Sunday, June 29, 2025
Google search engine
HomeNewsGujaratRIL વન વિભાગ સાથે મળીને પ્રાણીઓના સંવર્ધન માટે કાર્યરત

RIL વન વિભાગ સાથે મળીને પ્રાણીઓના સંવર્ધન માટે કાર્યરત

અમદાવાદઃ રાજ્ય સરકારના વન વિભાગ સાથે મળીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે (RILએ) ગીર રક્ષિત વિસ્તારમાં 1534 ખુલ્લા કૂવા ફરતે સંરક્ષણ દીવાલ બાંધવાનું કાર્ય પૂર્ણ કર્યું છે. આ પહેલનો હેતુ વન વિસ્તારમાં વન્ય જીવો, ખાસ કરીને ગુજરાત અને ભારતના ગર્વ સમાન એશિયાટિક સિંહોની સુરક્ષામાં વધારો કરીને તેમને મોત તથા ઇજાથી બચાવવાનો છે. RILએ ગીરના રક્ષિત વિસ્તારમાં ખુલ્લા કૂવા ફરતે સંરક્ષણ દીવાલ બાંધવા માટે વન વિભાગ સાથે જૂન 2021માં સમજૂતી કરાર (MOU) કર્યો હતો. વન્યજીવપ્રેમી અને RILના કોર્પોરેટ અફેર્સના ડિરેક્ટર પરિમલ નથવાણીના નેતૃત્વ હેઠળ કંપનીએ ગીર પૂર્વ વિભાગના સાવરકુંડલા તથા તુલસીશ્યામમાં 638 કૂવા અને ગીર પશ્ચિમ વિભાગના માળિયા, તાલાળા અને કોડિનારમાં 896 કૂવા ફરતે સંરક્ષણ દીવાલ બાંધી છે.

વન્યજીવ પ્રેમી અને ગીરના સિંહો પ્રત્યે વિશેષ લગાવ ધરાવતા નથવાણીએ જણાવ્યું હતું કે અમે ગીરમાં વન્ય જીવો, ખાસ કરીને એશિયાટિક સિંહના રક્ષણ માટે ગુજરાત સરકારના વન વિભાગ સાથે મળીને કામ કરીએ છીએ, કારણ કે વન્ય જીવોના સંવર્ધન માટે અમે પ્રતિબદ્ધ છીએ. અમારી આ પહેલ એશિયાટિક સિંહો અને અન્ય વન્ય જીવોને ગીરના રક્ષિત વિસ્તારમાં તેમ જ આસપાસના વિસ્તારમાં ખુલ્લા કૂવામાં પડીને જીવ ગુમાવવા કે ઇજા પામવાથી બચાવવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવશે.

ગીરમાં કૂવાની સંખ્યામાં ઘણો વધારો થયો છે. પરંતુ દુઃખદ રીતે, આ કૂવાની ફરતે સંરક્ષણ દીવાલ નહીં હોવાને કારણે એશિયાટિક સિંહો મારણનો પીછો કરતી વેળાએ કૂવામાં પડી જતાં ગંભીર ઇજા પામે અથવા મૃત્યુ પામે છે.

ભૂતકાળમાં પણ  પરિમલ નથવાણીના નેતૃત્વમાં કંપનીએ વન વિભાગ સાથે મળીને આ પ્રકારની પહેલ કરી હતી અને ગીર રક્ષિત વિસ્તારમાં 1294 કૂવા ફરતે સંરક્ષણ દીવાલ બાંધી હતી. પરિમલ નથવાણી રાજ્યસભાના સાંસદ પણ છે અને તેમણે સંસદ અને સંસદની બહાર એશિયાટિક સિંહોના રક્ષણ અને સંવર્ધન સાથે સંબંધિત મુદ્દા ઘણી વખત ઉઠાવ્યા છે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular