Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsGujarat'કોકોપીટ'ના ઉપયોગથી પાવાગઢ ડુંગર બન્યો લીલોછમ

‘કોકોપીટ’ના ઉપયોગથી પાવાગઢ ડુંગર બન્યો લીલોછમ

ગુજરાતમાં અનેક મોટાં મંદિરો આવેલા છે જેવાકે, અંબાજી, પાવાગઢ, પાલિતાણા, બહુચરાજી, ગિરનાર, સોમનાથ, દ્વારકા, ડાકોર, શામળાજી જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. મંદિરે દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ દેવ-દેવીને શ્રીફળ એટલે કે નારિયળ અર્પણ કરતાં હોય છે.

ગુજરાતનાં પાવાગઢ ખાતે મા કાલિકાનાં દર્શને દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો આવે છે, જાહેર રજાના દિવસોમાં આ સંખ્યા લાખોમાં હોય છે. અહીં રોજ આવતા હજારો શ્રીફળ અને તેના છોતરાંના લીધે મંદિર પરિસર તેમજ પાવાગઢનાં પર્વત ઉપર ઘણી ગંદકી થતી હતી. દુકાનદારો દ્વારા નારિયેળનાં છોતરાં સળગાવવાથી કાર્બન ડાયોક્સાઈડ તેમજ ક્યારેક વધુ પડતા પવનના લીધે પાવાગઢ પર્વતનાં જંગલોમાં દવ એટલે કે આગ લાગવાના બનાવો બનતા હોય છે જેનાથી પર્યાવરણને પણ વ્યાપક નુકસાન થતું હોય છે. જેના ઉકેલ માટે પાવાગઢ મા કાલિકા મંદિરના ટ્રસ્ટીઓ અને વન વિભાગ વચ્ચે બેઠક યોજાઈ. જેમાં એક નવા વિચારને અમલમાં મૂકવાનો નિર્ણય લેવાયો. આ વિચાર હતો કોકોપીટનો(નારિયેળનાં છોતરાંમાંથી સેંદ્રીય ખાતર બનાવવાનો) અને તેના ઉપયોગનો. કોકોપીટનો ઉપયોગ નર્સરીમાં છોડ ઉછેર કરવા માટે કરાય છે.

ગુજરાતમાં પાવાગઢ એક એવું મંદિર છે, જ્યાં કોકોપીટનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. અહીં શ્રીફળ વધેરવાનું મશીન મૂકવામાં આવ્યું છે.

કોકોપીટના ઉપયોગથી છોડ ઉછેરવામાં આવે તો તેની ભેજ સંગ્રહશક્તિમાં વધારો થાય છે. કોકોપીટ વજનમાં હલકું હોવાથી ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ ઘટે છે તથા સહેલાઇથી છોડની હેરફેર પણ થઈ શકે છે.

મંદિરે આપેલા બજેટમાંથી વન વિભાગે કોકોપીટ બનાવવાની કામગીરી શરુ કરીને નવલખી કોઠાર વિસ્તારમાં ૧૦ હેક્ટર જમીનમાં વડ, પીપળ, જાંબુ, પારિજાત, કરમદાં, સીસમ, પાણીકણજી, કણજ, આમળાં ઉમરો, ગુંદા તેમજ અલગ અલગ  ૨૮થી ૩૦ જાતનાં- ૪૨,૦૦૦ વૃક્ષોના રોપાઓનું વાવેતર કરાયું. પાવાગઢ તળેટીમાં ૨૦ હેક્ટર જમીનમાં ૩૨,૦૦૦ વૃક્ષો વાવવામાં આવ્યાં છે. તો વળી ચાંપાનેર તળેટીથી પાવાગઢના માચી સુધી રોડની બંને સાઇડ પાનાગારુ, કચનાર, ગરમાળો, ગુલમહોર, તબુબિયાં જેવાં ૨૫૦૦ રોપા અને વૃક્ષોનું વાવેતર પણ કરાયું છે.

નવલખી કોઠાર પાસે વૃક્ષોને ભેજ અને પાણી મળી રહે તે માટે પાવાગઢ હિલ ઉપર બે લાખ ક્યુસેક લિટર સંગ્રહશક્તિ ધરાવતા એક તળાવનું નિર્માણ કરાયું છે. જયારે પાવાગઢ હિલ ઉપર ૧૦ હેક્ટરમાં છોડવે-છોડવે પાણી મળી રહે એ માટે ડ્રીપ ઇરિગેશન પણ કરાયું છે.

હાલોલના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સતીશ બારિયાએ જણાવ્યું હતું કે, કોકોપીટનું કામ શરૂ થવાથી ૮થી ૧૦ પરિવારો રોજગારી મેળવી રહ્યા છે. જેમને કામ પ્રમાણે મહેનતાણું પણ ચૂકવાય છે. રોજનું અહીં ૧૫થી ૨૦ કિલો કોકોપીટ તૈયાર થાય છે. જયારે જિલ્લા વન અધિકારી મોરારીલાલ મીના (ડીસીએફ)એ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે ભદ્રકાળી મંદિરની આજુબાજુ દસ હેકટરમાં જમીનમાં ૧૧,૧૧૧ રોપા અને ભોજનાલયની સામેની બાજુએ ૫ હેક્ટર જમીનમાં ૪૪૪૪ રોપા ઉછેરાશે. ડુંગરની આજુબાજુ સીડ સોઇંગ એટલે કે બીજનો છંટકાવ ડ્રોન દ્વારા કરીને વૃક્ષો ઉછેરવાની કામગીરી પણ કરવામાં આવશે. ભવિષ્યમાં કોકોપીટના વેચાણ માટે કેન્દ્ર પણ બનાવવામાં આવશે.

(પારૂલ મણીયાર)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular