Sunday, May 18, 2025
Google search engine
HomeNewsGujaratહર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને ખેલપ્રતિભા પુરસ્કાર અર્પણ કાર્યક્રમ યોજાયો

હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને ખેલપ્રતિભા પુરસ્કાર અર્પણ કાર્યક્રમ યોજાયો

ગાંધીનગર: રમત-ગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને ગુજરાતના પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે “ખેલ પ્રતિભા પુરસ્કાર અર્પણ” કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીના હસ્તે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાએ તથા શાળાકીય અને ખેલો ઇન્ડિયા જેવી વિશિષ્ટ સ્પર્ધાઓમાં વિજેતા બનેલા ગુજરાતના ૫૬ પ્રતિભાવાન ખેલાડીઓને કુલ રૂ. ૧.૮૮ કરોડથી વધુના રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્વિમિંગ સ્પર્ધામાં એક ગોલ્ડ અને ત્રણ સિલ્વર મેડલ હાંસલ કરનાર આર્યન નહેરાને સૌથી વધુ એક કરોડ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

રમત-ગમત મંત્રીએ સૌ વિજેતા ખેલાડીઓ અને તેમના પરિવારજનોને શુભકામનાઓ પાઠવી હતી. તેમણે એક સાચા ખેલાડીની પરિભાષા સમજાવતા કહ્યું હતું કે, રાજ્ય કક્ષાએ મેડલ મેળવ્યા બાદ સંતોષ ન કરીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેડલ મેળવવાનું સ્વપ્ન જોઈને પૂરતી મહેનત કરે એ જ સાચો ખેલાડી છે. મેડલ મેળવવાનું સ્વપ્ન જોવું, એ ખેલાડીઓનો હક છે. એ સ્વપ્નને પૂરું કરવા પૂરતી મહેનત કરવી, એ ખેલાડીની જવાબદારી છે અને આ ખેલાડીઓને જરૂરી તમામ સુવિધાઓ પૂરી પાડવી એ રાજ્ય સરકારની જવાબદારી છે. રાજ્ય સરકાર ગુજરાતમાં પ્રતિભાવાન ખેલાડીઓ પણ ઉભા કરશે અને તે ખેલાડીઓ માટે પૂરતા અવસર પણ ઉભા કરશે, તેવી તેમણે ખાતરી આપી હતી.ગુજરાત સરકારના ખેલ મહાકુંભની છેલ્લી આવૃત્તિમાં ૬૬ લાખથી વધુ ખલાડીઓએ ભાગ લીધો હતો, જે પૈકી વિજેતા બનેલા ખેલાડીઓને કુલ રૂ. ૪૦ કરોડ રકમના રોકડ પુરસ્કારો રાજ્ય સરકારે એનાયત કર્યા હતા. હર્ષ સંઘવીએ રાજ્યની રમત-ગમતલક્ષી યોજનાઓ અંગે વાત કરતા કહ્યું, “આજે ઇન-સ્કૂલ યોજના અંતર્ગત ગુજરાતની ૨૩૦ શાળામાં ૫૦૦ જેટલા ટ્રેઈનરો પાસે કુલ ૧.૨૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ ભણવાની સાથે રમત-ગમતની પ્રોફેશનલ તાલીમ મેળવી રહ્યા છે. સાથે જ, DLSS અંતર્ગત પણ રાજ્યની ૪૧ જેટલી સ્પોર્ટ્સ સ્કૂલમાં ૫,૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ૨૧ રમતોમાં તાલીમ મેળવી રહ્યા છે. DLSSના દરેક વિદ્યાર્થી દીઠ રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧.૬૮ લાખનો ખર્ચ કરવામાં આવે છે. આટલું જ નહિ, સેન્ટર ઓફ એક્સેલેન્સ એકેડમી ખાતે પણ ગુજરાતના મહત્વકાંક્ષી ખેલાડીઓ રાષ્ટ્રીય-અંતરરાષ્ટ્રીય કક્ષાની તાલીમો મેળવી રહ્યા છે. આ ઉપરાંત શક્તિદૂત યોજના હેઠળ પણ રમતવીરોને રાજ્ય સરકાર જરૂરી તમામ આર્થિક સહાય પૂરી પાડી રહી છે.”

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular