Monday, May 26, 2025
Google search engine
HomeNewsBusinessબજેટ-2022/23 અંગે સમાજનાં આગેવાનોનાં પ્રત્યાઘાત

બજેટ-2022/23 અંગે સમાજનાં આગેવાનોનાં પ્રત્યાઘાત

અમદાવાદઃ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારનું નાણાકીય વર્ષ 2022-23 માટેનું કેન્દ્રીય બજેટ ગઈ કાલે સંસદમાં રજૂ કરી દીધું છે. તે વિશે વેપાર-ઉદ્યોગ સહિત સમાજના વિવિધ ક્ષેત્રોનાં આગેવાનો-નિષ્ણાતોએ પોતપોતાનાં અભિપ્રાય વ્યક્ત કર્યા છે.


‘વિઝનરી બજેટ છે’

ઈન્ડીયન સ્ટીલ એસોસિએશનના પ્રેસિડેન્ટ અને AM/NS India ના સીઈઓ દિલીપ ઓમ્મેન બજેટ અંગે જણાવે છે કે “આ બજેટ અમૃત કાળની બ્લુ પ્રિન્ટ રજૂ કરતુ વિઝનરી બજેટ છે, જે પીએમ ગતિ શક્તિ મિશનના સહયોગ દ્વારા મલ્ટી-મોડલ અભિગમ સાથે ટ્રાન્સપોર્ટ તથા લોજીસ્ટીક્સને પ્રોત્સાહન આપશે. 35.4 ટકાના નોંધપાત્ર વધારા સાથે રૂ.7.50 લાખ કરોડ મૂડી ખર્ચ થતો હોવાથી તેની બહુવિધ અસર થશે અને વૃધ્ધિને વેગ મળશે. આ કારણે સ્ટીલ ક્ષેત્રની માંગમાં વધારો થવામાં સહાય થશે. સ્થાનિક સ્તરેથી લશ્કરી દળોનો સરંજામ મેળવવાનુ કદમ આત્મનિર્ભર ભારત મિશનને સાકાર કરવા તરફનુ સાચી દિશાનુ વધુ એક કદમ છે. ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને બ્લોકચેન ટેક્નોલૉજી પર જોર વાઇબ્રન્ટ ઇકોસિસ્ટમના નિર્માણને સમર્થન આપશે. પર્યાવરણના મુદ્દા ઉપર ભાર મુકીને આર્થિક સામાજીક વિકાસની સાથે સાથે સરક્યુલર ઈકોનોમી ઉપર ભાર મુકાયા છે તે એક હકારાત્મક પગલુ છે.”


‘દિવ્યાંગોને પેન્શન આપવાની માંગ પણ સંતોષાઈ નથી’

મધુરમ ચેરીટેબલ ટ્રસ્ટનાં સ્થાપક ટ્રસ્ટી શ્રધ્ધા સોપારકર અંદાજપત્ર અંગે પ્રતિભાવ આપતાં જણાવે છે કે  નાણાં પ્રધાને દિવ્યાંગ વ્યક્તિઓ માટે કરરાહતની જાહેરાત કરી છે. આવી આશ્રીત વ્યક્તિના માતા-પિતા કે વાલીની ઉંમર 60 વર્ષની થાય ત્યારે વીમા યોજનાની એકમ રકમ ચૂકવવવાની પણ જાહેરાત કરી છે. અત્યાર સુધી વીમો લેનાર એટલે કે માતા-પિતા કે વાલીનુ મૃત્યુ થાય ત્યારે ચૂકવણી કરવામાં આવતી હતી. આ સિવાય બજેટમાં દિવ્યાંગો માટે ખૂબ ઓછી જોગવાઈ છે. દિવ્યાંગો માટે પીએમ જન આરોગ્ય યોજના હેઠળ હેલ્થ કવરેજ વિસ્તારવાની માંગ પણ સંતોષાઈ નથી. સાર્વત્રિક ધોરણે દિવ્યાંગોને પેન્શન આપવાની માંગ પણ સંતોષાઈ નથી. અમે અપેક્ષા રાખતા હતા કે ખાસ કરીને કોવિડ-19ના સંદર્ભમાં બેરોજગારી ભથ્થાની જાહેરાત કરાશે પણ આ બાબત પણ ટાળવામાં આવી છે.


‘શિક્ષણ ક્ષેત્ર તરફ નાણાં પ્રધાને અપેક્ષિત ધ્યાન આપ્યું છે’

દિશા કન્સલ્ટન્ટસના ડિરેકટર અનુજ પરીખ અંદાજપત્ર અંગે પ્રતિભાવ આપતાં જણાવે છે કે કોવિડ-19 મહામારીએ શિક્ષણ ક્ષેત્રને એક સેકટર તરીકે માઠી અસર કરી છે અને નાણાં પ્રધાને શિક્ષણ ક્ષેત્ર તરફ અપેક્ષિત ધ્યાન આપ્યું છે. શિક્ષણ આપવાની સ્થિતિસ્થાપક વ્યવસ્થા ઉભી થાય તે માટે તેમણે વન કલાસ, વન ટીવી ચેનલ પ્રોગ્રામને વિસ્તારીને 12 થી 200 ટીવી ચેનલ સુધી લઈ જવાની, વર્ચ્યુઅલ લેબ અને સ્કીલીંગ ઈ-લેબ્ઝ સ્થાપવાની દરખાસ્ત કરી છે. તેનાથી ક્રિટિકલ થીંકીંગ સ્કિલ્સ અને શિક્ષણ માટે પ્રોત્સાહક વાતાવરણ ઉભુ થશે. ડિજિટલ યુનિવર્સિટી ભારતીય ભાષાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ અને પર્સનાલાઈઝડ લર્નીગનો અનુભવ ધરાવતુ શિક્ષણ પ્રાપ્ત થશે. વિદેશની યુનિવર્સિટીઓ અને સિક્ષણ સંસ્થાઓને ગીફટ સીટીમાં ફાયનાન્સિયલ મેનેજમેન્ટ, ફીનટેક, સાયન્સ, ટેકનોલોજી, એન્જીન્યરિંગ અને મેથ્સમાં અભ્યાસક્રમો ઓફર કરવાની છૂટ આપવાથી ફાયનાન્સિયલ સર્વિસીસ અને ટેકનોલોજી ક્ષેત્રે ઉચ્ચ માનવ સ્ત્રોતો પ્રાપ્ત કરવામાં સુગમતા થશે.


‘કર વ્યવસ્થામાં સ્થિરતા જાળવવાનું કદમ પણ પ્રશંસનીય’

પેટીએમ મનીના સીઈઓ વરૂણ શ્રીધર જણાવે છે કે “કોર સેકટર્સમાં મૂડીરોકાણનો વધારો થવાથી જીડીપી ઉપર તેની મોટી મલ્ટીપ્લાયર અસર થશે. તેની સાથે સાથે રોજગાર નિર્માણ, કૌશલ્ય વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું કદમ તેમજ ડિજિટલ ઉપાયો વડે હાંસલ થનાર નાણાંકીય સમાવેશીતા તે કેન્દ્ર સરકારના બજેટનો સારાંશ છે. કર વ્યવસ્થામાં સ્થિરતા જાળવવાનું કદમ પણ પ્રશંસનીય છે. તેનાથી મૂડીરોકાણો અંગે ધારણા રાખી શકાશે. સરકારે ડિજિટલ કરન્સી માટે બારણાં ખોલ્યાં છે. અને તેનો અલગ અલગ ઉપયોગો ફાયનાન્સિયલ સર્વિસિસ સેકટર માટે બજેટને ઐતિહાસિક બનાવે છે.”

 


‘બજેટમાં ડિજિટાઈઝેશન તરફનો ઝોક’

નાસ્કોમ સેન્ટર ઓફ એક્સેલન્સ, ગાંધીનગરના સિનિયર ડિરેકટર અને  સેન્ટર હેડ, અમિત સલુજા જણાવે છે કે મેન્યુફેક્ચરિંગનુ ડિજિટાઈઝેશન એ મેક ઈન ઈન્ડીયા અને આત્મનિર્ભર ભારત માટેનું મહત્વનું પ્રેરકબળ બની રહેશે. બજેટમાં ડિજિટાઈઝેશન તરફનો ઝોક વર્તાઈ આવે છે. બજેટમાં એમએસએમઈ ક્ષેત્રની કાર્યક્ષમતામાં સુધારા તેમજ વૃધ્ધિ ઉપર ભાર મુકવામાં આવ્યો છે. તેનાથી એમએસએમઈ ક્ષેત્રને તેમજ ઉદ્યોગોમાં ડિજિટલ  ટેકનોલોજી અપનાવવા માટેનુ કામ કરતાં સ્ટાર્ટ-અપ્સને વેગ મળશે બજેટમાં નાણા પ્રધાને ડિજિટલ કૌશલ્યોના નિર્માણ અને ઉકેલોને વેગ આપવા પર પણ ભાર મૂક્યો છે જે ઉદ્યોગોને ખર્ચમાં ઘટાડો કરીને અને ડિજિટલ ટૂલ્સ અપનાવીને ક્ષમતાનો ઉપયોગ કરીને વધુ કાર્યક્ષમ અને સ્પર્ધાત્મક બનવામાં મદદ કરી શકે છે.

 


‘ડિજિટલ ઈનફ્રાસ્ટ્રક્ચર માટે ધિરાણની ઉપલબ્ધતા સરળ બનશે’

એનાલિટિક્સ બિઝનેસ સોલ્યુશન્સના પ્રેસીડેન્ટ અને કન્ટ્રી હેડ રાજીવ ભાટીયા અંદાજપત્ર અંગે પ્રતિભાવ આપતાં જણાવે છે કે ” ભારતનું અર્થતંત્ર જ્યારે મહામારીની અસરમાંથી બેઠું થઈ રહ્યું છે ત્યારે બજેટમાં વૃધ્ધિને વેગ આપવાની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે. બજેટમાં ઉચ્ચ આર્થિક પ્રવૃત્તિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને અર્થતંત્રનાં મહત્વનાં પાસાં આવરી લેવામાં આવ્યાં છે. તેમાં માલસામાન અને વ્યક્તિઓની ઝડપી અવરજવર શક્ય બનાવે તેવી  આધુનિક માળખાકીય સુવિધાઓના નિર્માણ વડે આર્થિક વૃધ્ધિમાં સહાયક બનવા ઉપર ભાર મુકવામાં આવ્યો છે. બજેટમાં મેન્યુઅલ પ્રક્રિયાઓને ડિજિટાઈઝ કરીને તથા  કેન્દ્ર અને રાજયના સ્તરે કાર્યરત પ્રણાલીઓનુ  સંકલન  કરીને ગ્રામ્ય અને દૂરના વિસ્તારોમાં નાગરિકલક્ષી સર્વિસીસની કાર્યક્ષમતા વધારવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. નાણાં પ્રધાને  ગ્રામ્ય અને દૂરના વિસ્તારોમાં  પોસાય તેવા બ્રોડબેન્ડ અને મોબાઈલ સર્વિસીસની ઉપલબ્ધિ માટે પૂરતી જોગવાઈ કરી છે.  બજેટમાં ઈ-સર્વિસીસ, કોમ્યુનિકેશન સુવિધાઓ અને ડિજિટલ રિસોર્સિસ ગ્રામ્ય વિસ્તારોમાં મળી રહે તેની ખાતરી માટેનો રોડમેપ દર્શાવવામાં આવ્યો છે. ડેટા સેન્ટરને હાર્મોનાઈઝ લિસ્ટ ઓફ ઈનફ્રાસ્ટ્રક્ચરમાં સમાવેશ કરવાથી ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રકચર માટે ધિરાણની ઉપલબ્ધતા સરળ બનશે. વર્ચ્યુઅલ લેબ્ઝ અને સ્કીલીંગ ઈ-લેબ્ઝનો પ્રારંભ થવાથી ક્રિટિકલ થીંકીંગ સ્કીલ્સ અને અભ્યાસને પ્રોત્સાહક વાતાવરણ પ્રાપ્ત થશે.


‘સરકારે વેલફેર યોજનાઓ સાથે તેના ગ્રોથને સંતુલિત કર્યો છે’

ટ્રેડબુલ્સ સિક્યૂરિટીઝના ડિરેક્ટર આસિફ હિરાણીનું કહેવું છે કે, કેન્દ્રિય બજેટ 2022માં વર્તમાન યોજનાઓને માટે નોંધપાત્ર સપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં પીએમ હાઉસિંગ સ્કીમ, જલ જીવન મિશન, સોલાર મોડ્યુલ્સ મેન્યૂફેક્ચરિંગ અને સેઝ પોલિસીમાં સુધારાનો સમાવેશ થાય છે. સરકારે વેલફેર યોજનાઓ સાથે તેના ગ્રોથને સંતુલિત કર્યો છે. તેમણે રૂ. 5 લાખ કરોડ સુધી ઈસીજીએલ સ્કિમને લંવાબીને, પીએલઆઈ સ્કીમને એમએએસએમઈ સુધી લંબાવીને કેટલાંક નવા સુધારાઓ રજૂ કર્યાં છે. સરકારે ડિજિટલ રૂપી, ઈઝ-ઓફ-ડુઈંગ માટે સિંગલ પોર્ટલ લોંચ કરવાની જાહેરાત કરી છે. સરકારે 2022-23માં 8.5 ટકા ગ્રોથ રેટ જાહેર કરવાનો ઈરાદો જાહેર કર્યો છે. આ માટે મૂડીખર્ચને વધારી રૂ. 10.7 લાખ કરોડ કર્યો છે. બજેટમાં કોઈ નેગેટિવ સરપ્રાઈઝ નથી. તે ગ્રોથ ઓરિએન્ટેડ છે. હેલ્થકેર ક્ષેત્રેસુધારા માટેનો પ્રસ્તાવ છે. ક્રિપ્ટો જેવા એસેટ ક્લાસિસ પર 30 ટકાનો ટેક્સ લાગુ પાડી તેમાં રોકાણને હતોત્સાહિત કરવાનો ઈરાદો પણ છે. જેમ્સ અને જ્વેલરી નિકાસ માટે ઈકોમર્સ રેગ્યુલેશનને સરળ બનાવવાનો પ્રસ્તાવ છે. લેન્ડ રેકોર્ડ્સને ડિજિટાઈઝ કરીને રિઅલ એસ્ટેટ ક્ષેત્રને પણ લાભ આપવાની વાત છે. સ્થાનિક ડિફેન્સ ઉદ્યોગને પણ લાભ આપવાની જોગવાઈનો બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.


‘બજેટમાં યુવાનોના સ્કિલિંગ, અપસ્કિલિંગ અને રિસ્કિલિંગ પર ભાર મુકાયો છે’

શાંતિ બિઝનેસ સ્કૂલ (SBS)નાં ડિરેક્ટર ડો. નેહા શર્માનું કહેવું છે કે ડિજિટલ યુનિવર્સિટીની સ્થાપના, વન ક્લાસ-વન ચેનલ સ્કીમ હેઠળ જુદી જુદી ભાષાઓમાં 200થી વધુ ચેનલો શરૂ કરવી વગેરે નવી પહેલ છે, જેની નાણામંત્રીએ જાહેરાત કરી છે. બજેટમાં યુવાનોના સ્કિલિંગ, અપસ્કિલિંગ અને રિસ્કિલિંગ પર ભાર મુકાયો છે. તેમાં શિક્ષકોની તાલીમ અને ક્ષમતાના ગઠન દ્વારા શાળાકીય શિક્ષણને મજબુત બનાવવા પર ભાર મુકાયો છે.

 


‘વૃદ્ધિલક્ષી બજેટ છે’

ક્લોઝ સપોર્ટ બિઝનેસ સોલ્યુશન્સના ડિરેક્ટર કર્નલ રાહુલ શર્માનું કહેવું છે કે પોપ્યુલિસ્ટ પગલાં ટાળવામાં આવ્યા છે. વૃદ્ધિલક્ષી બજેટ છે. મૂડીખર્ચનો આઉટલે 35 ટકા વધારાયો છે. તેનાથી એમએસએમઈને ફાયદો થશે. ટેક્સ વ્યવસ્થા સ્થિર છે. શિક્ષણ માટે ફાળવણી વધી છે. સ્કિલિંગ અને રિ-સ્કિલિંગ પર ભાર મુકવાથી એમએસએમઈને સ્કિલ્ડ લેબર મળશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ અને લોજિસ્ટિક માટે ગતિ શક્તિ સ્કિમથી ટ્રેડની કાર્યક્ષમતા વધશે.

 

 

 

 


‘ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે’

અર્બન પ્લાનર, ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટાઉન પ્લાનર્સ ઈન્ડિયાના ભૂતપૂર્વ પ્રમુખ અને સન બિલ્ડર્સ ગ્રુપના CMD એન.કે. પટેલનું કહેવું છે કે બજેટમાં વૃદ્ધિલક્ષી અભિગમ અપનાવાયો છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, માસ ટ્રાન્સપોર્ટ, કૃષિ, સૌને માટે હાઉસિંગ, શહેરી વિકાસ તથા અન્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. અર્બન સેક્ટરને લગતી નીતિઓ અંગે ભલામણો કરવા માટે નામાંકિત અર્બન પ્લાનર્સ, અર્બન અર્થશાસ્ત્રીઓ અને સંસ્થાઓની એક સમિતિની રચના કરવાની જાહેરાત સાચી દિશામાંનું પગલું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular