Saturday, May 17, 2025
Google search engine
HomeNewsGujarat'બુલેટ' ઝડપે આગળ વધી રહ્યું છે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ

‘બુલેટ’ ઝડપે આગળ વધી રહ્યું છે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ‘બુલટ’ ઝડપે આગળ વધી રહ્યું છે. આ ટ્રેનથી આપણા દેશમાં રેલવે મુસાફરીનો અનુભવ હંમેશા માટે બદલાઈ જવાનો અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે. મુંબઈ-અમદાવાદ વચ્ચે પ્રથમ બુલેટ ટ્રેન દોડવા જઈ રહી છે, જેના માટે રેલવે ટ્રેકની સાથે અરબી સમુદ્રની નીચે પાણીની ઉંડાણમાં ટનલ બનાવવાનું કામ પણ ચાલી રહ્યું છે. આ દરમિયાન નવસારી જિલ્લાની કાવેરી નદી પર બુલેટ ટ્રેન માટેના પુલનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે. ત્યારે ગુજરાતમાં આકાર પામનારા 20 બ્રિજમાંથી 11 નદીઓ પરના બ્રિજનું કામ પૂર્ણ થયું છે.

મળતી માહિતી અનુસાર નવસારી જિલ્લામાં આવેલી કાવેરી નદી પર બ્રિજનું કામ ગત 25મી ઓગસ્ટે પૂર્ણ થયું હતું. આ બ્રિજની અન્ય વિગતો અંગે જાણીએ તો બ્રિજની લંબાઇ 120 મીટર છે. જેમાં 3 ફુલ સ્પાન ગર્ડરનો સમાવેશ થાય છે. બ્રિજના થાંભલાઓની ઉંચાઇ 13થી 21 મીટર જેટલી છે. જેમાં 4 મીટર વ્યાસનો એક થાંભલો અને 5 મીટર વ્યાસના ત્રણ થાંભલા છે. આ પુલ વાપી અને બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે છે. આ બંને સ્ટેશનો વચ્ચે કોલક, પાર અને ઔરંગા નદીઓ પર પુલનું નિર્માણ પણ પૂર્ણ થઈ ગયું છે. આ નદી અંબિકા નદીની ઉપનદીઓમાંની એક છે, જે મહારાષ્ટ્ર રાજ્ય સાથે ગુજરાત રાજ્યના સરહદી વિસ્તારમાં વાંસદા તાલુકાના ટેકરીઓમાં ઉદ્દભવે છે. કાવેરી નદી, વાપી બુલેટ ટ્રેન સ્ટેશનથી 46 કિ.મી. અને બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશનથી 04 કિ.મી.ના અંતરે છે.

જાપાનીઝ શિંકનસેનમાં વપરાતા રિઇનફોર્સ્ડ કોંક્રીટમાંથી મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર ટ્રેક સિસ્ટમ માટે ટ્રેક બેડ નાખવાનું કામ પણ ચાલી રહ્યું છે. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટની કુલ કિંમત 1.08 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, કેન્દ્ર સરકાર NHSRCLને 10,000 કરોડ રૂપિયા ચૂકવશે, જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય 5,000 કરોડ રૂપિયા ચૂકવશે. બાકીનો ખર્ચ જાપાન પાસેથી 0.1 ટકા વ્યાજે લોન દ્વારા લેવામાં આવશે. સપ્ટેમ્બર 2017માં  અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ ટ્રેન બે કલાકમાં 500 કિમીથી વધુનું અંતર કાપશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular