Monday, May 19, 2025
Google search engine
HomeNewsInternationalરશિયામાં મોટો આતંકવાદી હુમલોઃ 70નાં મોત, 140 ઘાયલ

રશિયામાં મોટો આતંકવાદી હુમલોઃ 70નાં મોત, 140 ઘાયલ

મોસ્કોઃ રશિયાની રાજધાની મોસ્કો ક્રોકસ સિટી હોલ પર થયેલા આતંકવાદી હુમલામાં 70 લોકોનાં મોત થયાં છે. આ આંકડો વધવાની આશંકા છે. આ ઘટનામાં 140થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલો શુક્રવારની રાત્રે થયો હતો. એની જવાબદારી ISISએ લીધી છે. 

મોસ્કોના ક્રોકસ સિટી હોલમાં પાંચ બંદૂકધારીઓએ ટોળા પર ગોળીબાર કરતાં ઓછામાં ઓછા 70 લોકોનાં મોત થયાં હતાં. આરોગ્ય મંત્રાલયના વડા મુરાશ્કોએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દાખલ કરાયેલા 140 લોકોમાંથી 60ની હાલત ગંભીર છે. સેનાની વરદી પહેરેલા આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીઓ ચલાવી હતી. તેમણે બોમ્બ ફેંક્યા અને ફરાર થયા હતા.  વડા પ્રધાન મોદીએ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરી હતી. તેમણે આંતકવાદી હુમલાની નિંદા કરી હતી તેમણે કહ્યું હતું કે અમારી સંવેદના પીડિત પરિવારોની સાથે છે. દુઃખની આ ઘડીમાં ભારત રશિયાની સરકાર અને લોકોની સાથે એકજુટતાથી ઊભો છે.

રશિયન નેશનલ ગાર્ડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તેમણે આતંકવાદીઓને પહોંચી વળવા માટે પોતાનું ઓપરેશન પણ શરૂ કરી દીધું હતું. આ કામગીરીમાં હેલિકોપ્ટરની પણ મદદ કરવામાં આવી હતી. 50થી વધુ એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી હતી, જેમાં ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.

આ પાંચ હુમલાખોરોમાંથી એકને પકડવામાં આવ્યો છે. રશિયન રોક બેન્ડ ‘પિકનિક’ ના કોન્સર્ટમાં ભાગ લેવા માટે ક્રોકસ સિટી હોલમાં હકડેઠઠ ભીડ એકઠી થઈ હતી ત્યારે આ હુમલો થયો હતો. આ હોલમાં 6 હજારથી વધુ લોકો બેસી શકે છે. લડાકુ જેવા પોશાકમાં ઓછામાં ઓછા પાંચ માણસો કોન્સર્ટ હોલમાં પ્રવેશ્યા અને ગોળીબાર કર્યો હતો.

હાલ મોસ્કો એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યું છે અને ટ્રેનોની અવરજવર પણ બંધ કરી દેવામાં આવી છે. સાથે જ મોસ્કોમાં પણ જાહેર સ્થળો પર લોકોને એકઠા થવાની મનાઈ ફરમાવવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે આ હુમલાને ‘જઘન્ય અને કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલો’ ગણાવીને તેની આકરી નિંદા કરી હતી.

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular