Saturday, May 17, 2025
Google search engine
HomeNewsGujaratઅમદાવાદની આ પોળો પારકાને પાર્કિંગ નહીં કરવા દે

અમદાવાદની આ પોળો પારકાને પાર્કિંગ નહીં કરવા દે

અમદાવાદઃ શહેરમાં આ જૂની કહેવત વારંવાર બોલાતી ‘ખાળે ડૂચા ને પોળો ઉઘાડી’  અને બીજે બોલાય છે, ‘ખાળે ડૂચા અને દરવાજા ઉઘાડા’ હવે ગીચ થતી શહેરની સાંકડી ગલીઓની પોળોના દરવાજા બંધ કરવા પડે એવી સ્થિતિ સર્જાઈ છે, કારણ કે શહેરમાં વધતાં વાહનો, રહેણાક વિસ્તારનો કોમર્શિયલ ઉપયોગ, ઘર ગોડાઉનમાં ફેરવાઈ રહ્યા છે.

અમદાવાદના માણેકચોક વિસ્તાર પાસે આવેલી સાંકડી શેરીની ઝૂંપડીની પોળનો દરવાજો ત્યાંના રહીશ સિવાયના લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. બંગલા અને ફ્લેટની જેમ દરવાજા સભ્યો માટે જ ખુલ્લા.

માણેકચોક ઝૂંપડીની પોળના નાકે બેઠેલા જયેન્દ્ર કંસારા ચિત્રલેખા.કોમને કહે છે, શહેરની સ્થિતિ દિવસે ને દિવસે બગડતી જાય છે. વાહન વધતાં જાય છે રહેણાક વિસ્તારનું સ્વરૂપ માર્કેટમાં ફેરવાઈ ગયું છે. આડેધડ ટેમ્પા અને વાહનો માર્ગો પર દોડ્યા કરે છે. શહેરની મધ્યનું બજાર હોવાને કારણે લોકો ગમે ત્યાં પાર્કિંગ કરી જતા રહે છે. અન્ય માર્કેટમાં જવાનું હોય તેમ જ છતાં બીજાની પોળો ગલીઓમાં લોકો બીજાના આંગણામાં પાર્કિંગ કરી જતા રહે. જેથી એ ઘરનો માલિક જ પોતાનું વાહન પાર્ક ના કરી શકે એવી સ્થિતિ સર્જાય છે.

વધુમાં કહે છે, વાહન હટાવવાનું કે અન્ય સ્થળે પાર્કિંગ કરવાનું કહીએ તો દાદાગીરી, ઝઘડા અને હુંસાતુંસી થાય. પોળોમાં આડેધડ પાર્કિંગની સમસ્યાનું નિવારણ લાવવા દરવાજા લગાડવામાં આવ્યા છે. જેથી બહારનાં વાહનોને પોળમાં પ્રવેશ અપાતો નથી. જેથી સભ્યો વ્યવસ્થિત પાર્કિંગ કરી શકે.

રાયપુરના એક રહીશ કહે છે, હેરિટેજ સિટી થયું એટલે પ્રવાસન ઉદ્યોગ પણ વધ્યો છે. કેટલીક પોળો શેરીઓમાં પહેલાં જૂના દરવાજા હતા જ હવે નવી સમસ્યાઓ ઊભી થતા ફેરફારો થવા માંડ્યા છે. કેટલીક પોળોમાં તો કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી દરવાજા નખાવવામાં આવ્યા છે, એટલે હવે સોસાયટીઓની જેમ પોળોમાં પણ દરવાજા લાગવા માંડ્યા છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular