Wednesday, July 16, 2025
Google search engine
HomeNewsGujaratરાજ્ય સરકારે વિધાનસભામાં OBC અનામત બિલ રજૂ કર્યું

રાજ્ય સરકારે વિધાનસભામાં OBC અનામત બિલ રજૂ કર્યું

 ગાંધીનગરઃ ભાજપે OBC વોટબેંકને મેળવવા માટે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્ય સરકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા ઓબીસી અનામતની જાહેરાત કર્યા બાદ તેનું વિધેયક વિધાનસભામાં રજૂ કર્યું છે. આ વિધેયક કાયદાપ્રધાન ઋષિકેશ પટેલ ગૃહમાં રજૂ કર્યુ છે. આ બિલમાં મહાનગરપાલિકા, પાલિકા અધિનિયમ અને ગુજરાત પંચાયત અધિનિયમમાં સુધારા કરવામાં આવ્યા છે. આ વિધેયકમાં ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ 1949માં કલમ-5ની પેટા કલમ-છમાં સુધારવાની જોગવાઈ છે. જ્યારે કોર્પોરેશનમાં 10 ટકાને બદલે 27 ટકા OBC અનામત રાખવાનો સુધારો કરતી કલમ સુધારવા વિધેયકમાં જોગવાઈ છે. આ ઉપરાંત તમામ અનામત 50 ટકાથી વધારે ન થાય એ અંગેની જોગવાઈ પણ સુધારા વિધેયકમાં રાખવામાં આવી છે. સૌથી વધુ સુધારા ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમોમાં કરવામાં આવ્યા છે.

સરકારે ઝવેરી પંચની ભલામણો પ્રમાણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમા જેવી કે મહાનગરપાલિકા, નગરપાલિકા, અને પંચાયતોમાં OBC બેઠકો અને પદાધિકારીઓ માટે 10 ટકાને બદલે 27 ટકા OBC અનામતની જાહેરાત કરી છે. ત્યારે બંધારણમાં કાયદામાં સુધારો કરવાનો થતો હોવાથી હાલ ચોમાસુ સત્ર દરમિયાન વિધાનસભામાં કાયદામંત્રી ઋષિકેશ પટેલ દ્વારા આ બિલને ચર્ચા માટે રજૂ કરવામાં આવ્યું છે.

વિધાનસભામાં આ બિલ પસાર કરવામાં આવ્યું એ પહેલાં ગાંધીનગરમાં જ OBC જ્ઞાતિઓનું સંમેલન આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું. જેમા પાટીલે કોંગ્રેસ પર OBCના નામે રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો હતો.

રાજ્યમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની અને લોકસભાની ચૂંટણી આવી રહી છે. ભાજપ દ્વારા આયોજિત OBC સંમેલનમાં OBC સમાજના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. ત્યારે આવનારી પંચાયત અને પાલિકાની ચૂંટણીમાં OBC મતદારોને રીઝવવા માટેનો ભાજપનું આયોજન છે.

 

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular