Saturday, May 24, 2025
Google search engine
HomeNewsGujaratસાર્વત્રિક મેઘમહેરઃ શિયર ઝોનથી ભારે વરસાદની શક્યતા

સાર્વત્રિક મેઘમહેરઃ શિયર ઝોનથી ભારે વરસાદની શક્યતા

અમદાવાદઃ રાજ્યમાં ફરી એક વખત વરસાદ જામ્યો છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના 65 તાલુકાઓ એકથી પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે. સૌથી વધારે વરસાદ અમરેલી અને મહેસાણામાં નોંધાયો છે. આ સિવાય સાબરકાંઠા, સુરેન્દ્રનગર, મોરબી, ગાંધીનગર અને અમદાવાદમાં વરસાદ નોંધાયો છે. આ સાથે રાજ્યની ઉપર શિયર ઝોન સ્થિર થયું છે, જેને લીધે આગામી ચાર દિવસ સારા વરસાદની શક્યતા છે.

ગુલાબ વાવાઝોડું નબળું પડી જતાં એ ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે, આવામાં રાજ્ય પર શિયર ઝોન રચાયું છે, એને લીધે આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અમદાવાદ સહિત મધ્ય, ઉત્તર અને દક્ષિણ અને સૌરાષ્ટ્ર ભાગમાં વરસાદ રહેવાની આગાહી છે.

ઉત્તર ગુજરાતમાં એકથી ચાર ઈંચ સુધીનો વરસાદ થયો છે. મહેસાણામાં સૌથી વધારે 3.22 ઈંચ વરસાદ નોંધાયો છે, બીજી બાજુ અમરેલીના રાજુલામાં ચાર કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબકતાં કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં છે. મુખ્ય બજારમાં પણ પાણી ભરાયાં હતાં. જેથી રહેવાસીઓ તેમ જ વેપારીઓ પરેશાન બન્યા હતા.

ઉકાઈના ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના પગલે ઉકાઈમાં સતત પાણીની આવક થઈ થઈ રહી છે. ડેમની હાલની સપાટી 342.25 ફૂટ છે, જે ભયજનક સપાટી 345 ફૂટ છે. જેને જાળવી રાખવા તંત્ર તરફથી ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.

રાજકોટનો ભાદર-1 ડેમના ઉપરવાસમા ભારે વરસાદના કારણે ડેમમાં 21,983 ક્યુસેક પાણીની આવક થઈ છે. જેથી હાલ ડેમ ભરાઈ ગયો છે અને ડેમના 17 દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા છે.

જોકે હજી પણ રાજ્યના દક્ષિણ ગુજરાતમાં અને કચ્છમાં 90 ટકા વરસાદ પડ્યો છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં 33 ટકાથી વધુ વરસાદની ઘટ છે. રાજ્યમાં હવે ઓવરઓલ 10 ટકા વરસાદની ઘટ છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular