Thursday, May 15, 2025
Google search engine
HomeNewsGujaratગુજરાતમાં મગફળી-સોયાબીનની ટેકાના ભાવે રેકોર્ડબ્રેક ખરીદી

ગુજરાતમાં મગફળી-સોયાબીનની ટેકાના ભાવે રેકોર્ડબ્રેક ખરીદી

ગુજરાતભરમાં અત્યારે મગફળી અને સોયાબીન સહિતના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી પૂરવેગે ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભારત સરકાર દ્વારા ખરીફ પાકોનું વાવેતર થાય તે પહેલા જ ટેકાના ભાવ જાહેર કરાયા હતા. ટેકાના ભાવ બજાર ભાવથી વધુ હોવાથી ગુજરાતના ખેડૂતોએ મગફળી સહિતના ખરીફ પાકોનું પુષ્કળ વાવેતર અને ટેકાના ભાવે વેચાણ કર્યું છે. પરિણામે આ ખરીફ સીઝન દરમિયાન ગુજરાતમાં સરકાર દ્વારા મગફળીની અત્યાર સુધીની સૌથી રેકોર્ડબ્રેક ખરીદી કરવામાં આવી છે.

સારા વરસાદના પગલે આ વર્ષે રાજ્યમાં મગફળી પાકનું કુલ 18.80 લાખથી વધુ હેકટરમાં રેકોર્ડબ્રેક વાવેતર થયું હતું, જે ગત વર્ષની સરખામણીએ 2.5 લાખ હેક્ટર વધુ હતું. ગુજરાતના ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠા ખાતેથી રાજ્યભરમાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવ્યો હતો. ભારત સરકાર દ્વારા મગફળી માટે રૂપિયા 6783 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ નક્કી કર્યો હતો. જેથી મગફળી પાકના વેચાણ માટે રાજ્યના 3.72 લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી હતી. અત્યાર સુધીમાં રાજ્ય સરકાર દ્વારા 197 ખરીદ કેન્દ્રો ખાતેથી 2.98 લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂ. 6700 કરોડથી વધુના મૂલ્યની કુલ 10 લાખ મેટ્રિક ટન જેટલી મગફળીની ખરીદી કરવામાં આવી છે. જે પૈકી આશરે 2.32 લાખ ખેડૂતોને રૂપિયા 5172 કરોડથી વધુનું ચૂકવણું પણ સીધુ તેમના બેંક ખાતામાં કરી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં પ્રથમવાર ખેડૂતોને ખરીદીના તુરંત બાદ આટલી ઝડપથી ચૂકવણું કરવામાં આવી રહ્યું છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. આ ઉપરાંત ભારત સરકારે સોયાબીન માટે રૂપિયા 4892 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કર્યો છે. જેના પરિણામે ટેકાના ભાવે સોયાબીનના વેચાણ માટે રાજ્યના કુલ 24800થી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી હતી. અત્યાર સુધીમાં કુલ 88 ખરીદ કેન્દ્રો પરથી આશરે 20500 થી વધુ ખેડૂતો પાસેથી રૂ. 252 કરોડથી વધુના મૂલ્યની કુલ 51400 મેટ્રિક ટનથી વધુ સોયાબીનની ખરીદી કરવામાં આવી છે. જે પૈકી આશરે 17000 જેટલા ખેડૂતોને રૂ. 210 કરોડથી વધુનું ચૂકવણું પણ કરી દેવામાં આવ્યું છે. રાજ્યના અનેક તાલુકાઓમાં નોંધાયેલા તમામ ખેડૂતો પાસેથી ખરીફ પાકોની ખરીદી પૂર્ણ થઇ છે. જ્યારે, બાકીના ખરીદ કેન્દ્રો ખાતે નોંધાયેલા ખેડૂતો પાસેથી ખરીફ પાકોની ખરીદી પૂરવેગે ચાલી રહી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular