Sunday, May 18, 2025
Google search engine
HomeNewsMumbaiમહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા પારિતોષિક અર્પણ સમારંભનું આયોજન

મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા પારિતોષિક અર્પણ સમારંભનું આયોજન

મુંબઈ: વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી નિમિત્તે મહારાષ્ટ્ર શાસન સાંસ્કૃતિક કાર્ય વિભાગ અને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા પારિતોષિક અર્પણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. દેશપાંડે મહારાષ્ટ્ર કલા અકાદમી, રવીન્દ્ર નાટ્યમંદિર પરિસર, પ્રભાદેવી-દાદર ખાતે 24 ઓગસ્ટના રોજ સમારોહ યોજાશે. અકાદમી દ્વારા વર્ષ 2023-24નાં વિવિધ પારિતોષિકો જાહેર કરવામાં આવ્યા છે.

ગુજરાતી અને મરાઠી સાહિત્યકારને અપાતું કવિ નર્મદ પારિતોષિક માટે ઈશ્વર પરમાર તથા બાબા ભાંડના નામની જાહેરાત કરવામાં આવી છે. મહારાષ્ટ્રસ્થિત પ્રતિભાને વિવિધ શ્રેણીમાં અપાતા જીવનગૌરવ પારિતોષિક અંતર્ગત સાહિત્ય ક્ષેત્રે તારિણીબહેન દેસાઈ, કલા ક્ષેત્રે લીલી પટેલ, પત્રકારત્વ ક્ષેત્રે અક્ષય અંતાણી તથા સંસ્થાઓમાં સોરાષ્ટ્ર ટ્રસ્ટ – કવિતા દ્વિમાસિકની પસંદગી કરવામાં આવી છે.

સર્વોત્તમ પુસ્તકોને પુરસ્કાર પ્રદાન કરવાની અકાદમીની યોજના અન્વયે કવિતા, નવલકથા, નિબંધ, અનુવાદ તથા નવોદિત લેખક વિભાગમાં વાઙમય પારિતોષિક એનાયત કરવામાં આવશે. કવિતા વિભાગમાં ઉદયન ઠક્કરના `રાવણહથ્થો’ કાવ્યસંગ્રહને પ્રથમ તથા પ્રદીપ સંઘવીના `કારવી’ કાવ્યસંગ્રહને દ્વિતીય ઈનામ મળશે. નવલકથા વિભાગમાં દ્વિતીય ઈનામ નિરંજન જી. મહેતાની `અતિથિ દેવો ભવ’ નવલકથાને અપાશે. લલિત નિબંધમાં નીલા સંઘવીના `નવા જમાનાની નવી વાતો’ પુસ્તકને પ્રથમ ઈનામ મળશે. અનુવાદમાં વૈશાલી ત્રિવેદી અનુવાદિત `નટસમ્રાટ’ નાટકની પસંદગી થઈ છે ( મૂળ લેખક: વિ.વા.શિરવાડકર ).

નવોદિત લેખક વિભાગમાં પ્રથમ ઈનામ `ઝાકળ ભીની વાતો’ પુસ્તક માટે મિતા ગોર મેવાડાને તથા દ્વિતીય ઈનામ `આત્મમંથન’ પુસ્તક માટે મમતા પટેલને એનાયત કરવામાં આવશે. તમામ એવૉર્ડ વિજેતાઓને સાંસ્કૃતિક બાબતો વિભાગના મંત્રી તથા અકાદમીના પ્રમુખ મા. સુધીર મુનગંટીવાર તથા અકાદમીના કાર્યાધ્યક્ષ સ્નેહલ મુઝુમદાર તરફથી અભિનંદન પાઠવવામાં આવે છે.

જીવનગૌરવ તથા નર્મદ પારિતોષિકમાં રૂ. 51000ની રાશિ જ્યારે વાઙમય પારિતોષિક અંતર્ગત પ્રથમ ઈનામમાં રૂ. 15000ની અને દ્વિતીય ઈનામમાં રૂ. 10,000ની રાશિ, સન્માનપત્ર અને સ્મૃતિચિહ્નનો સમાવેશ થાય છે. પારિતોષકની પસંદગીમાં અકાદમીનાં વરિષ્ઠ સભ્યો દિનકર જોષી, દીપક મહેતા અને વર્ષા અડાલજાના માર્ગદર્શનમાં અકાદમી સભ્યોની સમિતિએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular