Monday, May 19, 2025
Google search engine
HomeNewsGujaratરાજ્યનાં 29 શહેરોમાં રાત્રિ-કરફ્યુઃ સરકારે વધારાનાં નિયંત્રણો લાદ્યાં

રાજ્યનાં 29 શહેરોમાં રાત્રિ-કરફ્યુઃ સરકારે વધારાનાં નિયંત્રણો લાદ્યાં

અમદાવાદઃ ગૃહ મંત્રાલયની 26 એપ્રિલની માર્ગદર્શિકા સંદર્ભે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગૃહ વિભાગ સાથેની બેઠક પછી મહત્વના નિર્ણયો લીધા છે, જે મુજબ હવે 20ની જગ્યાએ રાજ્યનાં 29 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. .રાજ્યનાં ૨૯ શહેરોમાં રાત્રિ કરફ્યુ ઉપરાંત વધારાનાં નિયંત્રણો મૂકવામાં આવ્યાં છે. આ નિયંત્રણો 28 એપ્રિલ, 2021થી 5 મે, 2021 સુધી અમલમાં રહેશે, જોકે આ નિયંત્રણો દરમિયાન ૨૯ શહેરોમાં તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.

રાજ્યનાં 29 શહેરોમાં 5 મે સુધી રાત્રે 8થી બીજા દિવસે સવારના છ સુધી રાત્રિ કરફ્યુ રહેશે. અગાઉ જે ૨૦ શહેરોમાં રાત્રિના ૮થી સવારે છ વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ હતો, એ ૨૦ શહેરો ઉપરાંત હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટા ઉદેપુર અને વેરાવળ-સોમનાથ સહિત કુલ ૨૯ શહેરોમાં રાત્રિના ૮થી સવારના છ વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ રહેશે.

જોકે રાજ્યમાં અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદી, મેડિકલ સ્ટોર, દૂધ પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે. રાજ્યમાં તમામ 29 શહેરોમાં મોલ, શોપિંગ કોમ્પલેક્સ, ગુજરી બજાર, સિનેમા હોલ, ઓડિટોરિયમ, જિમ, સ્વિમિંગ પુલ, વોટરપાર્ક, જાહેર બાગ-બગીચાઓ, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિઓ બંધ રહેશે.

રાજ્યમાં તમામ APMC બંધ રહેશે. માત્ર શાકભાજી અને ફળ-ફળાદિના વેચાણ સાથે સંલગ્ન APMC ચાલુ રાખી શકાશે. રાજ્યમાં ધાર્મિક સ્થળોએ જાહેર જનતાનો પ્રવેશ બંધ રહેશે અને માત્ર સંચાલકો અને પૂજારીઓ પૂજાવિધિ કરી શકશે. રાજ્યમાં લગ્ન પ્રસંગમાં નિયમો અનુસાર વધુમાં વધુ 50 વ્યક્તિઓ હાજર રહી શકશે અને અંતિમવિધિઓમાં 20 વ્યક્તિઓ હાજર રહી શકશે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular