Saturday, May 24, 2025
Google search engine
HomeNewsGujaratરાજ્યની રિન્યુએબલ એનર્જીની સ્થાપિત ક્ષમતા 19,415 મેગાવોટ

રાજ્યની રિન્યુએબલ એનર્જીની સ્થાપિત ક્ષમતા 19,415 મેગાવોટ

અમદાવાદઃ દેશમાં રિન્યુએબલ એનર્જીની કુલ સ્થાપિત ક્ષમતાને મામલે 30મી જૂન, 2022ની સ્થિતિએ 19,414.87 મેગાવોટની ક્ષમતા સાથે ગુજરાતનું દેશનાં અગ્રણી રાજ્યોમાં સ્થાન છે. ન્યુ અને રિન્યુએબલ એનર્જી તથા ઊર્જા મંત્રી  આર. કે. સિંઘ દ્વારા રાજ્યસભાના સભ્ય પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો ઉત્તર આપતાં 19 જુલાઈએ રાજ્યસભામાં ઉપરોક્ત માહિતી રજૂ કરવામાં આવી હતી.

ગુજરાતની 19,414.87 મેગાવોટની રિન્યુએબલ એનર્જીની કુલ સ્થપિત ક્ષમતામાં 9419.42 મેગાવોટ પવન ઊર્જા, 7806.80 મેગાવોટ સૌર ઊર્જા, 1990 મેગાવોટ મોટી હાઇડ્રો પાવર યોજના, 109.26 મેગાવોટ બાયો પાવર અને 89.39 મેગાવોટ નાની હાઇડ્રો પાવર યોજનાનો સમાવેશ થાય છે, એમ તેમણે કહ્યું હતું.

નથવાણી દેશમાં રિન્યુએબલ એનર્જીની સ્થાપિત ક્ષમતા તેમ જ ઉત્પાદન તથા ભારતમાં રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી/ આવનારી વિવિધ યોજનાઓ વિશે જાણવા માગતા હતા.  સરકારે નાના ગ્રિડ કનેક્ટેડ સોલર એનર્જી પાવર પ્લાન્ટ્સ, સ્ટેન્ડ-અલોન સોલાર પાવર્ડ એગ્રિકલ્ચર પંપ અને હાલના ગ્રિડ સાથે જોડાયેલા કૃષિ પંપના સોલરાઇઝેશનને પ્રોત્સાહન આપવા માટે PM-KUSUM સ્કીમ શરૂ કરી છે. આ યોજના માત્ર ખેડૂતો માટે જ નહીં, પણ રાજ્યો અને વીજ વિતરણ કરતી કંપનીઓ એટલે કે DISCOMs માટે પણ ફાયદાકારક છે.

ઊર્જા મંત્રીના જણાવ્યા અનુસાર, 40,000 મેગાવોટ ક્ષમતાની સ્થાપનાના લક્ષ્ય માટે સોલાર પાર્ક અને અલ્ટ્રા-મેગા સોલાર પાવર પ્રોજેક્ટ્સના વિકાસ માટે જમીન, રસ્તાઓ, ટ્રાન્સમિશન સિસ્ટમ (આંતરિક અને બાહ્ય), પૂલિંગ સ્ટેશન, પાણી ઉપલબ્ધ થવાની શક્યતાઓ જેવી માળખાકીય સુવિધાઓની સાથે તમામ વૈધાનિક પરવાનગીઓ/મંજૂરીઓ સાથે યોજના તૈયાર કરવામાં આવી છે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular