Saturday, June 14, 2025
Google search engine
HomeNewsGujaratપેપરલીક મામલે આકરા દંડ સાથે 10 વર્ષની કેદની સજાની જોગવાઈ

પેપરલીક મામલે આકરા દંડ સાથે 10 વર્ષની કેદની સજાની જોગવાઈ

ગાંધીનગરઃ રાજ્યમાં પેપરલીક થવાને કારણે લાખો યુવા ઉમેદવારોનાં અરમાનો પર પાણી ફરી વળે છે. સરકારી નોકરી માટેની પરીક્ષાઓમાં થતાં વારંવાર પેપરલીકને લીધે સરકારે આ વિશે બિલ કાયદો ઘડવાનું નક્કી કર્યું છે. છેલ્લાં નવ વર્ષમાં વિવિધ સરકારી પરીક્ષાઓમાં 12થી વધુ વખત પેપરલીક થવાની ઘટના બની છે. જેથી રાજ્યમાં પેપરલીકની ઘટનાઓને રોકવા માટે સરકાર હવે કડક કાયદો લાવશે.. સરકાર વિધાનસભાના બજેટ સત્રમાં આ કાયદાનું બિલ રજૂ કરે એવી શક્યતા છે. આ બિલમાં પરીક્ષામા ચોરી કરનારને ત્રણ વર્ષની સજા અને એક લાખનો દંડ તથા પેપર ફોડનારને ઓછામાં ઓછો રૂ. એક કરોડ રૂપિયાનો દંડ અને 10 વર્ષની સજાની જોગવાઈ રાખવામાં આવી છે.

નવા કાયદામાં ભરતી પ્રક્રિયામાં સામેલ તમામ સરકારી અને બિનસરકારી સભ્યોની બેદરકારી બદલ કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે. સરકાર પરીક્ષામાં થતી ગેરરીતિઓ અટકાવવા માટે, સામાન્ય લોકોનો વિશ્વાસ કેળવવા અને ટકાવી રાખવા તેમ જ જાહેર ભરતી પરીક્ષામાં બિન-વિવાદાસ્પદ વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે આ કાયદો અમલમાં લાવવાની તૈયારીઓ કરી રહી છે.

સરકાર દ્વારા વિધાનસભા ગૃહમાં વિધેયક લાવવામાં આવશે. આ વિધેયકમાં એવી જોગવાઈ હશે, જેમાં પેપર ફોડનારા આરોપીની મિલકત જપ્ત કરી નુકસાનની ભરપાઈ કરવામાં આવશે. દોષિત પરીક્ષાર્થી બે વર્ષ સુધી પરીક્ષા નહીં આપી શકે. એ ઉપરાંત પેપર લીક કરનાર સામે બિન જામીનપાત્ર ગુનો દાખલ થશે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં પેપરલીકની અનેક ઘટનાઓ સામે આવી છે ત્યારે સતત બનતી આ ઘટનાઓના કારણે વિદ્યાર્થીઓના ભાવિ સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular