Monday, July 14, 2025
Google search engine
HomeNewsGujarat‘ગુજરાતી સમાજ ઓફ મિસીસીપ્પી’ના નેજા હેઠળ સુરત ખાતે 200 ઓક્સિજન મશીન મોકલાશે

‘ગુજરાતી સમાજ ઓફ મિસીસીપ્પી’ના નેજા હેઠળ સુરત ખાતે 200 ઓક્સિજન મશીન મોકલાશે

સુરતઃ વર્ષ 2019થી શરુ થયેલી કોરોનાવાયરસ બીમારીએ બીજા તબક્કામાં ભારતના ઘણા રાજ્યોને ભરડામાં લીધા છે. આવા સંજોગોમાં ગુજરાત પણ તેમાંથી બાકાત નથી રહી શક્યું. હોસ્પિટલોમાં પથારીઓની, તથા ઓક્સિજન પૂરવઠાની અભૂતપૂર્વ અછત સર્જાઈ રહી છે. આવા સંજોગોમાં અમેરિકાના વિવિધ રાજ્યમાં વસતા પરંતુ મૂળ દક્ષિણ ગુજરાતના પટેલ લોકોએ ‘ગુજરાતી સમાજ ઓફ મિસીસીપ્પી’ના નેજા હેઠળ અંદાજિત 1 લાખ ડોલરની સહાયની પહેલ કરી છે.

આ અંગેની વિસ્તૃત માહિતી આપતાં ગુજરાતી સમાજ ઓફ મિસીસીપ્પીના આગેવાન અને મૂળ બારડોલીના બાબુભાઇ પટેલે જણાવ્યું કે આ ફંડ તેમણે માત્ર 48 કલાક જેટલા ટૂંકા સમયગાળામાં જ ઊભું કર્યું છે. અત્યારના તબક્કે અમે 5 લિટરના એકસો અને 10 લિટરના એકસો એમ કુલ 200 ઓક્સિજન મશીનના ઓર્ડર આપી દીધા છે અને આગામી 8-10 દિવસમાં તે મુંબઈ મારફત સુરત પહોંચી જશે. જેમ જેમ નવું ફંડ આવતું જશે તેમ સમાજ દ્વારા વધુ ઓક્સિજન મશીન અથવા વેન્ટિલેટર, જેની જરૂરિયાત હશે તે મોકલવાના પ્રયત્ન કરવામાં આવશે.

ઓક્સિજન મશીનની ખરીદી અને વિતરણ વ્યવસ્થા સાથે સંકળાયેલા ટેક્સાસ રાજ્યના ડલાસસ્થિત પંકજભાઈ પટેલે જણાવ્યું કે ઓક્સિજન મશીનના વિતરણ માટે અમને સુરત શહેરના મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાનીનો સહયોગ મળ્યો છે. તેમની મદદથી સુરત, નવસારી અને બારડોલીની વિવિધ હોસ્પિટલો અને કોવિડ સેંટર, બારડોલીની માલીબા કૉલેજમાં મોકલાવવામાં આવનાર છે.

મહામારીની આ પરિસ્થિતિમાં અનેક હોસ્પિટલોમાં ઓક્સિજન સપ્લાય અટકી જવાને કારણે બીમાર દર્દીઓ જીવ ખોઈ રહ્યા છે, ત્યારે માદરે વતનને યાદ કરીને મદદ કરવાના શુભ આશયથી 25000-25000 ડૉલરની સહાય કરનાર મિસીસીપ્પીમાં સ્થાયી ભુપેન્દ્ર પટેલ અને હિરેન પટેલે જણાવ્યું કે જરૂરિયાતમંદોને મદદ કરવાનું ગુજરાતીઓના લોહીમાં છે, અને અમને ગર્વ છે કે અમે આવી વિકટ પરિસ્થિતિમાં સમાજ માટે કંઈક કરવાનો અમને મોકો મળ્યો છે.

(નીરવ પટેલ, યૂએસએ)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular