Friday, July 4, 2025
Google search engine
HomeNewsGujaratપ્રાણલાલ વ્યાસની યાદમાં યોજાયો ઓનલાઇન ડાયરો

પ્રાણલાલ વ્યાસની યાદમાં યોજાયો ઓનલાઇન ડાયરો

વિખ્યાત લોકગાયક-પાર્શ્વગાયક પ્રાણલાલ વ્યાસની યાદમાં યોજાયો ઓનલાઇન ડાયરો
જાણીતાં ગાયકો માલદે આહીર અને લલિતા ઘોડાદરાએ ગીતો અને ભજનોની રંગત જમાવી


અમદાવાદઃ ગુજરાતી ફિલ્મોના પાર્શ્વગાયક અને ડાયરાના પ્રણેતા ગાયક પ્રાણલાલ વ્યાસ ને સંગીતમય સ્મરણાંજલિ કાર્યક્રમ રવિવારે ‘મારી ભાષા ગુજરાતી’ ઓનલાઇન મંચ અંતર્ગત યોજાયો. લોકસંગીતના જાણીતા ગાયક માલદે આહીર અને લલિતા ઘોડાદરાએ પ્રાણલાલનાં ફિલ્મગીતો, લોકગીતો અને ભજનો રજુ કરીને ઓનલાઇન સંગીત સરવાણી વહાવી હતી. જાણીતા કલાસંસ્કૃતિ પ્રોત્સાહક, નાટ્યકાર, ફિલ્મકાર અભિલાષ ઘોડા અમદાવાદથી આ કાર્યક્રમના મુખ્ય વક્તા હતા. એમણે પ્રાણભાઈ સાથેનાં અનેક સંસ્મરણો વર્ણવતાં કહ્યું કે ગુજરાતી ચિત્રપટ અને લોકસંગીતમાં પ્રાણલાલ વ્યાસ એક અદ્વિતીય નામ છે. એવા મહાન ગાયકો હવે તો ભૂતકાળમાં જ રહી ગયા છે. તેઓ માત્ર એક મહાન ગાયક જ નહિ એક ઉમદા વ્યક્તિ હતા જે અત્યંત લોકપ્રિય હતા અને તો ય લોકપ્રિયતા અને ખ્યાતિ જેવા શબ્દો તેમને સ્પર્શી નહિ શક્યા હતા એવા અલગારી અને પૂર્ણ રીતે લોકસંગીતને સમર્પિત ગાયક હતા. અભિલાષ ઘોડા દ્વારા બનાવાયેલ પ્રાણલાલ વ્યાસની ડોક્યુમેન્ટરી ફિલ્મના કેટલાક અંશ જેમાં પ્રાણલાલની પોતાની વાત અને સાથી ગાયકો દિવાળીબેન ભીલ, પ્રફુલ દવે વગેરે તથા પૂ. મોરારીબાપુનાં સંસ્મરણો દર્શાવાયાં હતાં.

ટેક્સાસ અમેરિકાથી ગુજરાતી લોકસંગીત સંગ્રાહક અને સંરક્ષક કરસનભાઈ પરમારે જણાવ્યું કે આજે ટેક્નોલોજીના સમયમાં અસલ જૂનું લોકસંગીત ભુલાઈ રહ્યું છે અને ઘણું તો લુપ્ત થઈ ગયું છે એ આપણી કમનસીબી છે. મારા એક શોખ તરીકે લોકસંગીતના ખજાનાને ડિજિટલ રૂપાંતરણ કરી ઓનલાઇન ઉપલબ્ધ કરાવનારા પરમારે પ્રાણલાલના મુંબઈ અને ગુજરાતના ડાયરાઓની ભવ્યતાની ઝાંખી કરાવી હતી. ઈંગ્લેન્ડમાં લંડન ખાતે રહેતા અર્પણ ફટાણિયાએ જણાવ્યું કે પ્રાણલાલની ગાયકીથી આકર્ષાઈને વરસો અગાઉ ભારત આવી પ્રાણલાલ પાસે ભજન ગાવાનું શીખ્યા હતા. પ્રાણલાલના એક અદના શિષ્ય રૂપે પ્રાણલાલનાં ભજનો ઇંગ્લેન્ડની ધરતી પર સતત ગુંજતાં રાખનારા આ યુવાન ગાયકે કહ્યું કે પ્રાણલાલ ગુજરાતી લોકસંગીતનો એક એવો પ્રાણ છે જે આવનારાં અનંત વર્ષો સુધી અમર અને સદા યુવાન જ રહેશે.

રાજકોટથી લલિતા ઘોડાદરા અને ઉપલેટાથી માલદે આહીરે યુગલ સ્વરમાં અનેક ગીતો રજૂ કરી ઓનલાઇન ટેક્નોલોજી સાથે શ્રોતાઓને એક નવો જ રોમાંચક અનુભવ કરાવ્યો. તેમણે પ્રાણલાલનાં એક પછી એક શ્રેષ્ઠ ગીતો રજૂ કરી શ્રોતાઓને સાડા ત્રણ કલાક સુધી જકડી રાખ્યા હતા. ‘બાર બાર વર્ષે નવાણ ગળાવિયાં’, ‘ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું’, ‘કીડી બિચારી કીડલી રે’, ‘ભાગું તો મારી ભોમકા લાજે’ અને ‘પાપ તારું પરકાશ જાડેજા’ વગેરે ગીતોની રમઝટ બોલાવી પ્રાણલાલના ડાયરાની રંગત ભારતથી ઇંગ્લેન્ડ અને અમેરિકા સુધી ઓનલાઇન જીવંત કરી દીધી હતી. પ્રાણલાલ વ્યાસના પૌત્ર બાલગાયક કાવ્ય મેહુલ વ્યાસે દાદાજીનું એક ભજન પ્રાણલાલના અંદાજમાં ગાઈને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.

દિલ્હીથી આ કાર્યક્રમના આયોજક અને સંયોજક ભાગ્યેન્દ્ર પટેલે કયું કે આપણે જેને જૂનું સંગીત કહીએ છીએ વાસ્તવમાં તે સંગીત ક્યારેય જૂનું થતું જ નથી અને જયારે પણ સાંભળીએ તે નવી તાજગી જ આપે છે. ‘સૂરમણિ’ ખિતાબથી નવાજાયેલા અને અનેક પુરસ્કારોથી સન્માનિત થયેલ લોકસંગીતના અનમોલ ઘરેણા સમાન પ્રાણલાલ જેવા ગાયકો યુગોમાં જ જન્મે છે. પ્રાણલાલ વ્યાસે સિત્તેર વર્ષનું આયુષ્ય ભોગવી ૧ ઓગસ્ટ ૨૦૧૧ના દિને ચિરવિદાય લીધી હતી. વીસમી સદીનો ઉત્તરાર્ધ ગુજરાતી લોકસંગીતનો એક એવો યાદગાર યુગ હતો જયારે પ્રાણલાલ અને એમના જેવા કેટલાક ગાયકોના પ્રદાનથી ગુજરાતી સંગીત એક મહામૂલ્યવાન ખજાનો બની ગયેલ છે. એ સંગીતખજાનાને અવશેષ રૂપ રહી જાય તે પૂર્વે એના જતન અને સંવર્ધન કાજે એની ચાવી આપણે યોગ્ય સમયે હાથ અને હૈયામાં ધારણ લઈએ એ તાકીદનું જરૂરી છે.

૧૦૦ મિનિટ પ્રોગ્રામ અંતર્ગત રાજધાનીથી ઓનલાઇન યોજાતા સાપ્તાહિક કાર્યક્રમ ‘મારી ભાષા ગુજરાતી’નો આ આઠમો ઉપક્રમ હતો જેમાં દિલ્હીથી દશરથલાલ શાહ, વિરાટ શાહ, સાધના બકુલ વ્યાસ, મીતા સંઘવી અને વડોદરાથી બીના શેઠ તેમ જ લંડનથી કાંતિભાઈ તેમ જ  નવનીત ત્રિવેદી વગેરે સહીત મોટી સંખ્યામાં શ્રોતાઓએ મહાન ગાયક પ્રાણલાલને તેમની નવમી પુણ્યતિથિએ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. પ્રાણલાલ વ્યાસના પુત્ર જીગ્નેશ વ્યાસે એમના પિતાશ્રીની યાદમાં યોજાયેલ આ ભવ્ય અને અનોખા કાર્યક્રમ બદલ સર્વ વક્તાઓ, ગાયકો અને આયોજક તેમ જ મોટી સંખ્યામાં જોડાયેલ સર્વ શ્રોતાઓનો આભાર માન્યો હતો

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular