Saturday, May 17, 2025
Google search engine
HomeNewsInternationalદેખાવકારોની ધમકી પછી બંગલાદેશના ચીફ જસ્ટિસનું રાજીનામું

દેખાવકારોની ધમકી પછી બંગલાદેશના ચીફ જસ્ટિસનું રાજીનામું

ઢાકાઃ બંગલાદેશમાં તખતાપલટ પછી હવે અહીં ચીફ જસ્ટિસ ઓબૈદુલ હસને પદ પરથી રાજીનામું આપી દીધું છે. પ્રદર્શનકારી વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટનો ઘેરાવ કર્યો હતો અને તેમને રાજીનામું આપવા માટે એક કલાકનો સમય આપ્યો હતો.

બાંગ્લાદેશમાં ભારે રાજકીય ઊથલપાથલ વચ્ચે વિરોધીઓએ શનિવારે મુખ્ય ન્યાયાધીશ ઓબૈદુલ હસન સહિત ઘણા ન્યાયાધીશોને રાજીનામું આપવા દબાણ કર્યું. શેખ હસીના સરકારના પતન અને નવી વચગાળાની સરકારની રચના પછી પણ દેશમાં વિરોધનો સિલસિલો ચાલુ છે.

પ્રદર્શનકારીઓએ આરોપ લગાવ્યો હતો કે કોર્ટના જસ્ટિસ એક કાવતરાનો ભાગ છે. ઓબૈદુલ હસનની ગયા વર્ષે સુપ્રીમ કોર્ટના ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તેમને વડા પ્રધાન શેખ હસીનાના વફાદાર માનવામાં આવતા હતા.

મુખ્ય ન્યાયાધીશ ઓબૈદુલ હસને જાહેરાત કરી છે કે તેઓ સાંજે રાષ્ટ્રપતિને મળ્યા બાદ તેમનું રાજીનામું સોંપશે. ચીફ જસ્ટિસે નવી વચગાળાની સરકાર સાથે ચર્ચા કર્યા વિના જ ફુલ-કોર્ટ બેઠક બોલાવી લીધી હતી.  ત્યાર બાદ વિદ્યાર્થીઓનો ગુસ્સો ભડક્યો હતો.

બંગલાદેશમાં હિંસક આંદોલન બાદ શેખ હસીનાએ દેશ છોડ્યો છે ત્યારે મોહમ્મદ યુનુસે હવે કમાન સંભાળી લીધી છે. બંગલાદેશમાં વચગાળાની સરકારની સ્થાપના કરવામાં આવી છે, જેમાં મોહમ્મદ યુનુસ મુખ્ય ભૂમિકા નિભાવશે. ગુરુવારે તેમણે શપથ લીધા છે.

બંગલાદેશમાં વચગાળાની સરકાર બન્યા બાદ પણ વિરોધનો તબક્કો અટકી રહ્યો નથી. હવે વિરોધીઓ ચીફ જસ્ટિસ સહિત બંગલાદેશની સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયાધીશોના રાજીનામાની માગ કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓએ સુપ્રીમ કોર્ટનો ઘેરાવ કર્યો છે અને તેમની માગ પર અડગ છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular