Thursday, October 2, 2025
Google search engine
HomeNewsGujaratઅમદાવાદમાં લોકડાઉનઃ જપ્ત કરાયેલા વાહનો છોડાવવાની મથામણ

અમદાવાદમાં લોકડાઉનઃ જપ્ત કરાયેલા વાહનો છોડાવવાની મથામણ

અમદાવાદઃ કોરોના વાયરસના સંકટને પગલે શહેરમાં લોકડાઉનનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે. આ લોકડાઉનના સમયગાળામાં સરકાર તરફથી જુદી જુદી ગાઇડલાઇન આપવામાં આવી છે. જેમાં વધુ નાગરિકો કોરોનાથી સંક્રમિત ના થાય એ માટે સરકારના જુદા જુદા તંત્ર દ્વારા લોકોને ઘરમાં જ રહેવા માટે આહવાન કરવામાં આવ્યું છે, વિનંતીઓ કરવામાં આવી છે. એમ છતાંય શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક લોકો નિયમો અને કાયદાની અવગણના કરે છે. અસંખ્ય લોકો ખુલ્લેઆમ વાહનો લઇને ફરતાં જોવા મળે છે. કોરોના રોગચાળાને ગંભીરતાથી લીધા વગર માર્ગો પર વાહનો ચલાવતા કેટલાક લોકો પર પોલીસ વિભાગ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

વગર કામે ટહેલવા નીકળેલા કેટલાક વાહનચાલકોના પાસેથી સ્થળ પર જ દંડ વસુલવામાં આવી રહ્યો છે. બીજી તરફ અમદાવાદ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં વાહનો જમા કરવામાં આવ્યા છે. પોલીસ તંત્ર દ્વારા જમા લેવામાં આવેલા વાહનોની રશિદ લઇ અસંખ્ય વાહનોના માલિકો પોલીસ સ્ટેશનના ધક્કા ખાઇ રહ્યા છે. પોતાના વાહનોને છોડાવવા પોલીસ સ્ટેશનો બહાર કે જમા લીધેલા વાહનોના સ્થળે લાંબી કતારો જોવા મળી રહી છે. શહેરના નારણપુરા વિસ્તારમાં જમા લીધેલા વાહનોના ચાલકોને એક કતારમાં ઉભા રાખી ટોકન નંબર આપવામાં આવી રહ્યા છે. એકલા નારણપુરા પોલીસ મથકમાં જ મોટી સંખ્યામાં ટુ-વ્હિલર, રીક્ષાઓ તેમજ પેડલ રીક્ષાઓનો જમાવડો જોવા મળ્યો.

પોલીસે કરેલી કાર્યવાહીમાં કેટલાક નિર્દોષ પણ દંડાયા છે. દવા લેવા કે ઘર પરિવાર માટે અત્યંત જરુરી ચીજવસ્તુઓ ખરીદવા જઇ રહેલા કેટલાક વાહનચાલકોને ફક્ત ટાર્ગેટ પૂરો કરવા પકડી વાહનો જમા લઇ લીધા છે. કોરોનાનો ડર અને આર્થિક બેહાલી વચ્ચે દંડનીય કાર્યવાહીથી  ક્યાંક પ્રજામાં આક્રોશ તો ક્યાંક નિરાશા જોવા મળી રહી છે. વાહન જપ્ત થઈ ગયા બાદ માઇલોની મજલ કાપી ઘરે ગયેલા લોકો વાહનોના કાગળીયા લઇ ફરી એક વાર પગપાળા જઇ પોલીસ પાસેથી એમના વાહનો છોડાવવા મથામણ કરી રહ્યા છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular