Tuesday, July 22, 2025
Google search engine
HomeNewsGujaratકોરોના મહામારી આ માતાઓની ફરજ નિષ્ઠાને ડગાવી નહીં શકે

કોરોના મહામારી આ માતાઓની ફરજ નિષ્ઠાને ડગાવી નહીં શકે

ગાંધીનગર: મે માસના બીજા રવિવારને ‘આંતરરાષ્ટ્રીય મધર્સ ડે’ તરીકે ઉજવાય છે. હાલમાં જ ઉજવાઈ ગયેલા આ દિન બાદ આજે અહીં વાત કરીએ એવી માતાઓની કે જે અત્યારના કોરોના વૈશ્વિક મહામારીના સમયમાં GVK-108 એમ્બ્યુલેન્સ વાનમાં દરરોજ પોતાની ફરજ બજાવે છે. અત્યારે જ્યારે લોકોને પોતાના ઘરમાં રહેવાની ફરજ છે ત્યારે સાબરકાંઠામાં ૧૦૮ એમ્બ્યુલન્સ વાનની 5 મહિલા ઇ.એમ.ટી એવી છે જે પોતાના નાના સંતાનોને ઘરે મૂકીને લોકોની સેવા માટે ખડેપગે છે.

કોરોનાની વૈશ્વિક મહામારીમાં હાલ લોકડાઉન હોવાથી આરોગ્ય કર્મીઓ દ્વારા તત્પરતાથી લોકોને આરોગ્યની સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. ઈડર ૧૦૮ એમ્બ્યુલેન્સ વાનમાં ફરજ બજાવતા ભૂમિબેન પટેલ જણાવે છે કે, મારે એક વર્ષની દીકરી છે દિયા, ઘરે જતાં ડર લાગે છે. દિવસેને દિવસે કોરોના વાઈરસનું ફેલાતુ સંક્ર્મણ જોઇ ડર લાગે છે, માતા છું અને મારી દીકરી માત્ર એક વર્ષની છે. નાના બાળકોમાં રોગ પ્રતિકારક ક્ષમતા પણ ઓછી હોય છે. મારે રોજ કોરોનાના શંકાસ્પદ કેસો કે કોરોનાના દર્દી હોય તેઓને હોસ્પિટલ પહોંચાડવાના હોય છે. પીપીઇ કીટ પહેર્યા પછી પણ ચેપ લાગવાની સંભાવના હોવાથી હું ઘરે જઈને પહેલા સાબુથી સારી રીતે સ્નાન કરૂ છું. પછી જ મારી દીકરીને હું મારી પાસે લઉં છું.

વડાલી ૧૦૮ ઇ.એમ.ટી રીના ચૌધરી જણાવે છે, કે મારી દીકરી ૭ વર્ષની હોવાથી મારૂ કામ થોડું સરળ છે. તેને હું સમજાવું કે મારી પાસે નહીં આવવાનું, મારાથી બે મીટરનું અંતર રાખવાનું તો તે સમજે છે પરંતુ હું માતા છું મારી દીકરીને મારી પાસે આવવું હોય છે, પરંતુ મારી મનાઇને કારણે તે સંકોચાઇને રહી જાય છે. તેને આમ જોઇ મને પણ ઘણું દુ:ખ થાય છે. કારણ કે પહેલા જ્યારે હું ડ્યુટી પૂરી કરીને ઘરે જતી તો તે તરત જ મારા ખોળામાં આવીને બેસી જતી.

હાલની સ્થિતિમાં કોઇ પણ જાતની પરવા કર્યા વિના પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવતી આ માતાઓમાં ખેરોજ ૧૦૮ ઇ.એમ.ટી ગીતા દામાનો બાબો શિવમ 3 વર્ષનો છે. તે જણાવે છે કે હું માતા છું મારી જવાબદારી માત્ર માતા તરીકે જ નહીં પરંતુ મારી ફરજ પરત્વે પણ છે. દેશ અને દુનિયા જ્યારે કોરોના સામે લડી રહ્યા હોય ત્યારે એક આરોગ્ય કર્મી તરીકે મારી જવાબદારી બેવડાઇ જાય છે. જેથી મારે બંને જગ્યાએ યોગ્ય રીતે ફરજ નિભાવવાની થાય છે. બાબો નાનો હોવાથી કેટલીક ખાસ તકેદારી અને અંતર રાખવુ મારે જરૂરી બને છે. પોતાના નાના ભૂલકાઓને પોતાનાથી સુરક્ષિત અંતરે રાખીને પોતાની મમતા તેમની ઉપર વરસાવી રહી છે તો પોતાના દર્દીઓને જરૂરી આરોગ્ય સેવા કરવામાં પણ તેઓ પાછી પાની નથી કરતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular