Sunday, May 25, 2025
Google search engine
HomeNewsGujaratકોરોનામૃતકોને શ્રદ્ધાંજલિ અર્પતું સોનલ અંબાણીનું શિલ્પ ‘રાઈડરલેસ વર્લ્ડ’

કોરોનામૃતકોને શ્રદ્ધાંજલિ અર્પતું સોનલ અંબાણીનું શિલ્પ ‘રાઈડરલેસ વર્લ્ડ’

અમદાવાદઃ કોરોનાવાઈરસ મહામારીના રૂપમાં દુનિયાએ વર્તમાન સમયની સૌથી મોટી કરૂણાંતિકાનો સામનો કર્યો છે. આખું વિશ્વ છિન્નભિન્ન થઈ ગયું છે, જેને આ રોગચાળામાં બચી જવા પામેલાં લોકોએ સંભાળવાનું છે. આ સંકટમાં દુનિયાએ 60 લાખથી વધારે લોકોને ગુમાવી દીધાં છે. દુનિયાભરનાં લોકો સ્તબ્ધ થઈ ગયાં છે.

જાણીતાં શિલ્પકાર સોનલ અંબાણીએ આ કરૂણાંતિકાને દર્શાવતું એમનું શિલ્પ ‘રાઈડરલેસ વર્લ્ડ’ ઈટાલીના વેનિસ ખાતેની પલાઝો મોરા ખાતે પ્રદર્શનાર્થે મૂક્યું છે. યૂરોપીયન કલ્ચરલ સેન્ટર યોજિત આ પ્રદર્શન પર્સનલ સ્ટ્રક્ચર્સની છઠ્ઠી આવૃત્તિ છે, જે 27 નવેમ્બર, 2022 સુધી ચાલશે.

‘રાઈડરલેસ વર્લ્ડ’ (ઘોડેસવારવિહોણું જગત) શિલ્પ અસ્તવ્યસ્ત થઈ ગયેલા વિશ્વ માટે એક સ્તુતિ સમાન છે. આ શિલ્પ કાંસ્યના એક અશ્વનું છે, જેમાં એની પૂંછડી અને પેટનો ભાગ તૂટેલાં દર્શાવવામાં આવ્યા છે અને માર્બલના પ્લેટફોર્મ્સ પર એને મૂકવામાં આવ્યા છે. આ શિલ્પ દુનિયાની હાલતને દર્શાવે છે અને આપણે સહુએ જે કંઈ ગુમાવ્યું છે એની એક પ્રકારની નિંદા પણ કરે છે. અશ્વના ઊંડા પોલાણમાં સફેદ રંગના ગુલાબના ફૂલ મૂકેલાં છે અને વચ્ચે એક મીણબત્તી પેટી રહી છે જે આપણને કાયમ યાદ અપાવતા રહેશે કે આપણે જેમને ગુમાવી દીધાં છે તેઓ આપણા મન અને આત્મામાં પ્રજ્વલિત થતાં રહે. અશ્વની પાછળની બાજુએ દીવાલ પર 150થી વધારે દેશોનાં એ લોકોનાં નામ છે જેમણે રોગચાળામાં એમનાં જાન ગુમાવી દીધાં છે. દીવાલ પર નામ ધીમી ગતિએ ફરતાં રહે છે.

આમ, રાઈડરલેસ વર્લ્ડને માત્ર એક કલાત્મક શિલ્પના રૂપમાં જ નથી, પરંતુ એક એવો સંવાદાત્મક અનુભવ છે જેમાં દર્શકોનું સહભાગીપણું આવશ્યક છે. દર્શકો કોવિડમાં ગુમાવી દીધેલાં એમનાં એ સ્વજનોને યાદ કરી શકે છે જેમને ઉચિત વિદાય પ્રાપ્ત થઈ નહોતી. એવાં લોકો એમનાં સ્વજનોનાં નામ સ્ક્રોલ થતા લિસ્ટમાં ઉમેરી શકે છે. તેમણે www.riderlessworld.com ની મુલાકાત લઈ ફોર્મ ભરી એમના સ્વજનોનાં નામ ઉમેરી શકે છે. આ ઉપરાંત તેઓ અશ્વના પેટના ઊંડાણમાં ફૂલ અર્પણ કરીને શિલ્પ સાથે સહભાગી થઈ શકે છે.

શિલ્પકાર સોનલ અંબાણીએ એમની સર્જનાત્મક સફર 90ના દાયકામાં શરૂ કરી હતી. અત્યાર સુધીમાં તેઓ અનેક માધ્યમ અને પ્રકારનાં શિલ્પ બનાવી ચૂક્યાં છે. એમનાં કાર્યો પ્રકૃતિ અને શહેરીકરણ વચ્ચેનું અંતર દૂર કરનારા હોય છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular