Sunday, October 12, 2025
Google search engine
HomeNewsInternationalપ્રિયંકાએ કમલા હેરિસ સાથે મહિલાઓનાં અધિકારો વિશે ચર્ચા કરી

પ્રિયંકાએ કમલા હેરિસ સાથે મહિલાઓનાં અધિકારો વિશે ચર્ચા કરી

ન્યૂયોર્કઃ અમેરિકાના શાસક ડેમોક્રેટિક પાર્ટીની રાષ્ટ્રીય સમિતિની મહિલા નેતૃત્વ ફોરમ સંસ્થાની પરિષદમાં બોલીવુડની અભિનેત્રી પ્રિયંકા ચોપરા-જોનસે પણ ભાગ લીધો હતો. એમાં તેણે અમેરિકાનાં ઉપપ્રમુખ કમલા હેરિસ સાથે મહિલાઓનાં અધિકારોનાં મુદ્દે ચર્ચા કરી હતી. હેરિસ સાથે પોતાની એ ચર્ચાની વિગતો દર્શાવતી એક વિસ્તૃત નોંધ પ્રિયંકાએ પોતાનાં ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. એ સાથે એણે તેનાં સોશ્યલ મીડિયા એકાઉન્ટ્સ પર તે પરિષદની અનેક તસવીરો અને વીડિયો શેર કર્યાં છે.

ઉલ્લેખનીય છે કે 40 વર્ષીય અભિનેત્રી અને અમેરિકન ગાયક નિક જોનસને પરણેલી પ્રિયંકા છેલ્લા બે વર્ષથી માનવતાના ક્ષેત્રમાં સેવા બજાવી રહી છે. એમાં પોતાને પડતાં પડકારો વિશે એ જણાવતી રહી છે.

પ્રિયંકાએ કમલા હેરિસ સાથે અમેરિકાની ચૂંટણીઓમાં મહિલાઓનાં મતાધિકાર વિષયે પણ ચર્ચા કરી હતી. એણે કહ્યું કે અમેરિકામાં થનારી ચૂંટણીમાં પોતે મતદાન કરવા માટે અપાત્ર છે, પરંતુ એનો પતિ નિક જોનસ તેમજ એની પુત્રી માલતી મેરી જોનસ મત આપવાને પાત્ર છે. પ્રિયંકાએ એમ પણ કહ્યું કે, ભારતમાં મહિલાઓ ચૂંટણી લડીને સર્વોચ્ચ પદ પર ચૂંટાઈ આવી શકે છે, પરંતુ અમેરિકામાં એમ થતું નથી. અમારા ભારતમાં બે વખત વડાં પ્રધાન બનેલાં ઈન્દિરા ગાંધીથી લઈને હાલનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું નામ લઈ શકીએ છીએ… પરંતુ આ દેશમાં, આ મહાન ધરતી પર, કે જ્યાં ભરપૂર તકો છે, ભરપૂર ક્રાંતિઓ થઈ છે, તે છતાં મહિલાઓ સર્વોચ્ચ પદ પર નિયુક્તિ પામી શકતી નથી.

કમલા હેરિસ અમેરિકામાં ઉપપ્રમુખ પદે ચૂંટાઈ આવનાર પ્રથમ અશ્વેત અમેરિકન અને પ્રથમ દક્ષિણ એશિયન અમેરિકન મહિલા છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular