Thursday, May 22, 2025
Google search engine
HomeNewsGujaratકેન્દ્રએ મોતિયા અંધત્વમુક્ત ગુજરાત ઝુંબેશનું ‘ગુજરાત મોડલ’ અપનાવ્યું

કેન્દ્રએ મોતિયા અંધત્વમુક્ત ગુજરાત ઝુંબેશનું ‘ગુજરાત મોડલ’ અપનાવ્યું

અમદાવાદઃ રાજ્ય દ્વારા છેલ્લાં 10 વર્ષમાં દર વર્ષે સરેરાશ સાત લાખ જેટલાં મોતિયાનાં ઓપરેશન કરીને પ્રતિ ૧૦ લાખ વસ્તીએ ૧૦,૦૦૦થી વધુ મોતિયાનાં ઓપરેશનનો દર હાંસલ કરીને ગુજરાત દેશમાં અગ્રેસર રહ્યું છે. રાજ્યમાં ચાર માસના ટૂકા ગાળામાં ૩.૩૦ લાખ જેટલાં મોતિયાનાં નિ:શુલ્ક ઓપરેશન કરીને જરૂરિયાતમંદોને નવી દ્રષ્ટિ આપવાનું કાર્ય સફળતાપૂર્ણ સંપન્ન કરવામાં આવ્યું છે, એમ આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ દ્વારા ફેબ્રુઆરીમાં મોતિયા અંધત્વ અને દ્રષ્ટિનિવારણ કાર્યક્રમ અંતર્ગત મોતિયા અંધત્વમુક્ત ગુજરાત ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે. રાજ્યની વિવિધ હોસ્પિટલમાં દર કલાકે ૧૧૫ જેટલાં મોતિયાનાં ઓપરેશન કરીને જરૂરિયાતમંદોને નવી દ્રષ્ટિ આપીને અંધત્વમુક્ત કરવામાં આવ્યા હતા.

રાજ્યની ૨૨ જિલ્લા હોસ્પિટલ, ૩૬ સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ૨૨ મેડિકલ કોલેજ, ૧ આરઆઇઓ અને ૧૨૮ જેટલી રજિસ્ટર્ડ સ્વૈચ્છિક સંસ્થાઓમાં મોતિયાની નિ:શુલ્ક સર્જરી ઉપલબ્ધ છે. આ ઝુંબેશ અંતર્ગત દર્દીને ફેકો ઇમ્લ્સિફિકેશન પદ્ધતિથી મોતિયાનું ઓપરેશન કરીને ૭૦,000થી વધુ કિંમતના હાઇડ્રોફોબિક ઇન્ટ્રાઓક્યુલર લેન્સ વિનામૂલ્યે મૂકવામાં આવે છે.

રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિખામી નિયંત્રણ કાર્યક્રમ ગુજરાતમાં વર્ષ ૧૯૭૮થી અમલીકરણમાં છે. જેનું મુખ્ય ધ્યેય અંધત્વનો દર વર્ષ ૨૦૨૫ સુધીમાં ૦.૨૫ ટકા સુધી લઈ જવાનો છે. રાજય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૪માં થયેલા સર્વે મુજબ અંધત્વનો દર ૦.૭ ટકા હતો. કેન્દ્ર સરકાર દ્વારા ૨૦૧૮-૧૯માં કરવામાં સર્વે મુજબ આ દર ઘટીને ૦.૩૬ ટકા થયો છે. મોતિયાને કારણે અંધત્વનું ભારણ ૩૬ ટકા જેટલું જણાયું છે. અન્ય કારણોમાં ચશ્માંના નંબરની ખામી, ઝામર, ત્રાંસી આંખ, કીકીના રોગો અને ડાયાબેટિક રેટિનોપેથી હોય છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular