Sunday, May 25, 2025
Google search engine
HomeNewsMumbaiમુંબઈની નાયર હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત 300 માતાઓની સુખરૂપ પ્રસૂતિ થઈ

મુંબઈની નાયર હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત 300 માતાઓની સુખરૂપ પ્રસૂતિ થઈ

મુંબઈઃ અત્રેના મુંબઈ સેન્ટ્રલ ઉપનગરના પૂર્વ ભાગમાં આવેલી મહાનગરપાલિકા હસ્તકની બી.વાય.એલ. નાયર ચેરિટેબલ હોસ્પિટલમાં પ્રસૂતિશાસ્ત્ર વિભાગ, નવજાત શિશુ અને બાળરોગ ચિકિત્સા વિભાગ તથા ભૂલશાસ્ત્ર વિભાગ – આ ત્રણેય વિભાગના સુયોગ્ય સમન્વયને કારણે અત્યાર સુધીમાં કુલ એવી 302 માતાઓની સુખરૂપ પ્રસૂતિ કરવામાં આવી છે જે તમામ માતાઓ કોરોનાવાઈરસથી પીડિત હતી. આ માતાઓથી જન્મેલા 11 બાળકોને પણ કોરોના થયો હતો, પરંતુ યોગ્ય ઉપચારને કારણે તમામ બાળકો પણ એમની માતાઓની સાથે કોરોનામુક્ત થઈ ગયા છે.

ઝી મરાઠીના અહેવાલ અનુસાર, નાયર હોસ્પિટલમાં 14 એપ્રિલ, 2020ના રોજ પ્રથમ કોરોના-ગ્રસ્ત માતાની સુખરૂપ પ્રસૂતિ કરવામાં આવી હતી. ત્યારબાદ છેલ્લા બે મહિનાના સમયગાળામાં આ હોસ્પિટલમાં કુલ 302 કોરોનાપીડિત ગર્ભવતી સ્ત્રીઓની સુખરૂપ ડિલીવરી કરવામાં આવી છે.

કુલ પ્રસૂતિઓમાં ત્રણ સ્ત્રીને ટ્વિન્સ બાળકો પેદા થયા છે. આમ, હોસ્પિટલમાં કુલ 306 બાળકોએ જન્મ લીધો છે, એમ નવજાત શિશુ અને બાળરોગ ચિકિત્સા વિભાગનાં વડાં ડો. સુષમા મલિક, પ્રસૂતિશાસ્ત્ર વિભાગનાં વડા ડો. નીરજ મહાજન અને ભૂલશાસ્ત્ર વિભાગનાં વડાં ડો. ચારુલતા દેશપાંડેએ આ માહિતી આપી હતી.

હોસ્પિટલમાં ડોક્ટરો, નર્સ, વોર્ડબોય એ સહુ પીપીઈ કિટ પહેરીને દિવસ-રાત મહેનત કરતા રહ્યા છે. કોરોના ચેપનું સતત જોખમ હોવા છતાં આ તમામ સ્વાસ્થ્યકર્મીઓએ ગર્ભવતી સ્ત્રીઓની સંપૂર્ણપણે કાળજી લીધી હતી. તેમજ એમનાં બાળકોને પણ જગતમાં આગમન તંદુરસ્તીસભર રહે એની પણ પૂરી તકેદારી રાખી હતી.

આ હોસ્પિટલના આ ત્રણેય વિભાગના અનેક ડોક્ટર, નર્સ, વોર્ડબોય છેલ્લા બે મહિનાથી એમનાં ઘેર ગયા નથી અને હોસ્પિટલમાં જ રહીને અથાગ રીતે કામ કરી રહ્યાં છે. આવા 75 જેટલા સ્વાસ્થ્યપ્રેમીઓમાંના કેટલાકના નામ છેઃ ડો. અરુંધતી તિળવે, ડો. ચૈતન્ય ગાયકવાડ, ડો. અંકિતા પાંડે, નર્સ સિસ્ટર રૂબી જેમ્સ, સિસ્ટર સુશિલા લોકે, સિસ્ટર રેશમા ટંડેલ, ડો. પૂનમ વાડે, ડો. સંતોષ કોંડેકર, નર્સ સીમા ચવ્હાણ, નર્સ રોઝલીન ડિસોઝા.

હોસ્પિટલના ડીન ડો. મોહન જોશી તથા સ્પેશિયલ કોવિડ વિભાગના કોઓર્ડિનેટર ડો. સારિકા પાટીલ અને ડો. સુરભી રાઠીએ આ ત્રણેય વિભાગના તમામ સ્વાસ્થ્યકર્મીઓની મહેનતની પ્રશંસા કરી છે અને એમને અભિનંદન આપ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular