Thursday, May 15, 2025
Google search engine
HomeNewsGujaratહાડ થીજવતી ઠંડી બાદ ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદ

હાડ થીજવતી ઠંડી બાદ ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં બે દિવસ કાતિલ કોલ્ડવેવને કારણે હાડ થીજવતી ઠંડી પડી હતી. અમદાવાદનું તાપમાન 10 ડિગ્રીની નીચે ગગડી ગયું હતો. પણ બે દિવસ બાદ ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. અમદાવાદમાં ગત રાત્રિએ લોકો ઠંડી ગાયબ થઈ ગઈ હોવાની બૂમો લગાવી હતી. તો આજે વહેલી સવારથી અમદાવાદમાં ધુમ્મસભર્યું વાતાવરણ છે. તો કચ્છ અને દ્વારકામાં કમોસમી વરસાદ પણ વરસ્યો છે.

અગાઉ હવામાન વિભાગે બે દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી. અફઘાનિસ્તાનમાં સર્જાયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રાજસ્થાન તરફ આગળ વધતાં સોમવારે અમદાવાદ ઉપરાંત કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં વરસાદી છાંટાથી લઇને માવઠું થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે ગઇકાલે મોડી રાતે દ્વારકા અને કચ્છમાં હળવો વરસાદ પડ્યો હતો.

તો અમદાવાદની વાત કરીએ તો, 2 દિવસ સુધી ઠંડીમાં ઠુંઠવાયા બાદ અમદાવાદમાં એકાએક ઠંડી ગાયબ થઈ ગઈ હતી. બે દિવસ બાદ ઠંડીમાં એકાએક ઘટાડો થતાં અમદાવાદીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ત્યારે આજે વહેલી સવારથી અમદાવાદમાં ધુમ્મસભર્યું વાતાવરણ છે. રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.8 ડિગ્રી વધીને 29.5 ડિગ્રી અને લઘુતમ તાપમાન 3.2 ડિગ્રી વધીને 15.4 ડિગ્રી નોંધાયું હતું. જેને કારણે શહેરમાં શનિવાર કરતા રવિવારે તાપમાન 5 ડિગ્રી વધતાં ઠંડી ગાયબ થઈ ગઈ હતી. આજે ધુમ્મસ રહેવાની સાથે વાદળિયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા પડવાની શક્યતા છે.

કચ્છના ગાંધીધામ, અંજાર, ભચાઉ, ભુજ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર અને મોરબી જિલ્લામાં માવઠું થતાં ખેડૂતો ચિંતામાં પડ્યા હતા. બોટાદમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. માવઠાને પગલે રવી પાકોમાં નુકસાન થવાની ભીંતિ છે. જીરું, ચણા, ઘઉં, બટાટા સહિતના પાકોમાં નુકશાન થવાની શક્યતા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular