Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsInternationalટ્રમ્પનો H-1B વિઝા કામચલાઉ પ્રતિબંધ યૂએસ જજે ફગાવી દીધો

ટ્રમ્પનો H-1B વિઝા કામચલાઉ પ્રતિબંધ યૂએસ જજે ફગાવી દીધો

વોશિંગ્ટનઃ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી કામદારો માટેના H-1B વિઝા પર પ્રતિબંધ મૂકતા આપેલા ઓર્ડરને આજે દેશના એક ન્યાયાધીશે બ્લોક કરી દીધો છે. ફેડરલ જજ જેફ્રી વ્હાઈટે કહ્યું કે પ્રમુખે એમની બંધારણીય સત્તાનો દુરુપયોગ કર્યો હતો. કેલિફોર્નિયાના ડિસ્ટ્રીક્ટ જજ વ્હાઈટે એમ પણ કહ્યું કે ઈમિગ્રેશન નીતિ અંગે પ્રમુખ કોઈ અવરોધવિહોણો નિર્ણય લઈ ન શકે.

ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે અમેરિકાનાં લોકોની નોકરીઓને રક્ષણ પૂરું પાડવા માટે ગયા જૂન મહિનામાં H-1B વિઝા પર ટેમ્પરરી પ્રતિબંધ જાહેર કર્યો હતો.

અમેરિકાના વાણિજ્ય અને ગૃહ વિભાગ સામે કેટલીક કંપનીઓએ કેસ કર્યો હતો, જેમનું પ્રતિનિધિત્વ નેશનલ એસોસિએશન ઓફ મેન્યૂફેક્ચરર્સ, યૂએસ ચેમ્બર ઓફ કોમર્સ, નેશનલ રીટેલ ફેડરેશન અને ટેકનેટ કરે છે.

H-1B વિઝા પર ટ્રમ્પના ઓર્ડરે મૂકેલા શ્રેણીબદ્ધ નિયંત્રણોને જજે તાત્કાલિક અમલમાં આવે એ રીતે ઉઠાવી લીધા છે. ટ્રમ્પના ઓર્ડરે ઉત્પાદકોને મહત્ત્વની નોકરીઓમાં વસાહતી લોકોને ભરતી કરતા અટકાવી દીધા હતા. નેશનલ એસોસિએશન ઓફ મેન્યૂફેક્ચરર્સની દલીલ હતી કે દેશના અર્થતંત્રને પુનઃ સ્વસ્થ કરવા, આર્થિક વિકાસ વધારવા માટે સહાયરૂપ થવા તેમજ નવીનતા લાવવા માટે H-1B વિઝા યોજના હેઠળ ખાસ જરૂરિયાતના સમયે વસાહતી કામદારોની ભરતી કરવામાં આવે છે.

ગયા જૂનમાં ટ્રમ્પે એક એક્ઝિક્યૂટિવ ઓર્ડર ઈસ્યૂ કર્યો હતો જેને પગલે H-2B, J અને L વિઝા સહિત નવા H-1B વિઝા તેમજ અન્ય ફોરેન વિઝા ઈસ્યૂ કરવા પર કામચલાઉ (આ વર્ષના અંત સુધી) પ્રતિબંધ મૂકી દીધો હતો.

ટ્રમ્પે એવી દલીલ કરી હતી કે હાલ કોરોના વાઈરસ રોગચાળાને કારણે લાખો સ્થાનિક અમેરિકનોની નોકરીઓ જતી રહી છે તેથી એમની નોકરીઓને બચાવવા અને રક્ષણ આપવાની જરૂર છે.

ટ્રમ્પના આ કામચલાઉ પ્રતિબંધનો અમેરિકાની અનેક ઈન્ફોર્મેશન ટેક્નોલોજી તથા અન્ય ક્ષેત્રોની કંપનીઓએ વિરોધ કર્યો હતો.

ટ્રમ્પ વહીવટીતંત્રના ઓર્ડરને ઉત્પાદકોએ કોર્ટમાં પડકાર્યો હતો. એમણે એવી દલીલ કરી હતી કે આપણે દુનિયાના દેશો સાથે હરીફાઈ કરવા માટે આપણા ઉદ્યોગક્ષેત્રમાં નવીનતા લાવવા માટે શ્રેષ્ઠતમ ટેલેન્ટને શોધી રહ્યા છીએ, ડેવલપ કરી રહ્યા છીએ ત્યારે આવો ઓર્ડર હાનિકારક છે. આજનો કોર્ટનો નિર્ણય ઉત્પાદકો માટે કામચલાઉ જીત સમાન છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular