Monday, May 19, 2025
Google search engine
HomeNewsGujarat'કુવેમ્પુ રાષ્ટ્રીય પુરસ્કાર-2024' માટે ગુજરાતી લેખિકા હિમાંશી શેલતની પસંદગી

‘કુવેમ્પુ રાષ્ટ્રીય પુરસ્કાર-2024’ માટે ગુજરાતી લેખિકા હિમાંશી શેલતની પસંદગી

અમદાવાદ: સુપ્રસિદ્ધ ગુજરાતી લેખિકા હિમાંશી શેલતને કુવેમ્પુ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ 2024 માટે તેમના નામની પસંદગી કરવામાં આવી છે. સ્વ. કવિ કુવેમ્પુની યાદમાં આ એવોર્ડ આપવામાં આવે છે. 77 વર્ષીય હિમાંશી શેલતને જાન્યુઆરી 2025માં એવોર્ડ એનાયત કરવામાં આવશે.

રાષ્ટ્રકવિ કુવેમ્પુ ટ્રસ્ટ દ્વારા વર્ષ 2013માં આ સાહિત્યિક પુરસ્કારની શરૂઆત કરવામાં આવી હતી. ભારતીય બંધારણમાં સમાવિષ્ટ કોઈપણ ભારતીય ભાષામાં શ્રેષ્ઠ સાહિત્ય સર્જન કરનાર સર્જકોને પ્રતિવર્ષ આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. પુરસ્કારમાં રજત ચંદ્રક અને પ્રમાણપત્ર ઉપરાંત રૂપિયા પાંચ લાખની રોકડ રકમનો સમાવેશ થાય છે. વર્ષ 2024ના આ પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે ટ્રસ્ટના અધ્યક્ષ બી. એલ. શંકરની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિએ સર્વસંમતિથી ડૉ. હિમાંશી ઈન્દુલાલ શેલતની ગુજરાતી ભાષામાં તેમનાં પ્રદાન માટે તેમજ ભારતીય સાહિત્યને સમૃદ્ધ બનાવવા માટે પસંદગી કરી છે.

પસંદગી સમિતિના સભ્યો

ગુજરાતી લેખક અને અનુવાદક શરીફા વીજળીવાળા, સાહિત્ય અકાદમીના ભૂતપૂર્વ સચિવ અગ્રહાર કૃષ્ણમૂર્તિ અને કન્નડ વિકાસ સત્તામંડળના અધ્યક્ષ પ્રોફેસર પુરુષોત્તમ બિલિમલે પસંદગી સમિતિના સભ્યો હતાં.

કોણ છે હિમાશી શેલત?

હિમાશીબેનનો જન્મ 8મી જાન્યુઆ, 1947ના રોજ સુરતમાં થયો હતો. સુરતની એમ.ટી.બી. કોલેજમાંથી અંગ્રેજી મુખ્ય વિષય સાથે એમ.એ. કર્યા બાદ એ જ કોલેજમાં લાંબા સમય સુધી તેમણે અધ્યાપન કાર્ય પણ કર્યું. હિમાંશીબેન શેલતે વી. એસ. નાયપોલની નવલકથાઓ પર પી.એચ.ડી. કર્યુ હતું. તેમણે નિબંધો, નવલકથાઓ, વિવેચકો અને અનુવાદિત કૃતિઓ સહિત 20 પુસ્તકો લખ્યાં છે. તેમણે ઝવેરચંદ મેઘાણીના પુત્ર વિનોદ મેઘાણી સાથે વર્ષ 1995માં લગ્ન કર્યા હતા. વિનોદભાઈનું વર્ષ 2009માં અવસાન થયું હતું.હિમાશીબેનના પ્રસિદ્ધ પુસ્તકોમાં ઘટના પછી, આઠમો રંગ, સપ્તધારા, અંધારી ગલીમાં સફેદ ટપકાં, ગર્ભગાથા વગેરે મુખ્ય છે. હિમાંશીબહેનની વાર્તાઓમાં નારીગૌરવ અને સવિશેષપણે સામાજિક દાયિત્વની ભાવના છલોછલ જોવા મળે છે. ગુજરાતી મહિલા વિશેષો દ્વારા બહુ જૂજ આત્મકથાઓ લખવામાં આવી છે. ત્યારે હિમાંશીબેનની આત્મકથા ‘મુક્તિવૃત્તાંત’ એક અલગ જ ચિલો ચિતરે છે.

1996માં હિમાંશીબેનને તેમના ટૂંકી વાર્તા સંગ્રહ ‘અંધારી ગલીમાં સફ઼ેદ ટપકાં’ માટે ગુજરાતી ભાષા માટેનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. હવે રાષ્ટ્રકવિ કુવેમ્પુ ટ્રસ્ટ દ્વારા તેમની કુવેમ્પુ રાષ્ટ્રીય પુરસ્કારના ભાગરૂપે પસંદગી કરવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular