Friday, May 23, 2025
Google search engine
HomeNewsInternationalઈમરાન ખાન સામે અવિશ્વાસનો-પ્રસ્તાવ પાકિસ્તાન સંસદમાં મંજૂર

ઈમરાન ખાન સામે અવિશ્વાસનો-પ્રસ્તાવ પાકિસ્તાન સંસદમાં મંજૂર

ઈસ્લામાબાદઃ વડા પ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ પાકિસ્તાનના સંગઠિત વિપક્ષે તૈયાર કરેલો અવિશ્વાસનો પ્રસ્તાવ આજે દેશની સંસદના નીચલા ગૃહ રાષ્ટ્રીય ધારાસભામાં રજૂ કરવામાં આવ્યો હતો અને મંજૂર પણ કરી લેવામાં આવ્યો છે. આને કારણે ઈમરાન ખાનની મુશ્કેલી વધી ગઈ છે.

આ પ્રસ્તાવ રાષ્ટ્રીય ધારાસભામાં (ભારતમાં લોકસભા છે તેમ) વિપક્ષી નેતા અને પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ શરીફ)ના પ્રમુખ શાહબાઝ શરીફે રજૂ કર્યો હતો. તેની પર આવતા ગુરુવારે ચર્ચા યોજાશે અને મતદાન થશે. શાહબાઝ શરીફ પંજાબ પ્રાંતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના ભાઈ છે.

આજે, રાષ્ટ્રીય ધારાસભામાં સત્ર દરમિયાન નાયબ સ્પીકર કાસીમ સુરીએ સભ્યોને કહ્યું હતું કે જે લોકો આ પ્રસ્તાવની તરફેણમાં હોય તે સીટ પરથી ઊભાં થઈ જાય તેથી પ્રસ્તાવની તરફેણ કરતાં સભ્યોની ગણતરી કરી શકાય. પ્રસ્તાવની તરફેણમાં બહુમતી સભ્યો ઊભાં થઈ ગયાં હતાં. તે જાણીને સ્પીકરે જાહેરાત કરી હતી કે પ્રસ્તાવને મંજૂર કરવામાં આવે છે અને તેની પર 31 માર્ચના ગુરુવારે સાંજે 4 વાગ્યે ચર્ચા કરાશે.

વિરોધપક્ષોને વિશ્વાસ છે કે આ પ્રસ્તાવમાં એમની જીત થશે, કારણ કે ઈમરાન ખાનની પાકિસ્તાન તેહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટીના ઘણા સંસદસભ્યો ઈમરાનની વિરુદ્ધમાં છે. કહેવાય છે કે, પીટીઆઈના 20 જેટલા સંસદસભ્યો ઈમરાન ખાનની વિરુદ્ધમાં ગયાં છે. તેઓ ગયા શુક્રવારથી રાષ્ટ્રીય ધારાસભામાં હાજર થયાં નથી અને ઈસ્લામાબાદમાં સિંધ હાઉસમાં આશરો લીધો છે. રાષ્ટ્રીય ધારાસભામાં કુલ સંખ્યાબળ 342 છે. પ્રસ્તાવનો પરાભવ કરવા માટે ઈમરાન ખાનની પીટીઆઈ પાર્ટીએ ઓછામાં ઓછા 172 મત મેળવવા પડે. ગૃહમાં પાર્ટીનું સંખ્યાબળ 155 છે. ચાર પાર્ટીના ટેકા સાથે પીટીઆઈનું કુલ સંખ્યાબળ 179 છે. સામે છેડે, પીએમએલ-એન પાર્ટીના 84 સભ્યો છે અને તેને ચાર અન્ય પાર્ટી તથા બે અપક્ષ સભ્યોનો ટેકો છે અને તેનું સંખ્યાબળ 162 છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular