Saturday, May 24, 2025
Google search engine
HomeNewsInternationalK9 રોબોટ ડોગઃ થાઈલેન્ડના મોલમાં લોકોને કોરોના ચેપથી બચાવે છે

K9 રોબોટ ડોગઃ થાઈલેન્ડના મોલમાં લોકોને કોરોના ચેપથી બચાવે છે

બેંગકોકઃ K9 નામનો શિકારી કૂતરો જે 5જી ટેકનોલોજીથી ચાલનાર રોબોટ છે, તે બેંગકોક શહેરના પ્રખ્યાત સેન્ટ્રલ વર્લ્ડ મોલમાં ટહેલિયા કરતો હોય છે. એનું કામ ફક્ત ટહેલવાનું નથી. આ રોબોટ ડોગ શોપિંગ મોલમાં આવનાર લોકોને એમના હાથને સેનેટાઈઝ કરવામાં મદદરૂપ થાય છે!

થાઈલેન્ડમાં પણ કોરોના વાયરસના 3,101 કેસ સામે આવ્યા છે. જેમાં 58 લોકો કોરોના વાયરસને કારણે મૃત્યુ પામ્યાં છે.

થાઈલેન્ડે પોતાને ત્યાં કોરોના વાયરસથી બચવા માટે રાખેલા પ્રતિબંધો હળવાં કર્યા છે. તો સાવચેતીના પગલારૂપે થાઈલેન્ડના એક મોલે પણ અણધાર્યા પગલાં લીધા છે.

થાઈલેન્ડના એક મોલે એક રોબોટ રાખ્યો છે. જેનો દેખાવ એક શિકારી કૂતરા જેવો છે. આ રોબોટ ડોગ શોપિંગ મોલમાં ફરતો રહે છે. બાળકો પાસે આવીને તેમને તેેમજ અન્ય ગ્રાહકોને હેન્ડ સેનિટાઈઝરની વહેંચણી કરે છે.

થાઈલેન્ડે અપનાવેલી 5જી સ્પીડ આધારિત આ ટેકનોલોજી હજુ તો એના પ્રારંભિક તબક્કામાં છે. છતાં તે તાત્કાલિક પ્રત્યાઘાત આપતી સુપરફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ ધરાવતી ટેકનોલોજી છે.

5જીથી સંચાલિત K9 રોબોટના સાથીદારોમાં છે. ROC જે માણસોના શરીરનું તાપમાન નોંધવાની કામગીરી કરે છે. તો LISA એ કસ્ટમર સર્વિસ રોબોટ છે.

આ K9 રોબોટ કૂતરો નાનકડા અને ઉત્સાહી રમતિયાળ ગલુડિયા જેવી નકલ કરતો આખા મોલમાં ફર્યા કરે છે અને બાળકોનું ધ્યાન પોતાની તરફ ખેંચતો રહે છે. બાળકો પણ એને જોતાં જ આનંદિત થઈને એની પીઠ પર લાગેલી સેનેટાઈઝરની બોટલ લેવા માટે ઉત્સુકતાથી પોતાનો વારો આવે એની રાહ જોતાં ઊભા રહે છે!

મોબાઈલ ઓપરેટર કંપની ‘એડવાન્સ ઈન્ફો સર્વિસસ’ (AIS)ના મહિલા માર્કેટિંગ ઓફિસર પેટ્રા સક્તિદેજભાનુબન્ધનું કહેવું છે કે, ‘આ એક બહુ સારી વાત છે કે, કોરોના વાયરસના સંક્રમણથી બચવાની સાવધાનીરૂપે હાથ ધોવા માટેનો આ ઉપાય લોકો માટે ઘણો અનુકૂળ છે.’

આ વર્ષના અંત સુધીમાં સ્માર્ટ ફોનમાં 5જી નેટવર્ક લાવવાનું AISનું લક્ષ્ય છે.

પેટ્રા AFPને જણાવે છે કે, ‘લોકોને K9 રોબોટ બહુ રૂપકડો અને પ્યારો લાગે છે.’ વધુમાં તેઓ કહે છે કે, ‘આશા રાખું છું કે લોકોના રોબોટને લઈને કાલ્પનિક ભય કે, તે માણસની જગ્યા પડાવી લેશે, તેવો ભય દૂર થવો જોઈએ. રોબોટ અહીં ફક્ત માણસોની સહાયતા માટે છે. તેમની જગ્યા પડાવી લેવા માટે તો નથી જ.’

જો કે, આ શોપિંગ મોલમાં દુકાન ધરાવનાર 29 વર્ષીય લપાસ્સાનાન બૂરાનાપટપાકોર્ન રોબોટના દેખાવથી અસહમત છે. તે કહે છે, આ રોબોટની હાડપિંજર જેવી દેખાતી યાંત્રિક સંરચના બિહામણી લાગે છે.’ તે ઉમેરે છે, ‘રોબોટ ડરામણો લાગે છે. પરંતુ તે હેન્ડ સેનિટાઈઝર આપે છે, તે આઈડિયા બહુ મજાનો છે.’

થાઈલેન્ડે સોશિયલ ડિસ્ટન્સનો નિયમ લાગૂ રાખીને કોવિડ-19ને લગતા વ્યાપાર પરના પ્રતિબંધો હટાવી લીધા છે. ત્યાં વર્તમાન સમયમાં કોરોના સંક્રમણના 3,101 કેસ છે અને 58 લોકો આ વાયરસને કારણે મૃત્યુ પામ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular