Thursday, May 15, 2025
Google search engine
HomeNewsGujaratસાયન્સ સિટીમાં રોબોફેસ્ટ 4.0નું આયોજન, ભારતની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધાનું ભવ્ય સમાપન

સાયન્સ સિટીમાં રોબોફેસ્ટ 4.0નું આયોજન, ભારતની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધાનું ભવ્ય સમાપન

ગુજરાત સાયન્સ સિટીમાં ગુજકોસ્ટ દ્વારા આયોજિત રોબોફેસ્ટ ગુજરાત 4.0નો ગ્રાન્ડ ફિનાલેનુ સમાપન થયુ. આ ભારતની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધા છે, જેમાં દેશભરના STEM ક્ષેત્રના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના અગ્ર સચિવ મોના ખંધાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ GUJCOSTના એડવાઈઝર ડો. નરોત્તમ સાહુ, PRLના ડિરેક્ટર અનિલ ભારદ્વાજ, ટેકનિકલ એડવાઈઝરી કમિટીના ચેરમેન ડો. દેબાનિક રોય અને સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુધીર પટેલ હાજર રહ્યા હતા. આ ફિનાલેમાં મોના ખંધારે વિદ્યાર્થીઓને રોબોટિક્સ ક્ષેત્રે સકારાત્મક રીતે આગળ વધવા માટે પ્રોત્સાહન આપતા, તેમને વૈશ્વિક સ્તરે પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવા માટે વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે પ્રેરણા આપી. સાથે સાથે, તેમણે આ વર્તમાન સમયના અદ્યતન રોબોટિક આર્મ્સ MSME (મધ્યમ અને નાના ઉદ્યોગો) સેગમેન્ટમાં ઉત્પાદકતા અને ગુણવત્તામાં સુધારો લાવવાનુ કેવી રીતે માધ્યમ બની શકે તે અંગે ચર્ચા કરી. તેમણે જણાવ્યું કે, આ પ્રકારની રોબોટિક્સ ટેક્નોલોજી MSME ક્ષેત્રમાં ઉદ્યોગોની સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો મજબૂત ઉપાય બની શકે છે, જે ઉદ્યોગોને વધુ વેગ આપશે. આ સાથે તેમણે રોબોફેસ્ટ ગુજરાત 4.0 ગ્રાન્ડ ફિનાલેના ભવ્ય સમાપન બાદ રોબોફેસ્ટ 5.0ની પણ જાહેરાત કરી છે, જે આવતા વર્ષે યોજાશે.

આ સ્પર્ધામાં STEMના વિદ્યાર્થીઓએ સાત કેટેગરીમાં રોબોટ્સનું પ્રદર્શન કર્યું હતુ, જેમાં ટુ વ્હીલ્ડ સેલ્ફ બેલેન્સિંગ રોબોટ, સબમરીન અથવા અંડરવોટર રોબોટ, રોવર્સ, હેક્સાપોડ રોબોટ, સ્વાર્મ રોબોટ્સ, ફન રોબોટિક્સ (મેઝ સોલ્વિંગ રોબોટ) અને એપ્લિકેશન બેઈઝ્ડ રોબોટ્સનો સમાવેશ થાય છે.

આ ફિનાલેની સ્પર્ધામાં વિજેતાઓને કુલ 5 કરોડના રોકડ ઇનામો આપવામાં આવ્યા હતા, જેમાં વિવિધ કેટેગરીઓમાં પ્રથમ સ્થાન મેળવનાર ટીમને રૂ. 10 લાખનું ઇનામ આપવામાં આવ્યું, બીજી ટીમને રૂ. 7.5 લાખ અને ત્રીજી ટીમને રૂ. 5 લાખનું ઈનામ આપવામાં આવ્યુ. સાથે જ દરેક કેટેગરીમાં વિશિષ્ટ પ્રદર્શન કરનારી ટીમોને પ્રોત્સાહક ઇનામ તરીકે રૂ. 2.5 લાખ આપવામાં આવ્યા.

રોબોફેસ્ટ ગુજરાત 4.0 ના આયોજન દ્વારા યુવાનોમાં ઇનોવેશન અને ઉદ્યોગસાહસિકતાની ભાવનાને પ્રોત્સાહન મળી રહ્યું છે. આ કાર્યક્રમનો પ્રાથમિક ઉદ્દેશ વિદ્યાર્થીઓને રોબોફેસ્ટ 4.0 પ્રોગ્રામ દ્વારા તેમના વિચારો અને નવીનતાઓ શોધવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો. આ પ્લેટફોર્મ વિદ્યાર્થીઓને ટેકનોલોજીના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની કુશળતા પ્રદર્શિત કરવામાં મદદરૂપ બનશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular