Friday, May 16, 2025
Google search engine
HomeNewsGujaratગુજરાતમાં કમોસમી વરસાદઃ વિવિધ પાકને નુકસાનની ભીતિ

ગુજરાતમાં કમોસમી વરસાદઃ વિવિધ પાકને નુકસાનની ભીતિ

અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં રવિવાર સુધી એમ ત્રણ દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી હતી, જેમાં મોડી રાત્રે અને સવારે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો, જેથી ભરશિયાળે ચોમાસાનો અહેસાસ થઈ રહ્યો છે.

સૌરાષ્ટ્રના સાત જિલ્લામાં, દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં અને મધ્ય ગુજરાતના ત્રણ જિલ્લામાં કમોસમી વરસાદ નોંધાયો છે. માવઠાએ ખેડૂતોની ઊંઘ ઉડાડી દીધી છે. અમદાવાદથી લઈને દક્ષિણ ગુજરાત સુધીના વિવિધ જિલ્લાઓમાં માવઠું પડ્યું છે. ભાવનગર અને બોટાદના ગ્રામ્ય વિસ્તારો, સુરત, દાહોદ, અરવલ્લી, રાજકોટમાં કમોસમી વરસાદ નોંધાયો છે. કમોસમી વરસાદ થતાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, જેથી ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમને વિવિધ પાકોમાં મોટા નુકસાનનો ભય સતાવી રહ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદથી નુકસાન

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસતાં ખેતીના પાકને નુકસાનની ભીતિ છે. તુવેર સહિત કઠોળના પાક અને શાકભાજીના પાકને નુકસાન થવાની શક્યતા છે.

સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો

સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડતાં ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. સૌરાષ્ટ્રમાં માવઠાથી ખેડૂતોને ‘પડ્યા પર પાટુ’ સમાન સ્થિતિ ઊભી થઈ છે. રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં એક લાખ ગૂણી મગફળી પાણીમાં પલળી જતાં લાખોનું નુકસાન થયું છે.

વડોદરામાં વરસાદ વરસતા વિવિધ પાકને નુકસાન

વડોદરામાં પણ માવઠાને લીધે પાકને નુકસાન થવાની સંભાવના છે. કમોસમી વરસાદ થતાં કપાસ, મકાઈ, તુવેરના પાકમાં જીવાત પડવાની શક્યતાઓ છે. આ સાથે ખેતરમાં ઉગાડેલાં શાકભાજી, ઘાસચારો બગડી જાય અને ખેડૂતોએ કરેલી ખેતી માટેની મહેનત પાણીમાં જવાનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે.

જોકે હવામાન ખાતાની આગાહી છે કે આવતી કાલથી ઉત્તર ગુજરાત અને કચ્છમાં તો વાતાવરણ સાફ જ રહેવાનું છે. આજે બપોર પછી મધ્ય ગુજરાતમાં પણ વાતાવરણ સ્વચ્છ થવા લાગશે અને અમદાવાદમાં પણ આવતી કાલથી હવામાન રાબેતા મુજબનું થઈ જશે. દક્ષિણ ગુજરાતને બાદ કરતાં રવિવારે ગુજરાતના બાકીના વિસ્તારોમાં હવામાન સૂકું રહેશે અને આકાશ પણ સ્વચ્છ રહેશે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular