Saturday, May 17, 2025
Google search engine
HomeNewsInternationalઅમેરિકાએ અટવાયેલા ભારતીયો માટે H-1B વિઝાની મુદત લંબાવી

અમેરિકાએ અટવાયેલા ભારતીયો માટે H-1B વિઝાની મુદત લંબાવી

વોશિંગ્ટનઃ કોરોના વાઈરસનો ફેલાવો થવાને કારણે અમેરિકામાં અટવાઈ ગયેલા હજારો ભારતીય પ્રોફેશનલ વ્યક્તિઓ માટે આજે એક મોટા રાહતના સમાચાર આવ્યા છે કે અમેરિકાની સરકારે H-1B વિઝાધારકોને અમેરિકામાં એમનું રોકાણ લંબાવવા માટેની અરજી કરવાની પરવાનગી આપવાનો નિર્ણય લીધો છે.

H-1B વિઝા એ નોન-ઈમિગ્રન્ટ વિઝા છે, જે દ્વારા અમેરિકન કંપનીઓને ટેક્નિકલ નિષ્ણાતની જરૂર હોય એવા અમુક પસંદગીકૃત હોદ્દાઓ પર વિદેશી કામદારોને નોકરીએ રાખવાની પરવાનગી આપવામાં આવે છે. ટેક્નોલોજી કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોમાંથી દર વર્ષે હજારોની સંખ્યામાં કામદારોને નોકરીએ રાખે છે.

અમેરિકાના ગૃહ (હોમલેન્ડ સિક્યુરિટી) વિભાગે એક નવું નોટિફિકેશન બહાર પાડ્યું છે જેમાં જણાવ્યું છે કે કોરોના વાઈરસ રોગચાળાની સીધી અસરને કારણે ઈમિગ્રેશન સંબંધિત પડકારો ઊભા થયા છે.

દુનિયાભરના દેશોએ હાલ કોરોના રોગચાળાને કારણે પોતપોતાની સરહદો સીલ કરી દીધી છે અને તમામ આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઈટ્સ પણ દુનિયાભરમાં સસ્પેન્ડ કરી દેવામાં આવી છે ત્યારે અમેરિકાની સરકારનો આ નિર્ણય ખરેખર મોટી રાહત આપનારો બનશે.

પ્રવાસને લગતા નિયંત્રણો લાગુ થવાને કારણે અનેક H-1B વિઝાધારકો અમેરિકામાં અટવાઈ ગયા છે, કારણ કે એમના વિઝાની પરમીટ ટૂંક સમયમાં જ પૂરી થવાની છે. તે છતાં અમેરિકાનો ગૃહ વિભાગ હવે આવા વિઝાની મુદત લંબાવવા માટેની અરજીઓને સ્વીકારવાનું ટૂંક સમયમાં જ શરૂ કરશે.

ગૃહ વિભાગે જણાવ્યું છે કે અમે માન્યું છે કે નોન-ઈમિગ્રન્ટ કામદારોને કોરોના વાઈરસના ફેલાવાને કારણે એમના સત્તાવાર રોકાણના પિરિયડથી વધુ સમય સુધી અણધારી રીતે અમેરિકામાં રહેવું પડશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular