Friday, May 16, 2025
Google search engine
HomeNewsInternationalભારત હવે બાંગ્લાદેશ મામલે સ્વતંત્રપણે નિર્ણયો લઈ શકે છે.: ટ્રમ્પ

ભારત હવે બાંગ્લાદેશ મામલે સ્વતંત્રપણે નિર્ણયો લઈ શકે છે.: ટ્રમ્પ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બે દિવસીય અમેરિકાની મુલાકાતમાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વેપાર, રક્ષા અને દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી હતી. દ્વિપક્ષીય બેઠક દરમિયાન નેતાઓએ અન્ય વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. જેમાં પીએમ મોદીએ ટ્રમ્પ સમક્ષ બાંગ્લાદેશનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેની જવાબદારી ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સોંપી છે. ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બાંગ્લાદેશના ઘટનાક્રમ પર ચિંતા વ્યક્ત કરી હતી, તેમજ ભારત આ સ્થિતિને કેવી નજરે જોઈ રહ્યો છે,તે અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

વડાપ્રધાન મોદીની ચિંતાને ધ્યાનમાં લેતાં ટ્રમ્પે બાંગ્લાદેશમાં ચાલી રહેલા સંકટ મુદ્દે અમેરિકાની સરકારની કોઈ પણ ભૂમિકા હોવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે, બાંગ્લાદેશ મુદ્દે નિર્ણય લેવાની સત્તા વડાપ્રધાન મોદી પર છોડું છું. ટ્રમ્પના આ નિવેદનથી સ્પષ્ટ થયુ છે કે, ભારત હવે બાંગ્લાદેશ મામલે સ્વતંત્રપણે નિર્ણયો લઈ શકે છે. વ્હાઈટ હાઉસની નજીક ગુરૂવારે બાંગ્લાદેશીઓએ દેખાવો કર્યા હતાં. તેઓએ મોહમ્મદ યુનુસના ગેરબંધારણીય શાસનને ખતમ કરવાની માગ કરી છે. અવામી લીગ અને તેના સહયોગી સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યા હતાં. પ્રદર્શનકારોએ લઘુમતીઓની સુરક્ષાની પણ માગ કરી હતી. બાંગ્લાદેશની કુલ વસ્તીમાં આઠ ટકા હિન્દુ છે. પરંતુ શેખ હસીનાના પલાયન બાદ બાંગ્લાદેશમાં સર્જાયેલા અફરાતફરીના માહોલમાં હિન્દુઓને ટાર્ગેટ બનાવી રહ્યા છે.

યુએનના અધિકારી રોરી મુંગોવેને બાંગ્લાદેશમાં માનવાધિકારોના ગંભીર ઉલ્લંઘન અને માનવતા વિરૂદ્ધ સંભવિત ગુના માટે જવાબદાર તમામ લોકોને સજા આપવાની માગ કરી છે. તેમણે શેખ હસીનાના પ્રત્યાર્પણનો મુદ્દો દ્વિપક્ષીય પ્રક્રિયા હોવાનું જણાવ્યું છે. બાંગ્લાદેશ સતત ભારત પાસેથી શેખ હસીનાનું પ્રત્યાર્પણ કરવાની માગ કરી રહ્યો છે. યુએનએ જણાવ્યું કે, ‘બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાનો પ્રત્યાર્પણનો મુદ્દો દ્વિપક્ષીય છે. જિનિવામાં યુએન હ્યુમન રાઈટ્સ ઓફિસે દ્વારા રજૂ એક રિપોર્ટમાં જણાવ્યું છે કે, બાંગ્લાદેશમાં જુલાઈ અને ઓગસ્ટ, 2024માં વિરોધ પ્રદર્શનો દરમિયાન 1400થી વધુ લોકો માર્યા ગયા છે.’

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular