Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsGujaratમહિલાઓના મેળાને મોળો પ્રતિસાદ

મહિલાઓના મેળાને મોળો પ્રતિસાદ

અમદાવાદઃ કોરોનાને કારણે લોકડાઉન પછી અર્થતંત્ર પર માઠી અસર પડી છે. સતત બંધ રહેલા વેપાર-ધંધાને બેઠા કરવા સરકારના જુદા-જુદા વિભાગો પણ પ્રયાસ કરી રહ્યા છે. ગુજરાતની મહિલાઓ આર્થિક રીતે સક્ષમ થાય એના માટે તૈયાર કરવામાં આવેલા નિગમ દ્વારા કોરોના કાળમાં રિવરફ્રન્ટ પર હસ્તકલાના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોના રોગચાળા પછી પહેલી વાર યોજાયેલા  હસ્તકલાના મેળામાં વેચાણ ખૂબ જ નહીંવત્ જોવા મળી રહ્યું છે.

શહેરનો રિવરફ્રન્ટ જ્યારથી મેળા મહોત્સવ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે, ત્યારથી ખૂબ જ ભવ્ય પ્રતિસાદ મળે છે. ખુલ્લી જગ્યા, પાર્કિંગની સુવિધા અને મધ્યમાં આવેલા ફવેન્ટ સેન્ટરોમાં મોટા ભાગે તમામ ક્ષેત્રના પ્રદર્શન અને વેચાણ સફળ થાય છે, પરંતુ કોરોનાને કારણે મહિનાઓથી મેળા-મહોત્સવ વગર રિવરફ્રન્ટ અને શહેરના અન્ય વેપાર-ધંધાને વેગવાન બનાવતાં ઇવેન્ટ સેન્ટરો બંધ હાલતમાં પડ્યાં છે. જ્યાં વેપારના વિકાસ માટેની શરૂઆત થઈ છે ત્યાં પણ મોળો પ્રતિસાદ મળી રહ્યો છે.

પગભર થવા માગતી મહિલાઓ માટે યોજાયેલા હસ્તકલાના મેળામાં ખૂબ જ ઓછી સંખ્યામાં લોકો મુલાકાત લઈ રહ્યા છે. રિવરફ્રન્ટ પર પ્રદર્શન સાથે વેચાણના આ મેળામાં  મહિલાઓ ગુજરાતના જુદા-જુદા વિસ્તારોમાંથી રોજગારી માટે આવી છે. જેમાં માટીકામ, મોતીકામ, હાથશાળ, ભરતકામ અને ગૃહઉદ્યોગની વિવિધ શ્રેણીમાં સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા છે.

ગૃહ ઉદ્યોગની ચીજવસ્તુઓનો સ્ટોલ ધરાવતાં શીતલ પંડ્યા  ચિત્રલેખા.કોમ ને કહે છે હું ઘણાં વર્ષથી સખી મંડળ ચલાવું  છું. મહિલાઓના ઉત્થાન માટે યોજાતા મેળાઓમાં સારો પ્રતિસાદ મળે છે, પરંતુ કોરાનાના  સમયમાં યોજાયેલા આ મેળામાં લોકો ઓછી મુલાકાત લઈ રહ્યા છે.

કોરોનાથી બચવા સૂચનાઓ, સેનિટાઇઝેશન અને સંક્રમણની તપાસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. એમ છતાં મુલાકાતીઓ વગર મહિલાઓ માટેનો આ હસ્તકલા મેળો નીરસ જણાય છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular