Sunday, May 18, 2025
Google search engine
HomeNewsInternationalપાકિસ્તાનમાં વિરોધપક્ષોએ બનાવ્યું ગઠબંધનઃ વડાપ્રધાન ઈમરાનની ખુરશી જોખમમાં

પાકિસ્તાનમાં વિરોધપક્ષોએ બનાવ્યું ગઠબંધનઃ વડાપ્રધાન ઈમરાનની ખુરશી જોખમમાં

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં વડા પ્રધાન ઇમરાન ખાનની ખુરશી પર ફરી એક વાર જોખમ ઊભું થયું છે. આ વખતે દેશના બધા વિરોધ પક્ષો ઇમરાન સરકાર સામે સંગઠિત થયા છે. આ વિરોધ પક્ષોએ ઇમરાન ખાનને સત્તા પરથી દૂર કરવાની માગ કરી છે. દેશમાં ઠેર ઠેર હજારો લોકો રસ્તાઓ પર ઊતરી આવ્યા છે.

વિરોધ પક્ષોએ ઇમરાન ખાનના નેતૃત્વવાળી સરકારને હટાવવાના ઉદ્દેશ સાથે ‘પાકિસ્તાન ડેમોક્રેટિક મુવમેન્ટ’ (PDM) નામનું એક નવું ગઠબંધન બનાવ્યું છે, જે દેશભરમાં રેલીઓ અને વિરોધ-દેખાવો યોજશે. પાકિસ્તાનના વિરોધ પક્ષોએ વિરોધ-આંદોલનની યોજના બનાવવા માટે રવિવારે બહુપક્ષીય બેઠક યોજી હતી, જેમાં નવાઝ શરીફ, શરીફના પુત્રી મરિયમ નવાઝ અને બિલાવલ ભુટ્ટો-ઝરદારી જેવા ટોચના નેતાઓએ ભાગ લીધો હતો.

પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો-ઝરદારીએ કહ્યું હતું કે ‘પાકિસ્તાન ડેમોક્રેટિક મુવમેન્ટ’ એ લોકશાહી પાકિસ્તાનની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે. તેમણે કહ્યું હતું કે સરમુખ્ત્યારશાહીનો સામનો કરતાં MRD અને ARD આંદોલનોની જેમ PDMએ તમામ લોકશાહી શક્તિઓને સંગઠિત કરી દીધી છે. આપણા લોકોને સ્વતંત્રતા મળે, સંસદ, લોકશાહીની સ્વતંત્રતા અને ગૌરવને પુનઃ સ્થાપિત કરવા માટે સ્પષ્ટ અને નક્કર યોજના બનાવવામાં આવી છે.

બીજી બાજુ, પાકિસ્તાન મુસ્લિમ લીગ- નવાઝ (PML-N)ના પ્રમુખ શાહબાઝ શરીફે કહ્યું હતું કે વિરોધ પક્ષોની પાસે ગઠબંધન શરૂ કરવાના નિર્ણય સિવાય કોઈ વિકલ્પ નહોતો, કેમ કે હાલની સરકાર કોરોના સામેનો જંગ લડવા માટે નિષ્ફળ રહી છે. તેમણે કહ્યું હતું કે જો સરકાર જળવાયેલી રહેશે તો પાકિસ્તાનનું ભવિષ્ય જોખમમાં છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular