Friday, May 16, 2025
Google search engine
HomeNewsGujaratહજી પાંચ દિવસ પડશે હાડ થીજવતી ઠંડીઃ હવામાન ખાતાની આગાહી

હજી પાંચ દિવસ પડશે હાડ થીજવતી ઠંડીઃ હવામાન ખાતાની આગાહી

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં હાડ થીજવતી ઠંડીએ માઝા મુકી છે. સમગ્ર રાજ્યમાં ઠંડા પવનો ફરી વળતા કડકડતી ઠંડીનો લોકોએ અનુભવ કર્યો છે. સમગ્ર ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી કોલ્ડ વેવ રહેવાની આગાહી હવામાન ખાતાએ કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આકરી ઠંડી પડવાની આગાહી હવામાન ખાતાએ કરી છે. સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં ૬ ડિગ્રી નોંધાઈ છે. જ્યારે અમદાવાદ ૯ ડિગ્રી અને પાટનગર ગાંધીનગર ૭.૭ ડિગ્રી ઠંડીમાં ધ્રુજી ઉઠયાં હતા. દરિયાકાંઠા વિસ્તારમાં સામાન્ય રીતે ઓછી ઠંડી અનુભવાઈ પણ આજે પોરબંદર, વેરાવળ, દીવમાં પણ તીવ્ર ઠંડી અનુભવાઈ હતી. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ૫ ડિગ્રી ઠંડી નોંધાઈ હતી.

ઉત્તરાયણ પહેલાં આકાશ વાદળ આચ્છાદિત બન્યું હતું. જો કે હવામાન ખાતાએ જાહેર કર્યું હતું કે ઉત્તરાયણના દિવસે વાદળો હટી જશે અને કડકડતી ઠંડીનો દોર ચાલુ થશે તે મુજબ થયું છે. ઉત્તરાયણથી ઠંડી શરૂ થઈ હતી અને લઘુતમ તાપમાન ગગડતું ગયું. આજે અમદાવાદનું તાપમાન ઘટીને ૯ ડિગ્રી થતાં લોકો ધ્રુજી ઉઠયાં હતા. મહત્તમ તાપમાન પણ માત્ર ૨૫.૩ ડિગ્રી રહેતા સૂર્યપ્રકાશમાં રહેવાનું લોકોએ પસંદ કર્યું હતું.

આખો દિવસ ઠંડકના કારણે લોકોને ગરમ કપડાંમાં લપેટાયેલા રહેવાની ફરજ પડી હતી. ટુ વ્હીલરચાલકોએ હેલ્મેટની સાથે સાથે કાન અને મોં વાટે ઠંડી પ્રવેશે નહીં તે માટે મફલર અને રૂમાલ વીંટાળ્યા હતા. પાટનગર ગાંધીનગરમાં ૭.૭ ડિગ્રી ઠંડીના કારણે લોકોએ કામ સિવાય બહાર જવાનું ટાળ્યું હતું. હવામાન ખાતાએ આગામી પાંચ દિવસ સુધી કોલ્ડ વેવ રહેવાની આગાહી કરી છે. તેમાં પણ આગામી ૪૮ કલાક સુધી વર્તમાન તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં. ત્યારબાદ બે થી ત્રણ ડિગ્રી તાપમાન ઉંચકાઈ શકે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular