Monday, July 7, 2025
Google search engine
HomeNewsGujaratશ્રવણતીર્થ દર્શન યોજનામાં ૭૫ ટકા સુધીની સહાય ચૂકવાશે

શ્રવણતીર્થ દર્શન યોજનામાં ૭૫ ટકા સુધીની સહાય ચૂકવાશે

અમદાવાદઃ રાજ્યના ગરીબ-મધ્‍યમ વર્ગના લોકો આર્થિક સંકડામણના કારણે ધર્મ સ્‍થળોના પ્રવાસથી વંચિત ન રહે એ માટે અને વૃદ્ધ અને વરિષ્‍ઠ નાગરિકો રાહત દરે યાત્રાધામોના દર્શન કરી શકે એ માટે રાજ્ય સરકાર દ્વારા શ્રવણતીર્થ દર્શન યોજના અમલમાં મૂકવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વરિષ્‍ઠ નાગરિકો-સિનિયર સિટીઝન્‍સને તીર્થધામોનાં દેવ-દર્શન કરાવવાની વિશિષ્‍ટ સેવાઓ પૂરી પાડવા માટે ગુજરાત ગૌરવ દિવસથી આ યોજનાનો શુભારંભ કરાવ્યો છે.  જોકે રાજ્ય સરકારે આ યોજનાનાં ધારાધોરણોમાં નોંધપાત્ર ફેરફારો કર્યાં છે.પ્રવાસન મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ યોજનાનો લાભ વધુ વરિષ્ઠ નાગરિકો મેળવી શકે એ માટે આ યોજના હેઠળ હવે એસટીની સુપર બસ (નોન એસી) ઉપરાંત એસટીની મિની બસ (નોન એસી), એ.સી. કોચ, સ્લીપર કોચનું ભાડું અથવા ખાનગી બસનું ભાડું બેમાંથી જે ઓછું હોય તેની ૭૫ ટકા કે તેથી વધુ રકમની સહાય અપાશે.

રાજ્યનાં યાત્રાધામોમાં હવે ત્રણ રાત્રિ અને ત્રણ દિવસ (૭૨ કલાક) સુધીના પ્રવાસની મર્યાદામાં આ યોજના હેઠળ લાભ આપવામાં આવશે. આ ઉપરાંત ૭૦ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ જો એકલા પ્રવાસ કરતી હોય તો તેમની સાથે એક ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના એટેન્ડન્ટને લઈ જઈ શકશે.

વડીલોએ હવે યાત્રાની તારીખના એક અઠવાડિયા પૂર્વે અરજી કરવાની રહેશે અને મંજૂરી મળ્યા બાદ અરજીમાં દર્શાવેલા સમયગાળામાં અથવા મંજૂરી મળ્યા બાદ બે માસમાં યાત્રા કરવાની રહેશે અન્યથા મંજૂરી આપોઆપ રદ્દ થયેલી ગણાશે,

આ યોજનાનો લાભ લેવા હવે ઓછામાં ઓછા ૨૭ વરિષ્ઠ નાગરિકોના સમૂહની અરજી માન્ય ગણી લાભ આપવામાં આવશે. હવે બસના ભાડાની સહાય ઉપરાંત અન્ય સગવડો જેવી કે ભોજન તેમ જ રોકાણની સુવિધા માટે યાત્રાના દિવસ મુજબ વ્યક્તિદીઠ અમુક ઉચ્ચક રકમની સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે હવે લાભાર્થીએ આધારકાર્ડ ફરજિયાત રજૂ કરવાનું રહેશે.

તેમણે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે  હવે ગુજરાત વાહનવ્યવહાર નિગમની ૧૬ વિભાગીય કચેરીઓમાં બોર્ડના એક-એક પ્રોજેક્ટ આસિસ્ટન્ટની નિમણૂક કરવામાં આવશે, જે એસટી/ખાનગી બસ મારફતે પ્રવાસની અરજીઓ સ્વીકારશે. દેશમાં આ પ્રકારની યોજના સૌપ્રથમ ગુજરાતમાં શરૂ કરવામાં આવી છે.

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular