરરીતિ આચરવામાં આવી છે, તો અમે પાછલી તારીખથી અમલમાં આવે એ રીતે સરકારને કહીશું કે એ પૈસા પરત કરી દે.

બેન્ચે આ કેસમાં વધુ સુનાવણી ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં કરવાનું નક્કી કર્યું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular