Sunday, May 18, 2025
Google search engine
HomeNewsInternationalરશ્દીનું સમર્થન કરનાર લેખિકા જે.કે.રોલિંગને ધમકી મળી

રશ્દીનું સમર્થન કરનાર લેખિકા જે.કે.રોલિંગને ધમકી મળી

ન્યૂયોર્કઃ ભારતમાં જન્મેલા અને બ્રિટિશ નાગરિક બનેલા વિવાદાસ્પદ લેખક સલમાન રશ્દી બાદ હવે હેરી પોટરનાં લેખિકા જે.કે. રોલિંગને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ઉલ્લેખનીય છે કે, ગઈ 12 ઓગસ્ટે ન્યૂયોર્કમાં આયોજિત એક સાહિત્ય કાર્યક્રમ દરમિયાન 75-વર્ષીય રશ્દી ભાષણ કરવા માટે ઊભા થયા કે એક યુવકે સ્ટેજ પર ચડીને ધારદાર હથિયાર વડે રશ્દીની ગરદન પર હુમલો કર્યો હતો. જોએન કેથલીન રોલિંગે રશ્દીના સમર્થનમાં એક ટ્વીટ કર્યું હતું, જેમાં એમણે લખ્યું હતું કે, ‘ભયાનક સમાચાર. અત્યારે બહુ અસ્વસ્થતા જણાય છે. એમને સાજા થવા દો.’ એને પગલે મીર આસિફ અઝીઝ નામના એક ટ્વીટર યૂઝરે લખ્યું છેઃ ‘ચિંતા ન કરો, હવે પછી તમારો વારો છે.’ આ ધમકીભર્યા સંકેત બાદ રોલિંગે ટ્વિટર સપોર્ટ ટીમને ટેગ કરી હતી અને મદદ માગી છે.

એમણે મીર આસિફ અઝિઝ તરફથી એમના ટ્વીટમાં અપાયેલા જવાબના સ્ક્રીનશોટ્સ પોસ્ટ પણ કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, ‘સેતાનિક વર્સીસ’ પુસ્તક લખ્યા બાદ સલમાન રશ્દીને ખતમ કરવાનો 1989માં ઈરાનના તે વખતના શાસક આયાતોલ્લાહ રુહોલ્લાહ ખોમેનીએ દુનિયાભરના મુસ્લિમો માટે એક ફતવો બહાર પાડ્યો હતો. તે ઉપરાંત જે કોઈ રશ્દીને મારી નાખે એને 30 લાખ યૂએસ ડોલરનું ઈનામ આપવાની જાહેરાત પણ કરી હતી. ખોમેનીએ ‘ઈસ્લામ ધર્મનું અપમાન કરવા બદલ’ રશ્દી વિરુદ્ધ ફતવો બહાર પાડ્યો હતો. જોકે, ઈરાનની સરકાર ખોમેનીના ફતવાથી પોતાને દૂર રાખતી રહી છે, પરંતુ રશ્દી વિરુદ્ધની લાગણી ફેલાતી રહી છે. રશ્દી ગયા શુક્રવારે જ્યારે એક કાર્યક્રમમાં ભાષણ કરવા ઊભા થયા ત્યારે એક યુવકે એમની પર હુમલો કર્યો હતો. એ 24 વર્ષનો હાદી માતર છે અને ન્યૂજર્સીના ફેરવ્યૂનો રહેવાસી છે. પોલીસોએ એની ધરપકડ કરી છે. દરમિયાન, રશ્દી વિશેના નવા હેલ્થ અપડેટમાં જણાવાયું છે કે એમને વેન્ટીલેટર પરથી હટાવી દેવામાં આવ્યા છે. તેઓ બોલી પણ શકશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular