Thursday, May 15, 2025
Google search engine
HomeNewsInternationalઅમેરિકાએ ડ્રોન-હુમલામાં અલ-કાયદાના અલ-ઝવાહિરીને ખતમ કર્યો

અમેરિકાએ ડ્રોન-હુમલામાં અલ-કાયદાના અલ-ઝવાહિરીને ખતમ કર્યો

વોશિંગ્ટનઃ ઈજિપ્તમાં જન્મેલા અને આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન અલ-કાયદાના વડા ઐમન અલ-ઝવાહિરીને અમેરિકાએ અફઘાનિસ્તાનમાં કરેલા એક ડ્રોન હુમલામાં ખતમ કર્યો છે. પત્રકારોને સંક્ષિપ્તમાં જાણકારી આપતાં અમેરિકાના અધિકારીઓએ કહ્યું હતું કે અમેરિકાની ગુપ્તચર સંસ્થા સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી (સીઆઈએ) દ્વારા સંચાલિત એક ડ્રોનમાંથી બે હેલફાયર મિસાઈલ ફાયર કરીને અલ-ઝવાહિરીને ખતમ કરવામાં આવ્યો છે. ઝવાહિરી કાબુલ શહેરમાં તેના પરિવાર સાથે એક ઘરમાં રહેતો હતો. તે ઘરની બાલકનીમાં આવ્યો એ જ વખતે એની પર ડ્રોન મિસાઈલ ફાયર કરવામાં આવ્યું હતું. હુમલામાં તેના પરિવારના કોઈ સભ્યો કે અન્ય નાગરિકોને માર્યા ગયા નથી કે ઘાયલ થયા નથી.

અમેરિકી પ્રમુખ જૉ બાઈડન, જે હાલ કોરોનાગ્રસ્ત હોવાથી આઈસોલેટ અવસ્થામાં છે, પણ સ્વસ્થ છે, તેમણે રાષ્ટ્રજોગા સંબોધનમાં કહ્યું કે કાયદાનો વડો અફઘાનિસ્તાનમાં રહેતો હોવાનું અમેરિકી ગુપ્તચર એજન્સીએ આ વર્ષના આરંભમાં શોધી કાઢ્યું હતું અને એને ખતમ કરવાના ઓપરેશનને મંજૂરી આપવામાં આવી હતી, જેનો અમલ ગઈ 25 જુલાઈએ કરવામાં આવ્યો હતો. અલ-ઝવાહિરી સિવાય બીજી કોઈ જાનહાનિ ન થાય એની ખાસ તકેદારી રાખવાની બાઈડને સીઆઈએને સૂચના આપી હતી.

અલ-ઝવાહિરી મેડિકલ ડોક્ટર હતો. એને પકડવા માટે ઉપયોગી થાય એવી બાતમી આપનાર માટે અમેરિકાની સરકારે અઢી કરોડ ડોલરનું ઈનામ જાહેર કર્યું હતું. 1998માં કેન્યા અને ટાન્ઝાનિયામાં અમેરિકી દૂતાવાસો પરના હુમલા તથા 2000માં અમેરિકી નૌકાદળના જહાજ ‘યૂએસએસ કોલ’ પરના બોમ્બ હુમલાઓ માટે અમેરિકાએ અલ-ઝવાહિરીને જવાબદાર ગણાવ્યો હતો. ભારતને ડરાવવા અને ધમકાવવાનો પણ એનો લાંબો ઈતિહાસ રહ્યો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular