Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsGujaratકોરોના સામે લીધેલા પગલાંનું સરકાર શ્વેતપત્ર બહાર પાડેઃ પરેશ ધાનાણી

કોરોના સામે લીધેલા પગલાંનું સરકાર શ્વેતપત્ર બહાર પાડેઃ પરેશ ધાનાણી

અમદાવાદઃ કોરોનાની અસર ધરાવતા દર્દીઓની સંખ્યામાં દેશભરમાં ગુજરાત બીજા ક્રમે છે અને એ સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે ટેસ્ટિંગની સુવિધા વધારવાને બદલે આંકડાઓ છુપાવવા રાજ્ય સરકાર દ્વારા ટેસ્ટિંગ ઘટાડવામાં આવ્યા છે. રાજ્યમાં આજ સુધી 48,315 જેટલાં ઓછાં સેમ્પલ સર્વે કર્યા હોવા છતાં 3,071 લોકો કોરોનાના સંક્રમણથી પોઝિટિવ બની ચૂક્યા છે. આ સાથે 133 લોકોનાં મોત થયાં છે. ત્યારે સવાલ એ થાય છે કે 37 દિવસના લોકડાઉન દરમ્યાન સરકારના દમન વચ્ચે નોંધાયેલા અને વણનોંધાયેલા લાખ્ખો લોકોને કોરોના સંક્રમણથી બચાવવામાં રાજ્ય સરકાર સદંતર નિષ્ફળ કેમ નીવડી? આવા અનેક પ્રશ્નો ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અને વરિષ્ઠ કોંગ્રેસી પરેશ ધાનાણીએ કર્યા છે અને આ સંદર્ભે તેમણે રાજ્ય સરકારને પત્ર લખીને જવાબ માગ્યો છે. તેમણે જે પત્ર લખ્યો હતો એનો સારાંશ નીચે મુજબ છે…

અન્ય રાજ્યોની સરખામણીએ રાજ્યમાં ઊંચો મૃત્યુ દર

કોરોના પર કાબૂ મેળવવામાં વધુ ને વધુ ટેસ્ટિંગ થાય છે. વિશ્વભરમાં વિકસિત દેશોમાં મોટા પાયે ટેસ્ટિંગ લાખ્ખોની સંખ્યામાં થઈ રહ્યા છે, ત્યારે દેશમાં માંડ 5.79 લાખ જ ટેસ્ટિંગ થયાં છે. ત્યારે સવાલ એ થાય કે વિશ્વની તુલનામાં દેશમાં અને રાજ્યમાં પણ કેમ ઓછાં સેમ્પલ ટેસ્ટિંગ થઈ રહ્યાં છે? વળી, દેશનાં અન્ય રાજ્યોની તુલનાએ ગુજરાતમાં ઊંચો મૃત્યુ દર રાજ્યની નબળી ગુણવત્તાની આરોગ્ય સેવાઓ, અપૂરતા ડોક્ટરો, મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફની અછત અને આધુનિક સાધનોની ઊણપ જેવાં કારણો જવાબદાર છે. બીજી બાજુ રાજ્યમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે કોરોનામાં ગુજરાત નંબર વન ના આવે એ ટેસ્ટિંગની ગતિને ધીમી પાડી હોય એવી શંકા ઊપજે છે.

સરકાર ખુદ કોમવાદને ભડકાવે છે?

દેશમાં ગુજરાત હોટ સ્પોટ તરીકે બીજા ક્રમે છે અને કોરોનાના પોઝિટિવ કેસોથી ઊભરાઈ રહ્યું છે, ત્યારે ચકાસણી, નિદાન અને સારવાર વધારવાને બદલે લાખ્ખો સંક્રમિત લોકોને ભગવાન ભરોસે છોડી દેવામાં આવ્યા છે. આજ સુધી કોરોનાને હરાવવવામાં નિષ્ફળ નીવડેલી સરકાર ખુદ કોમવાદને ભડકાવીને લાખ્ખો લોકોને મોતના મોંમાં ધકેલી રહી છે.

તબલિગી જમાતના મેળાવડાને મંજૂરી કેમ આપી?

સરકાર કહી રહી છે કે, તબલિગી જમાતના મેળાવડાને લીધે દેશભરમાં કોરોના ફેલાયો હોય તો આ જમાતના મેળાવડાની મંજૂરી પણ કેન્દ્ર સરકાર હેઠળની દિલ્હી પોલીસે અને વહીવટી તંત્રએ કેમ આપી? જો નિઝામુદ્દીનનો મેળાવડો રોગચાળા માટે જવાબદાર હોય તો 24 ફેબ્રુઆરીએ અમદાવાદમાં મેળાવડાથી શરૂ કરીને અન્ય કાર્યક્રમો પણ તેટલા જ જવાબદાર છે.

કોરોનાના દર્દીઓ હજ્જારો અને લાખ્ખોની સંખ્યામાં થશે?

રાજ્યોના નાગરિકોએ આર્થિક-સામાજિક નુકસાન ભોગવ્યા છે. માનસિક યાતનાઓ વેઠી, વેપાર-ધંધા-રોજગાર બંધ થયાં છે, એટલે ભૂખમરો વેઠ્યા પછી પણ સરકાર કોરોનાના આંકડાઓ છુપાવી રહી છે અને આવામાં અમદાવાદ અને સુરતના મ્યુનિસિપલ કમિશનરોએ કોરોના દર્દીઓની સંખ્યા ભવિષ્યમાં હજ્જારો અને લાખ્ખોની સંખ્યામાં પહોંચવાની દહેશત વ્યક્ત કરી છે. એનો અર્થ એ થયો કકે રાજ્યમાં લાખ્ખો લોકો કોરોનાથી સંક્રમિત હોવાની શંકા છુપાવે છે. કોરોનાએ વિકરાળ સ્વરૂપ ઘારણ કર્યું છે એટલે સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવાનાં બહાનાં શોધી રહી છે.

રાજ્યમાં લોકકડાઉનને લીધે ગરીબ અને મધ્યમ વર્ગ પાયમાલ

દેશમાં લોકડાઉનનો તબક્કો ચાલી રહ્યો છે, ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને નફાખોરી, કાળાબજાર, મોંઘવારી સહિત બેરોજગારીનો સામનો કરવો પડી રહ્યો છે. તથા શ્રમિકો, ખેડૂતો અને વેપારીઓ સહિત નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને પણ ભારે નુકસાન ખમવું પડી રહ્યું છે. ત્યારે આ વૈશ્વિક રોગચાળામાં લોકોને ભગવાન ભરોસે છોડવાનો નિર્ણય કદાચ તબલિગી જમાત કરતાંય વધુ તુઘલખી શાસકોની નિષ્ફળતાઓને ઉજાગર કરનારો નીવડશે એમ લાગે છે.  ભવિષ્યમાં લોકો મોતના મુખમાં ધકેલાશે તો કોમવાદી કોરોનાની જનક એવી ભાજપ સરકાર જવાબદાર ઠરશે.

ઉપરના તમામ મુદ્દાઓ અંગે આશા રાખું છે કે રાજ્ય સરકાર સ્પષ્ટતા કરશે અને વિનાવિલંબે શ્વેતપત્ર પ્રસિદ્ધ કરીને રોગચાળાને નાથવા માટે વહીવટી પગલાંઓથી રાજ્યની જનતાને માહિતગાર કરશે, એમ ગુજરાત કોંગ્રેસ એકમના વરિષ્ઠ નેતા અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ જણાવ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular