Saturday, May 24, 2025
Google search engine
HomeNewsInternationalશ્રીલંકાના નેતાઓ ભારત ભાગ્યા નથી: દૂતાવાસની ચોખવટ

શ્રીલંકાના નેતાઓ ભારત ભાગ્યા નથી: દૂતાવાસની ચોખવટ

કોલંબોઃ દક્ષિણ તરફના પડોશી ટાપુરાષ્ટ્ર શ્રીલંકામાં અભૂતપૂર્વ રાજકીય અંધાધૂંધી અને વર્ગવિગ્રહ ફેલાયો છે. હિંસાનું તાંડવ સર્જાયું છે. દેશમાં પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ છે. શાસકો પર જનતા સખત રોષે ભરાઈ છે. લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને શાસક પક્ષના નેતાઓ તથા પ્રમુખ ગોતાબાયા રાજપક્ષાના પરિવારજનોના ઘરોને તથા સરકારી વાહનોને આગ ચાંપી રહ્યા છે. ગયા સોમવારથી ફાટી નીકળેલા હિંસાચારમાં અત્યાર સુધીમાં શાસક પક્ષના એક નેતા, એક પોલીસ અધિકારી અને નાગરિકો સહિત આઠ જણના મરણ થયા છે અને બીજા 219 જણને ઈજા થઈ છે. બેકાબૂ ટોળાએ અત્યાર સુધીમાં 60 જેટલા વાહનોને આગ લગાડી છે અને 40 વાહનોની તોડફોડ કરી છે. પરિણામે હિંસાખોરોને ‘દેખો ત્યાં ઠાર’ કરવાનો સુરક્ષા દળોને આદેશ અપાયો છે. આ પરિસ્થિતિ વચ્ચે એવા અહેવાલો આવ્યા કે શ્રીલંકાના ભૂતપૂર્વ વડા પ્રધાન મહિન્ડા રાજપક્ષા અને એમના પરિવારજનો તથા શાસક પક્ષના બીજા કેટલાક નેતાઓ ભાગીને ભારતમાં ઘૂસી ગયા છે. પરંતુ, કોલંબોસ્થિત ભારતીય હાઈ કમિશને આ અહેવાલોને રદિયો આપ્યો છે.

ભારતીય દૂતાવાસે ટ્વીટ કરીને ચોખવટ કરી છે કે, ‘આ અહેવાલો સદંતર ખોટા છે અને સત્યથી વેગળા છે. આ બધી ખોટી અફવા ફેલાવાઈ છે. શ્રીલંકાના ચોક્કસ રાજકીય નેતાઓ અને એમના પરિવારજનો ભારત ભાગી ગયા છે પ્રચારમાધ્યમો તથા સોશ્યલ મિડિયાના વર્ગોમાં ફેલાવાયેલી અફવાઓ હાઈ કમિશનના ધ્યાનમાં આવી છે. આ બધું સદંતર ખોટું છે. બનાવટી અહેવાલો છે. એમાં સત્ય જેવું કંઈ જ નથી. હાઈ કમિશન આવા અહેવાલોને કડકપણે નકારે છે.’

ભારત સરકાર અગાઉ કહી ચૂકી છે કે તે શ્રીલંકામાં લોકશાહી, સ્થિરતા અને આર્થિક પુનઃપ્રાપ્તિનું સંપૂર્ણપણે સમર્થન કરે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગ્ચીએ કહ્યું છે કે, ‘ભારત કાયમ લોકતાંત્રિક પ્રક્રિયાઓ મારફત શ્રીલંકાની જનતાના શ્રેષ્ઠ હિતમાં એને જ સમર્થન આપતું રહેશે.’

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular